પૉંડિચેરી (પુદુચેરી) : દક્ષિણ ભારતના પૂર્વ કિનારે બંગાળના ઉપસાગર પર આવેલો ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ અને તેનું પાટનગર. આ કેન્દ્રશાસિત પ્રદેશ 4 જિલ્લાઓ, 15 તાલુકાઓ અને 295 ગામોમાં વહેંચાયેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 492 ચોકિમી. જેટલું છે અને કુલ વસ્તી 9,19,000 (2024) જેટલી છે. પૉંડિચેરી નામ ‘પુટુ’ (Putu) એટલે નવું અને ચેરી (Ceri) એટલે ગામ એ બે શબ્દોમાંથી બન્યું છે. હાલમાં તે પુદુચેરી (Puducherry) તરીકે ઓળખાય છે.
(1) પૉંડિચેરી જિલ્લો : ભૌગોલિક સ્થાન : 11o 56′ ઉ. અ. અને 79o 50′ પૂ. રે. ક્ષેત્રફળ : 293 ચોકિમી. આ એકમ બંગાળના ઉપસાગરના કોરોમાંડલ કિનારા પર આવેલો છે. તેની ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમે તમિળનાડુ રાજ્યનો આર્કટ જિલ્લો આવેલો છે. (2) કારીકલ જિલ્લો : ભૌગોલિક સ્થાન 10o 55′ ઉ. અ. અને 79o 50′ પૂ. રે. ક્ષેત્રફળ : 160 ચોકિમી. આ એકમ પણ બંગાળના ઉપસાગરના કોરોમાંડલ કિનારા પર તમિળનાડુ રાજ્યના વિભાગ સાથે આવેલો છે. કારીકલ પૉંડિચેરીથી દક્ષિણે 150 કિમી. અંતરે આવેલું છે. (3) યેનામ જિલ્લો : ભૌગોલિક સ્થાન : 16o 44′ ઉ. અ. અને 82o 13′ પૂ. રે. ક્ષેત્રફળ : 30 ચોકિમી. આ એકમ આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લા નજીક, ગોદાવરીના ત્રિકોણપ્રદેશના એક ફાંટા પર આવેલો છે. (4) માહે જિલ્લો : ભૌગોલિક સ્થાન : 11o 42′ ઉ. અ. અને 75o 32′ પૂ. રે. ક્ષેત્રફળ : 9 ચોકિમી. આ એકમ અરબી સમુદ્રના મલબાર કિનારે કેરળ રાજ્યના પ્રદેશ સાથે આવેલો છે. આ ચારે એકમોનો વહીવટ પાટનગર પૉંડિચેરીથી કરવામાં આવે છે.
કેન્દ્રશાસિત પ્રદેશના આ ચારે એકમો સમુદ્રકિનારે આવેલા હોવાથી ઉનાળા અને શિયાળાના તાપમાનમાં ઘણો ઓછો તફાવત રહે છે. પૉંડિચેરીનું જુલાઈનું ગુરુતમ તાપમાન 32.1o સે. અને લઘુતમ તાપમાન 24.2o સે. જેટલું, જ્યારે શિયાળાનું જાન્યુઆરીનું ગુરુતમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 30o સે. અને 22.5o સે. જેટલું રહે છે. અહીં ઉનાળાના નેર્ઋત્યના તથા શિયાળાના ઈશાનના મોસમી પવનો વરસાદ આપે છે. કુલ વરસાદ 900થી 1,100 મિમી. જેટલો પડે છે. નૈર્ઋત્યના મોસમી પવનોનો વરસાદ જુલાઈથી સપ્ટેમ્બરના ગાળા દરમિયાન પડી જાય છે; જ્યારે ઈશાનના મોસમી પવનોનો વરસાદ શિયાળાના મહિનાઓમાં પડે છે. અહીં લગભગ આઠ માસનું ચોમાસું રહે છે. આ પ્રદેશ ચોમાસા દરમિયાન ક્યારેક વાવાઝોડાનો ભોગ પણ બની જાય છે.
પૉંડિચેરીની કુલ જમીન પૈકી કેટલીક ક્ષારની અસરવાળી, કેટલીક દરિયાઈ કાંઠાની રેતાળ, કેટલીક ઊંચી-નીચી તથા ઉજ્જડ છે; જમીન મુખ્યત્વે કાળી છે. દરિયાકિનારે તાડ અને નાળિયેરીનાં વૃક્ષો છે; બાકીના ભાગમાં છૂટાંછવાયાં સાગ-વાંસનાં વૃક્ષો થાય છે. ડાંગર, રાગી, બાજરો, કઠોળ, કપાસ, મગફળી અને શેરડી જેવા ખેતીના પાકોનું વાવેતર કરવામાં આવે છે. ખેતીલાયક 90 % વિસ્તારને ટ્યૂબવેલ, કૂવા તથા તળાવની સિંચાઈનો લાભ મળે છે.
પૉંડિચેરીના પ્રદેશમાં 77 મોટા, મધ્યમ અને 9067 લઘુઉદ્યોગોનાં કારખાનાં આવેલાં છે. કાપડ, ખાંડ, સૂતર, આલ્કોહૉલ, બિયર, પોટૅશિયમ ક્લોરેટ અને બેન્ઝિનનાં રસાયણો, કૉસ્ટિક સોડા, ડાંગરના ભૂસાનું તેલ, મોટરના છૂટક ભાગો, સાબુ, ટૅલ્કમ પાઉડર, ઍમિનો-ઍસિડ, ઇન્જેક્શનની સિરિન્જ, નાઇલૉન, મૉનોફિલામેન્ટ, જિલેટીન, કૅપ્સ્યૂલ, બાયોપૉલિમર, ધોવાનાં મશીન, કાચની બરણીઓ, ઍલ્યુમિનિયમનાં પીપ, પગરખાં, સ્ટીલ-ટ્યૂબ, ગૅસ-સિલિન્ડર, ઑક્સિજન અને એસિટિલીન-ગૅસ, સ્પિરિટ વગેરેનાં કારખાનાં છે. મત્સ્ય-ઉદ્યોગ પણ મહત્ત્વનો ઉદ્યોગ છે. કુલ વસ્તીના લગભગ 45 % લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં રોકાયેલા છે. 55% લોકો ઉદ્યોગો, વેપાર, પરિવહન, બૅંકો, વીમાકંપનીઓ, સરકારી અને ખાનગી નોકરીઓમાં રોકાયેલા છે.
આ પ્રદેશમાં કુલ 551.43 કિમી. લંબાઈના માર્ગો છે; તે પૈકી રાષ્ટ્રીય ધોરીમાર્ગો (24.65 કિમી.), રાજ્ય ધોરીમાર્ગો (63.85 કિમી), જિલ્લા-માર્ગો (241.82 કિમી) અને ગ્રામમાર્ગો (221.11 કિમી.) છે. 27 કિમી. જેટલો રેલમાર્ગ છે. પૉંડિચેરીને પોતાનું હવાઈ મથક પણ છે. પૉંડિચેરી બંદર ખાતે ખાતર, સિમેન્ટ અને જરૂરી અનાજની આયાત થાય છે; જ્યારે ડાંગરના ભૂસાના તેલની નિકાસ કરવામાં આવે છે.
ભારતની વસ્તીના 0.09% જેટલું પ્રમાણ ધરાવે છે. આ પૈકી 64% શહેરી અને 36% ગ્રામીણ વસ્તી છે. અહીં દર ચોકિમી. દીઠ વસ્તીનું સરેરાશ પ્રમાણ 1,462 વ્યક્તિઓનું છે. લગભગ 80% લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. પૉંડિચેરી શહેર સહિત સમગ્ર જિલ્લાની વસ્તી 6,08,338 (2011), કારીકલની 1,45,703 વસ્તી, યેનામની 20,297 વસ્તી અને માહેની 33,447 વસ્તી છે. પાટનગર પૉંડિચેરી શહેરની વસ્તી 4,01,000 જેટલી છે, જે કેન્દ્રશાસિત પ્રદેશની વસ્તીના લગભગ 50% જેટલી થાય છે. પ્રદેશમાં ચાર મુખ્ય શહેરો અને 295 જેટલાં ગામો છે. કુલ વસ્તી પૈકી 85.6% હિંદુ, 6.1% મુસલમાન અને 8.3% ખ્રિસ્તી છે; આ ઉપરાંત થોડાક શીખ, બૌદ્ધ અને જૈનોની વસ્તી પણ છે. અહીં મુખ્યત્વે તમિળ, તેલુગુ, મલયાળમ, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓ બોલાય છે; જોકે આખા સંઘપ્રદેશમાં 55 જેટલી ભાષાઓનો ઉપયોગ થાય છે.
કેન્દ્રશાસિત આ ચાર એકમો પૈકી પૉંડિચેરી વધુ જાણીતું બનેલું છે. મુલાકાતે આવતા પ્રવાસીઓ અહીંનાં જૂનાં સ્મૃતિચિહ્નો તથા અવશેષો નિહાળીને ફ્રેન્ચોની જીવનશૈલી માટે વિશિષ્ટ લાગણી અનુભવે છે. ચારે એકમો એકમેકથી અલગ હોવા છતાં સંસ્કૃતિની દૃષ્ટિએ તે બધા એક જણાય છે. સમગ્ર ભારતમાં પૉંડિચેરી આજે ફ્રેન્ચ સંસ્કૃતિનું પ્રતીક ગણાય છે. આ શહેરમાં ચોપાટી, સરકારી બાગ, સંગ્રહસ્થાન, પ્રથમ વિશ્વયુદ્ધનું સ્મારક, વનસ્પતિ-ઉદ્યાન, કવિ ભારતી અને ભારતીદેશમ્નાં સ્મારકો આવેલાં છે. અહીંનાં શ્રીઅરવિંદ આશ્રમ અને ઑરોવિલ વિશ્વવિખ્યાત જોવાલાયક સ્થાનો બની રહેલાં છે.
ઇતિહાસ : પૉંડિચેરી નજીક આવેલી ‘આરિકામેડુ’ (Arikamedu) નામની રોમન વસાહત ઈસવી સનના પ્રથમ ત્રણેક સૈકા દરમિયાન ભારત અને રોમ વચ્ચેના વેપારનું મથક હતું. ત્યારબાદ પૉંડિચેરી પરંપરાગત વિદ્યા, કેળવણી અને વૈદિક સંસ્કૃતિનું કેન્દ્ર બની રહેલું. તેનું પ્રાચીન નામ ‘વેદપુરી’ હતું. (સ્થાનિક નામ વાદપુરીશ્વર નામે ઓળખાતા ભગવાન શિવ અને તેમની પૂજા પરથી પડેલું.) શિવનું અહીંનું મંદિર અનેક વાર બંધાયું હતું. તેના જૂનામાં જૂના ઉપલબ્ધ અવશેષની તવારીખ 900-1000 દરમિયાનની મુકાયેલી છે. આ ગાળા દરમિયાન ચૌલ વંશના રાજાઓએ પૉંડિચેરીની આસપાસ મંદિરોનું બાંધકામ કરાવેલું.
1664માં ફ્રાન્સિસ માર્ટિને પૉંડિચેરીના દુર્ગમ સ્થાનને કારણે ફ્રેન્ચ થાણું નાખવા માટે આ સ્થળની પસંદગી કરેલી. 1673માં ફ્રેન્ચોએ પૉંડિચેરી ખાતે વેપારી મથક ઊભું કર્યું હતું. ત્યારપછી 1674થી 1693 સુધીમાં અહીં સ્થપાયેલી વસાહતે સારી પ્રગતિ કરી અને અહીં કિલ્લો બાંધ્યો. 1693માં તેમના હરીફ ડચોએ પાડિચેરી જીતી લીધું હતું, પરંતુ 1699માં રીઝવીકની સંધિ અનુસાર ફ્રેન્ચોને તે પાછું મળ્યું હતું. સૂરતની કોઠી બંધ થતાં ભારતમાંનાં ફ્રેન્ચ સંસ્થાનોનું તે મુખ્ય મથક બની રહ્યું.
1720થી ’30 દરમિયાન ફ્રેન્ચોએ માહે પ્રદેશનો કબજો મેળવ્યો, 1731માં યેનામનો અને 1738માં કારીકલનો કબજો મેળવ્યો. 1742થી 1763 દરમિયાન અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે યુદ્ધ થયાં, પૉંડિચેરીનો કબજો તે દરમિયાન બદલાતો રહ્યો. 1814માં અંગ્રેજોએ છેવટે આ પ્રદેશ ફ્રેન્ચોને સોંપી દીધો.
1946 સુધીમાં, પૉંડિચેરીના સ્થાનિક લોકોને ફ્રેન્ચો પાસેથી સ્વતંત્રતા જોઈતી હતી. આ કારણે ત્યાં ઘણા રાજકીય પક્ષો ઊભરી આવેલા. ફ્રેન્ચોને જ્યારે જાણ થઈ કે અંગ્રેજો 1947માં ભારતને આઝાદી આપી દેવાના છે ત્યારે પૉંડિચેરીની પ્રજાએ પણ સ્વતંત્ર ભારતમાં જોડાવાની પોતાની માગણી મૂકી. સ્વતંત્રતા મળ્યા પછી, ભારત સરકારે પૉંડિચેરીને ભારતમાં ભેળવી દેવા માટેની વાટાઘાટો શરૂ કરી. છેવટે 1954ના નવેમ્બરની પહેલી તારીખે પૉંડિચેરીને ભારતનું સંઘરાજ્ય બનાવી ફ્રેન્ચો પાસેથી આ પ્રદેશનો વહીવટ સંભાળી લેવામાં આવ્યો. પોંડિચેરી સાથે સંકળાયેલા વિસ્તારોની વસ્તી 2,44,377 (2011) હતી.
શિવપ્રસાદ રાજગોર