પૉં દુ ગાર્દ : ઈ. સ. 14માં ફ્રાન્સમાં નિમેસ ખાતે ગાર્દ નદી પરનો પુલ. પાણીની નહેરના બાંધકામના એક ભાગ રૂપે બંધાયેલ. નદીના પટમાં 269 મી. લાંબી આ ઇમારત બેવડું કામ કરવા બંધાયેલ. પાણીની નહેર અને નીચેના ભાગમાં રસ્તો. આ જાતની રચના યુરોપીય દેશોમાં પાણીની નહેરને ઊંચાઈ ઉપરના ભાગમાં લઈ જવા માટે વપરાતી હતી. પૉં દુ ગાર્દ ત્રણ સ્તરમાં બંધાયેલ. સૌથી નીચલા સ્તરની ઇમારતમાં રસ્તાવાળો પુલ હતો, જેમાં વિશાળ કમાનોની રચનાથી રસ્તાને આધાર અપાયો હતો. તેની ઉપલા સ્તરની રચનામાં વિશાળ કમાનો હતી, જેથી પૂરનાં પાણી પ્રસરી શકે અને સૌથી ઉપલા સ્તરની રચના ઉપરથી નહેર જતી હતી  તેમાં સમાનાકારની કમાનો હતી; તે 4.3 મી. પહોળાઈની હતી. કમાનોની રચના સ્તંભો પર કરાયેલ છે. નાનામાં નાની કમાનો 4.3 મી. પહોળી અને સૌથી મોટી 25 મી. પહોળી હતી. નીચલા સ્તરોની ચણતરની દીવાલો ફક્ત ઉપરાઉપરી થરો દ્વારા જ કરાયેલ. કમાનના ચણતરમાં કમાનાકાર બાંધકામ કરવા માટેના લાકડાના માળખાને ટેકવવા અમુક થરોને બહાર કાઢવામાં આવેલ. ઇટાલી અને ફ્રાન્સમાં પાણીની નહેરો (aqua ducts) અને પુલો ઘણી જગ્યાએ બાંધવામાં આવેલાં. સ્પેનમાં તારાગોના સેગોવિયા (ઈ. સ. 10), સ્વાલાટો અને બીજી જગ્યાઓએ બાંધવામાં આવેલ આવી ઇમારતો દ્વારા રોમન શાસન દરમિયાન પાણી-પુરવઠાના મહત્ત્વનો તથા તેની વ્યવસ્થાનો ખ્યાલ આવે છે.

રવીન્દ્ર વસાવડા