પેલે (મૂળ નામ એડસન અરાન્ટેસ ડા નાસિમેન્ટો)

January, 1999

પેલે (મૂળ નામ એડસન અરાન્ટેસ ડા નાસિમેન્ટો) (. 23 ઑક્ટોબર, 1940, ત્રે કોરાકોસ, મિનાસ જિરાઇસ) : બ્રાઝિલનો ફૂટબૉલ-રમતવીર. વિશ્વમાં સૌથી વધારે ખ્યાતિ ધરાવતા રમતવીરોમાંનો એક. રમતનાં કૌશલ્યોના તેના અદભુત સ્વામિત્વે પશ્ચિમી દેશોમાં તેને આદરભર્યું સ્થાન અપાવ્યું. પિતા રમોસ ફૂટબૉલના વ્યવસાયી ખેલાડી હતા. પિતાની પ્રેરણાથી એડસન પણ સમય મળ્યે આ રમત રમતો. આઠ વર્ષની વયની આસપાસ એડસન ‘પેલે’ના હુલામણા નામે જાણીતો થયો. આ નામ કેવી રીતે પ્રચલિત બન્યું તે અંગે પેલેને પણ કશું યાદ નથી. તેના પ્રત્યે તેનો અણગમો ધ્યાનમાં લીધા સિવાય ચાહકોએ પેલે નામ ચલણી કરી દીધું. તેર વર્ષની વયે પેલે બેરુ ઍથ્લેટિક ક્લબમાં જોડાયો. વ્યવસાયી તરીકેની સિદ્ધિની સીડી પર આ તેનું પ્રથમ સોપાન.

પેલે

વૅલ્ડિમર ડી બ્રિટોએ પેલેને રમતનાં કૌશલ્યો શીખવ્યાં. 1956માં 16 વર્ષની વયે સાન્ટોસની ટુકડીમાં રમતાં તેણે જે ઝલક બતાવી તેના અનુસંધાનમાં બીજે જ વર્ષે તેને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બ્રાઝિલ વતી ગોલ નોંધાવવાનો અવસર મળ્યો. 1958માં વિશ્વકપ-સ્પર્ધામાં ઉપાન્ત્ય રમતમાં તેમજ 5-2થી સ્વીડનના પરાજયનું નિમિત્ત બનનાર રમતમાં-એમ બે વાર તેણે હૅટ્રિક નોંધાવીને આંતરરાષ્ટ્રીય રમતવીર તરીકે પોતાનું સ્થાન સિદ્ધ કર્યું. પગના સ્નાયુની પીડાને કારણે 1962 તથા 1966માં પેલેની રમત મંદ રહી; પણ 1970માં પુનરાગમન સાથે તેણે પદક પ્રાપ્ત કર્યો. વચગાળાના સમયમાં તે સાન્ટોસમાં રમ્યો અને આંતરિક લીગ તથા કપ-સ્પર્ધાઓમાં વિજયો પ્રાપ્ત કર્યા. 1962 અને 1963માં વિશ્વક્લબ સ્પર્ધામાં શ્રેષ્ઠતા પણ મેળવી. 1971માં તે 111મી સ્પર્ધા 97 આંતરરાષ્ટ્રીય ગોલ સાથે જીતી ચૂક્યો હતો. 1974ની સ્પર્ધાઓના અંતે તે નિવૃત્ત થયો; પરંતુ મોટા ધનલાભના પ્રસ્તાવે તે ન્યૂયૉર્ક કૉસમૉસમાં જોડાઈ ગયો. ફરી એક વાર તે ધૂમ મચાવતો થયો. 1977માં તે પુન: નિવૃત્ત થયો, ત્યાં સુધીમાં તેના નામે 1,363 પ્રથમ વર્ગની સ્પર્ધાઓમાં 1,281 ગોલ નોંધાયા હતા. એક વિશેષ સ્પર્ધામાં મહેમાન ખેલાડી તરીકે રમતાં તેણે વધુ બે ગોલ કર્યા.

રમતના વ્યવસાયી પાસાનો તેને ભરપૂર લાભ મળ્યો અને તેણે અઢળક ધન પ્રાપ્ત કર્યું. સ્વભાવે તે સરળ અને મળતાવડો હતો. પાછળથી તે રાજકારણમાં પડ્યો, ત્યાં તેનો આ સ્વભાવ મદદરૂપ નીવડ્યો.

હર્ષદભાઈ પટેલ