પેલિયોસીન રચના (Palaeocene)

January, 1999

પેલિયોસીન રચના (Palaeocene) : તૃતીય જીવયુગના પાંચ કાલખંડ પૈકીનો એક અને પ્રથમ ક્રમે આવતો વિભાગ. પેલિયોસીનની વ્યુત્પત્તિ-Palaeo એટલે પ્રાચીન (જૂનું) અને cene એટલે અર્વાચીન-કરતાં અર્વાચીન પૈકીનો આદ્ય એવો અર્થ થાય. ભૂસ્તરીય ઇતિહાસના કાળક્રમમાં તેના ખડકસ્તરોની જમાવટ આજથી ગણતાં 6.5 કરોડ વર્ષ અગાઉથી શરૂ થયેલી અને 5.5 કરોડ વર્ષ અગાઉ પૂરી થયેલી હોઈ તેનો કાળગાળો 1 કરોડ વર્ષનો ગણાય. તેની નીચે મધ્ય જીવયુગની ક્રિટેસિયસ રચના અને ઉપર ઇયોસીન રચના રહેલી છે. ભૂસ્તરીય કાળક્રમમાં તેની સ્થિતિ નીચેના કોષ્ટક પરથી સ્પષ્ટ બને છે :

ખડકસ્તરો : પેલિયોસીનના ખડકસ્તરો તેની નીચે રહેલી ક્રિટેસિયસ રચનાના માર્લ, ચૂનાખડકો, પંકપાષાણ રેતીખડકો અને કૉંગ્લોમરેટના જેવા જ છે; પણ ક્રિટેસિયસમાં છેલ્લે છેલ્લે થયેલી વિસ્તૃત ચૉકનિક્ષેપક્રિયા અહીં અટકી ગઈ છે; તેને બદલે ગ્લોકોનાઇટયુક્ત ગ્રીનસૅન્ડ ખડક બહોળા પ્રમાણમાં બને છે. અમુક સ્થાનોમાં કથ્થાઈ કોલસો, ટ્યુનિસ અને અલ્જિરિયામાં ફૉસ્ફેટ-નિક્ષેપો જામે છે. ભૌગોલિક દૃષ્ટિએ જોતાં, પેલિયોસીન-નિક્ષેપો સળંગ ન મળતાં છૂટાં છૂટાં સ્થાનોમાં જામેલા મળે છે. આમાં અગ્નિકૃત ખડકો ખાસ જોવા મળતા નથી, પરંતુ યુરોપમાં આ કાળ દરમિયાન ટફ સારા પ્રમાણમાં જોવા મળે છે.

સ્તરવિદ્યાત્મક સ્થાન : સ્તરવિદ્યાની દૃષ્ટિએ વિચારતાં, ‘પેલિયોસીન’ પર્યાય ડબ્લ્યૂ. પ્રી. શિમ્પરે (W. P. Schimper) રેતીખડકો, ટ્રાવરટાઇન, લિગ્નાઇટ વગેરે જેવા ખડકોમાં મળી આવેલા બર્ચ, એલ્મ, પૉપ્લરની ઉપજાતિ કૉટનવૂડ અને વિલોના અવશેષોના અભ્યાસ પરથી 1874માં પ્રયોજેલો; કારણ કે દક્ષિણ ગોળાર્ધમાં ક્રિટેસિયસમાં મળતા પ્રધાન વનસ્પતિ-અવશેષોની સરખામણીએ ઉત્તર ગોળાર્ધમાંના આ અવશેષો જુદા પડતા હતા. આ વનસ્પતિધારક સ્તરો જોકે ભૌગોલિક રીતે સ્થાનિક હતા, પરંતુ આ સ્તરો તેમના પાર્શ્વવિસ્તરણમાં પાર્થિવ સસ્તન પ્રાણીઓ અને દરિયાઈ અપૃષ્ઠવંશી પ્રાણીઓનો પણ સમાવેશ કરતા હતા. તેમાં મળતાં સસ્તન પ્રાણીઓની માહિતી પરથી 1920માં આ પર્યાયનાં મહત્વ અને આંતરરાષ્ટ્રીય ઉપયોગિતા વધ્યાં. આમ તૃતીય જીવયુગના વર્ગીકૃત ચાર કાલખંડ(ઇયોસીનથી પ્લાયોસીન)માં પેલિયોસીન નિમ્ન વિભાગ તરીકે ઉમેરાયો અને તેને એક અલગ-આગવું સ્થાન પ્રાપ્ત થયું.

દરિયાઈ સંજોગો અને ગિરિનિર્માણ : આ કાળ પ્રાદેશિક ઉત્થાન અને દરિયાઈ પીછેહઠના બે તબક્કા આવરી લે છે, જે હંગામી દરિયાઈ વિસ્તરણથી થતા સ્પષ્ટ ફેરફારથી અલગ પડે છે. આ અગાઉ ક્રિટેસિયસમાં જે સેનોમેનિયન અતિક્રમણ થયેલું તે તેના અંતિમ ચરણ વખતે સંકોચાઈને દરિયાઈ ફાંટાઓમાં પરિણમેલું, જેનાથી ઇંગ્લૅન્ડથી જાપાન સુધીના કેટલાક પ્રદેશોમાં સ્વચ્છ જળના અને દક્ષિણ ફ્રાન્સ, દાલ્મેટિયા તેમજ સિંધુના પ્રદેશોમાં નદીનાળ-નિક્ષેપો રચાયેલા, જે તે પછીથી વિસ્તૃત પાર્થિવ નિક્ષેપરચના-પ્રકારમાં ફેરવાતા ગયેલા. ત્યારબાદ પ્રાદેશિક ઉત્થાન થવાથી આ નિક્ષેપરચનાઓ ઘસાઈ ગઈ. આમ તો આ કાળમાં જે કોઈ ઉત્થાન થયાં તે થોડાં હતાં અને માત્ર સ્થાનિક તીવ્રતાવાળાં જ હતાં, તેથી તેને ખરા અર્થમાં તો ગિરિનિર્માણ ન કહેવાય. ક્રિટેસિયસથી પેલિયોસીનની સળંગ દરિયાઈ નિક્ષેપક્રિયા ડેન્માર્ક અને ત્યાંથી પૂર્વ તરફ, ઉત્તર ફ્રાન્સની નદીખીણો અને નીચાણવાળા વિસ્તારોમાં, ઇજિપ્તના ભાગોમાં, અમેરિકાનાં અખાતી રાજ્યોમાં, કૅલિફૉર્નિયામાં, તેમજ ન્યૂઝીલૅન્ડમાં, તેનિમ્બર અને દક્ષિણ સેલિબિસમાં છૂટક છૂટક અને મર્યાદિત રહી. તિબેટ અને ઉત્તર અમેરિકાના અંતરિયાળમાં તો પેલિયોસીનના પીછેહઠ કરતા સમુદ્રજળે આ કાળની છેલ્લી સ્થાનિક દરિયાઈ સ્તરોની જમાવટ આપી.

પેલિયોસીન કોન્ડિલાર્થ, ટેટ્રાક્લીનોડૉન. આ પાંચ આંગળાંવાળું ખરીવાળું પ્રારંભિક પ્રાણી ઘોડાનું પૂર્વજ હતું.

જીવન : પેલિયોસીન દરિયાઈ જીવન પેલિસિપોડ, ગૅસ્ટ્રોપોડ, એકિનોઇડ અને ફોરામિનિફરની પ્રધાન લાક્ષણિકતાવાળું બની રહે છે. ન્યુમુલાઇટ્સ અને ડિસ્કોસાયક્લિના જેવાં ફોરામિનિફર બહોળા પ્રમાણમાં ચૂનાખડકો રચે છે અને અયનવૃત્તીય સ્વચ્છ છીછરા સમુદ્ર-જળમાં તેનું પ્રાધાન્ય દેખાઈ આવે છે, જે આગળ જતાં ઇયોસીનમાં બહોળા પ્રમાણમાં વિસ્તરે છે. મધ્ય જીવયુગમાં સમૃદ્ધિ પામેલાં મૃદુ શરીરાદિ – ખાસ કરીને બેલેમ્નાઇટ્સ અને એમોનાઇટ્સ તેમજ ભૂમિસ્થિત ડાઇનોસૉર-સરીસૃપોની જેમ જ દરિયાઈ સરીસૃપો પણ એકાએક વિલોપ પામી જાય છે; જ્યારે દરિયાઈ સીફેલોપોડ – સ્ક્વિડ, ઑક્ટોપસ અને મૌક્તિક-ચમકવાળાં નૉટિલસ ટકી રહે છે. સરીસૃપીય કાચબા, સાપ, ગરોળીઓ, ઘડિયાળ અને મગર ચાલુ રહે છે. એ જ રીતે ઘણાં વૃક્ષો અને છોડ પણ ક્રિટેસિયસથી તૃતીય જીવયુગ તરફ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ બને છે. પેલિયોસીન ભૂમિજીવનનું આગળ પડતું લક્ષણ તે અહીં જણાવેલાં કેટલાંક પ્રાણીઓ છે; દા. ત., કીટકભક્ષી, બિલાડીના પૂર્વજ ક્રિયોડૉન્ટ જેવાં માંસભક્ષી, કૉન્ડિલાર્થ (પ્રથમ ઘોડો જેમાંથી ઊતરી આવેલો તે પૂર્વજનું નજીકનું પાંચ આંગળાંવાળું – ખરીવાળું પ્રાણી), ઉંદર જાતિના પૂર્વજો અને અંગુષ્ઠધારીઓ જેવાં પ્રાચીન નાભિવાળાં પ્રાણીઓ. તેમનો પ્રારંભ થાય છે, તેઓ સમૃદ્ધિ પામે છે અને ઉત્ક્રાંતિ પામતાં જાય છે; પરંતુ જૂનાં મર્સુપિયલ્સ (કોથળીવાળાં પ્રાણી) – સસ્તન પ્રાણીઓ ઑસ્ટ્રેલિયામાં અલગ પડી જાય છે.

ઉત્તર ગોળાર્ધમાંના દરિયાઈ પ્રાણીઅવશેષોને આ રીતે અલગ પાડી શકાય. પૂર્વ વિસ્તારોના સંદર્ભમાં ટેથીઝના હૂંફાળા જળનાં પ્રાણીઓમાં ન્યુમુલાઇટ્સને અગ્રસ્થાને મૂકી શકાય. પશ્ચિમ વિસ્તારો(પશ્ચિમ આફ્રિકા સહિત)ના સંદર્ભમાં અયનવૃત્તીય પ્રાણીઓમાં ન્યુમુલાઇટ્સનો અભાવ હોવા છતાં તેમને ઉત્તર યુરોપના ઠંડા જળનાં પ્રાણીઓ સાથે અમુક પ્રમાણમાં સરખાવી શકાય ખરાં, જે ખરેખર તો ડેન્માર્કથી પશ્ચિમ તરફ પૂર્વ ગ્રીનલૅન્ડ સુધી અને ત્યાંથી વધુ પૂર્વમાં ડૉન-વૉલ્ગા તરફ વિસ્તર્યાં. આ હૂંફાળા જળનાં પ્રાણીઓ બવેરિયા, પશ્ચિમ ઑસ્ટ્રિયા અને ક્રીમિયા સુધી વિસ્તરેલાં જણાય છે. ન્યૂઝીલૅન્ડનાં પ્રાણીઓ ત્યાંથી દૂરના કૉંગો, પેટાગોનિયા અને કૅલિફૉર્નિયાનાં પ્રાણીઓ સાથે સામ્ય ધરાવતાં હોવાનું જણાય છે. આ બાબત સૂચવે છે કે આ વિસ્તારોમાં ટેથીઝનો કોઈ પૂર્વીય ફાંટો અને અમેરિકન અખાતી રાજ્યો તરફનો ફાંટો-બંનેનો કોઈ પ્રકારનો સંપર્ક હોવો જોઈએ.

પેલિયોસીનની સમાપ્તિના અંતિમ તબક્કામાં જોવા મળતાં સસ્તન પ્રાણીઓ કોઈ આંતરખંડીય ભૂમિસંધાનોનો નિર્દેશ કરી જાય છે.

ગિરીશભાઈ પંડ્યા