પેલેન્ક્યુ : મેક્સિકોમાં આવેલ પ્રાચીન માયા સંસ્કૃતિનું નાશ પામેલ પ્રસિદ્ધ નગર. તેનું મૂળ નામ જાણવા મળતું ન હોવાથી, નજીકના ગામ પરથી આ નામ આપ્યું છે. ઈ. સ.ની સાતમી અને આઠમી સદીમાં તે નગરની જાહોજલાલી હતી. મેક્સિકોના હાલના ચિયાપાસ રાજ્યમાં તે આવેલ હતું. સ્પૅનિશ લોકોએ સોળમી સદીમાં તે વિસ્તારો જીતી લીધા ત્યારે ત્યાંનાં નગરો નાશ પામ્યાં. પેલેન્ક્યુ નગરમાં અનેક પિરામિડો તથા મંચ (વ્યાસપીઠ) આવેલા હતા. પિરામિડોના શિખર ઉપર મંદિરો હતાં. કેટલાંક મકાનો કે તેની અગાસીઓને દેવોનાં ચિત્રો અથવા ભૂમિતિની આકૃતિઓથી શણગારવામાં આવ્યાં હતાં. આ નગર પર્વતાળ પ્રદેશમાં આવેલ હોવાથી ત્યાં અનેક ઠેકાણે અગાસીઓ બનાવેલી હતી. ત્યાં ‘ગ્રેટ પૅલેસ’ નામથી ઓળખાતી ઘુમ્મટવાળી એક જગા છે. તેના અવશેષ રૂપે માત્ર ત્રણ સમાંતર દીવાલો મળે છે. ‘અભિલેખોનું મંદિર’ નામથી ઓળખાતું મકાન ઘણું મોટું અને સારી રીતે જાળવેલું છે. તેમાં હાયરોગ્લિફિક લિપિના લેખો છે. ત્યાંનાં મકાનો પથ્થર અને સાગોળ વડે બાંધેલાં હતાં. ઍન્ટોનિયો દ લરિયોએ 1785માં ખોદકામ કરીને પેલેન્ક્યુ સહિત માયા સંસ્કૃતિનાં નગરોના અવશેષો શોધી કાઢ્યા. 1840માં અમેરિકાના જૉન લૉઇડ સ્ટીફન્સે તે અવશેષોની મુલાકાત લઈને, તેના પ્રત્યે દુનિયાના લોકોનું ધ્યાન દોર્યું. મેક્સિકોની સરકારના અને યુનાઇટેડ સ્ટેટ્સની કેટલીક યુનિવર્સિટીઓના પુરાતત્વવિદોએ ત્યાં ખોદકામ કરાવીને અવશેષોનો અભ્યાસ કર્યો છે.
જયકુમાર ર. શુક્લ