પૅલેસ્ટાઇન (ઇતિહાસ)

January, 1999

પૅલેસ્ટાઇન (ઇતિહાસ) : ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કિનારે આવેલો નાનકડો પ્રદેશ. દુનિયાના સૌથી વધારે ઐતિહાસિક મહત્વ ધરાવતા પ્રદેશોમાંનો તે એક છે. યહૂદી અને ખ્રિસ્તી ધર્મની શરૂઆત આ પ્રદેશમાં થઈ હતી. બાઇબલમાં વર્ણવેલાં ઘણાં સ્થળો આ પ્રદેશમાં આવેલાં છે. ઇજિપ્ત અને નૈર્ઋત્ય એશિયા વચ્ચે આવેલા આ પ્રદેશ ઉપર ઘણાં આક્રમણો થયાં છે અને ઘણા દેશોએ એના પર રાજ્ય કર્યું છે. પૅલેસ્ટાઇનનું સ્વતંત્ર રાજ્ય કદી રચાયું નથી.

ઈ. સ. પૂ. 3000 પછી પૅલેસ્ટાઇનમાં કેટલીક જાતિઓ રહેતી હતી. તેમાં કૅનનાઇટ નામની જાતિ વસતી હતી. તેથી આ પ્રદેશ ‘લૅન્ડ ઑવ્ કૅનન’ તરીકે ઓળખાયો. ઈ. પૂ. 1900થી 1700 દરમિયાન હિબ્રૂ નામની સેમિટિક જાતિ મેસોપોટેમિયા છોડી કૅનનમાં આવીને વસી. હિબ્રૂઓ એક જ ઈશ્વરમાં માનતા હતા, જ્યારે કૅનનની બીજી જાતિઓ ઘણા દેવોની પૂજા કરતી હતી. લગભગ 200 વર્ષ સુધી હિબ્રૂઓએ કૅનનની અન્ય જાતિઓ સાથે યુદ્ધો કર્યાં. એમાં ફિલિસ્ટિયાના ફિલિસ્ટિન લોકો મુખ્ય હતા. ફિલિસ્ટિયા કૅનનના નૈર્ઋત્ય કિનારે આવેલું હતું.

ઈ. સ. પૂ. 1020 સુધી હિબ્રૂઓ 12 પેટાજાતિઓમાં વહેંચાયેલા હતા. પડોશમાં રહેતી જાતિઓ સાથેના સતત સંઘર્ષોને લીધે હિબ્રૂઓએ સોલને પોતાના રાજા તરીકે પસંદ કર્યો. સોલ પછી રાજા બનનાર ડેવિડે હિબ્રૂ જાતિનું સંગઠન સાધી ઈ. સ. પૂ. 1000 આસપાસ ઇઝરાયલ રાજ્યની સ્થાપના કરી જેરૂસલેમને તેનું પાટનગર બનાવ્યું. ડેવિડના પુત્ર સૉલોમને જેરૂસલેમમાં હિબ્રૂ ધર્મનું સૌપ્રથમ દેવળ બંધાવ્યું. ઈ. સ. પૂ. 922માં સૉલોમનનું અવસાન થયું ત્યાં સુધી ઇઝરાયલનું રાજ્ય અખંડ રહ્યું; પરંતુ એ પછી ઉત્તરની પેટાજાતિઓ દક્ષિણની પેટાજાતિઓથી જુદી પડી. ઉત્તરનો ભાગ ‘ઇઝરાયલ’ તરીકે ઓળખાતો રહ્યો, જ્યારે દક્ષિણનો ભાગ ‘જૂડાહ’ તરીકે ઓળખાયો અને જેરૂસલેમ એનું મુખ્ય મથક બન્યું. હિબ્રૂ માટે વપરાતો ‘જ્યૂ’ (Jew) શબ્દ ‘જૂડાહ’ શબ્દ સાથે સંબંધ ધરાવે છે.

ઈ. સ. પૂ. 8મી સદીમાં મેસોપોટેમિયા(વર્તમાન ઇરાક)માં રહેતા એસિરિયનોએ એમનું રાજ્ય પશ્ચિમ તરફ એટલે કે ભૂમધ્ય સમુદ્ર તરફ વિસ્તાર્યું. ઈ. સ. પૂ. 722માં એમણે ઇઝરાયલ જીતી લીધું. લગભગ 100 વર્ષ પછી બૅબિલોનિયનોએ એસિરિયનોનું સામ્રાજ્ય જીતવા માંડ્યું. એમણે ઈ. સ. પૂ. 587માં જૂડાહ જીતી લીધું અને જેરૂસલેમમાં સૉલોમને બાંધેલા દેવળનો નાશ કર્યો. તેઓ ઘણા યહૂદીઓને ગુલામ બનાવી બૅબિલોનિયા લઈ ગયા. 50 વર્ષ પછી પર્શિયાના રાજા સાયરસે બૅબિલોનિયા જીત્યું અને ત્યાં યહૂદીઓને મુક્ત કરી જેરૂસલેમ જવા દીધા. પર્શિયાના રાજાઓએ ઈ. સ. પૂ. 530થી 331 સુધી પૅલેસ્ટાઇન સહિત મધ્યપૂર્વના પ્રદેશો પર શાસન કર્યું.

એ પછી મૅસિડોનિયાના સિકંદરે પર્શિયન સામ્રાજ્ય જીતી લીધું. ઈ. સ. પૂ. 323માં સિકંદરના અવસાન પછી તેના સેનાપતિઓએ તેનું સામ્રાજ્ય વહેંચી લીધું. એમાંના એક સેનાપતિ સેલ્યુકસના વંશના સમ્રાટે ઈ. સ. પૂ. 200ની આસપાસ પૅલેસ્ટાઇન કબજે કર્યું. સેલ્યુકસના વંશના રાજાએ ઈ. સ. પૂ. 167માં જૂડાહમાં પળાતા યહૂદી ધર્મ પર પ્રતિબંધ મૂક્યો. યહૂદીઓએ મક્કાબિયન્સના નેતૃત્વ નીચે બળવો કરી ‘જૂડાહ’ નામના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી, જે ઈ. સ. પૂ. 63 સુધી ટકી રહ્યું.

ઈ. સ. પૂ. 63માં રોમનોએ જૂડાહ જીતી લઈને એને રોમન સામ્રાજ્યનો ભાગ બનાવ્યું. રોમનો એને ‘જૂડિયા’ તરીકે ઓળખતા. રોમન શાસન દરમિયાન ઈસુ ખ્રિસ્તનો બેથ્લેહેમમાં જન્મ થયો હતો. રોમન સમ્રાટોએ ઈ. સ. 66 અને ઈ. સ. 132માં થયેલા યહૂદી બળવાઓને કચડી નાખ્યા. ઈ. સ. 135માં રોમનોએ જેરૂસલેમમાંથી યહૂદીઓને હાંકી કાઢ્યા અને એ પ્રદેશને ‘ફિલિસ્ટિયા’ પરથી ‘પૅલેસ્ટાઇન’ નામ આપ્યું. મોટાભાગના યહૂદીઓ પૅલેસ્ટાઇન છોડી ગયા; પરંતુ થોડા યહૂદીઓ પૅલેસ્ટાઇનના ઉત્તર છેડે આવેલા ગૅલિલીમાં રહેતા હતા. પૅલેસ્ટાઇન ઈ. સ. 300 સુધી રોમન સામ્રાજ્ય નીચે અને એ પછી બાયઝેન્ટાઇન સામ્રાજ્ય નીચે હતું. સમય જતાં સમગ્ર પૅલેસ્ટાઇનમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થયો.

ઈસુની 7મી સદીમાં આરબ સૈન્યોએ મધ્યપૂર્વના દેશો સાથે પૅલેસ્ટાઇન પણ જીતી લીધું. ઈસુની 20મી સદીની શરૂઆત સુધી ત્યાં મુસ્લિમ શાસકોએ રાજ્ય કર્યું. તેમણે ખ્રિસ્તીઓ અને યહૂદીઓને તેમનો ધર્મ પાળવાની છૂટ આપી. જોકે મોટાભાગના સ્થાનિક લોકોએ ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિનો સ્વીકાર કર્યો. ઈસુની 11મી સદીમાં સેલ્જુક તુર્ક જાતિએ પૅલેસ્ટાઇન જીતી લીધું. 1071માં એમણે જેરૂસલેમ પણ મેળવ્યું. ઈ. સ. 1096માં યુરોપના ખ્રિસ્તીઓએ જેરૂસલેમ જીતવા ધાર્મિક યુદ્ધો (crusades) શરૂ કર્યાં. 1099માં એમણે જેરૂસલેમ પર કબજો જમાવ્યો, જે 1187 સુધી ચાલુ રહ્યો. 1187માં મુસ્લિમ શાસક સલાદીને પૅલેસ્ટાઇન પર હુમલો કરી જેરૂસલેમ જીતી લીધું. ઈસુની 13મી સદીના મધ્યમાં ઇજિપ્તના મામલુક વંશના રાજાઓએ નવું સામ્રાજ્ય જમાવ્યું તથા પૅલેસ્ટાઇન જીતી લીધું. 1517માં ઑટોમન તુર્ક સમ્રાટોએ મામલુકોને હરાવી પૅલેસ્ટાઇન પર વર્ચસ જમાવ્યું. આ સમયે પૅલેસ્ટાઇનની મોટાભાગની વસ્તી આરબ મુસ્લિમોની હતી. જોકે ભૂમધ્ય સમુદ્રના પ્રદેશોમાંથી થોડા યહૂદીઓ ત્યાં આવીને રહ્યા હતા. ઈ. સ. 1880માં પૅલેસ્ટાઇનમાં લગભગ 24,000 યહૂદીઓ હતા.

ઈસુની 19મી સદીના અંતમાં પૂર્વ યુરોપના દેશોમાં યહૂદીઓ પરના અત્યાચારોને લીધે ત્યાંથી ઘણા યહૂદીઓએ હિજરત કરી. તેથી યહૂદી નિરાશ્રિતોનો પ્રશ્ન ઊભો થયો. કેટલાક યહૂદીઓએ ‘ઝાયો-વાદ’(Zionism)ની ચળવળ શરૂ કરીને પૅલેસ્ટાઇનને સ્વતંત્ર યહૂદી રાષ્ટ્ર બનાવવાની માગણી કરી. એ જ વખતે પૅલેસ્ટાઇનમાં આરબોની વસ્તી વધવા માંડી. 1914માં પૅલેસ્ટાઇનની કુલ 7,00,000ની વસ્તીમાંથી 6,15,000 આરબો અને 85,000 યહૂદીઓ હતા.

પ્રથમ વિશ્વયુદ્ધ (1914-1918) દરમિયાન તુર્કસ્તાનનું ઑટોમન સામ્રાજ્ય મિત્રદેશો વિરુદ્ધ જર્મની અને ઑસ્ટ્રિયા સાથે જોડાયું. આ યુદ્ધ દરમિયાન યહૂદીઓનો ટેકો મેળવવા બ્રિટને 1917માં ‘બાલ્ફર જાહેરાત’ દ્વારા પૅલેસ્ટાઇનમાં યહૂદીઓને પોતાનું રાષ્ટ્ર આપવાનું સૂચન કર્યું. વિશ્વયુદ્ધમાં મિત્રદેશોનો વિજય થયો. તેમણે તુર્ક ઑટોમન સામ્રાજ્યના ટુકડા કરી પોતાની વચ્ચે વહેંચી લેવાનું નક્કી કર્યું. 1920માં બ્રિટનને પૅલેસ્ટાઇન ઉપર વહીવટ કરવાનો અધિકાર આપ્યો. 1923માં પૅલેસ્ટાઇન અને ટ્રાન્સજૉર્ડન (અત્યારનું જૉર્ડન) એમ બે વિભાગ કરી બંને ઉપરનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. 1930થી 1935 દરમિયાન નાઝી જર્મની અને પોલૅન્ડમાં યહૂદીઓ પરના ત્રાસ અને સામૂહિક હત્યાઓને પરિણામે લગભગ એક લાખ યહૂદીઓ ત્યાંથી પૅલેસ્ટાઇનમાં આવ્યા. ઝાયોવાદની ચળવળને પ્રોત્સાહન મળ્યું. આરબોએ યહૂદીઓના આગમનનો વિરોધ કર્યો; તેથી પૅલેસ્ટાઇનમાં યહૂદીઓના પ્રવેશ પર અંકુશો મૂકવામાં આવ્યા.

બીજા વિશ્વયુદ્ધ (1939-1945) દરમિયાન યહૂદીઓ પર ભયંકર જુલ્મો થયા. તેથી યુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘે યહૂદીઓને અલગ સ્વતંત્ર રાષ્ટ્ર આપવાનું નક્કી કર્યું. રાષ્ટ્રસંઘના ખાસ કમિશને પૅલેસ્ટાઇનના બે ટુકડા કરી એકમાં યહૂદી રાષ્ટ્ર (ઇઝરાયલ) અને બીજામાં આરબ રાષ્ટ્ર (જૉર્ડન) સ્થાપવાનો તથા જેરૂસલેમને આંતરરાષ્ટ્રીય અંકુશ નીચે મૂકવાનો નિર્ણય કર્યો. યહૂદીઓએ આ નિર્ણયનો સ્વીકાર કર્યો, જ્યારે આરબોએ ઉગ્ર વિરોધ સાથે અસ્વીકાર કર્યો. 1948ની 14મી મેએ બ્રિટન પૅલેસ્ટાઇનમાંથી ખસી ગયું અને યહૂદીઓએ ઇઝરાયલના સ્વતંત્ર રાજ્યની ઘોષણા કરી. બીજે જ દિવસે પડોશી આરબ દેશોએ ઇઝરાયલ ઉપર સંયુક્ત આક્રમણ કર્યું; પરંતુ ઇઝરાયલે તેનો સફળતાપૂર્વક સામનો કર્યો. 1949માં યુદ્ધ પૂરું થયું ત્યારે એણે આરબો પાસેથી કેટલોક પ્રદેશ જીતી લીધો હતો અને લગભગ 7,20,000 જેટલા આરબોએ ઇઝરાયલ છોડીને પડોશી આરબ દેશોમાં નિરાશ્રિત તરીકે આશ્રય લીધો હતો.

સંયુક્ત રાષ્ટ્રસંઘે આરબો અને યહૂદીઓ વચ્ચે સમાધાન કરાવવા ઘણા પ્રયાસો કર્યા; પરંતુ એમાં સફળતા મળી નહિ. ઈ. સ. 1956 અને 1967માં આરબ દેશો તથા ઇઝરાયલ વચ્ચે યુદ્ધો થયાં. 1967માં યુદ્ધવિરામ થયો તે પહેલાં ઇઝરાયલે વેસ્ટ બૅન્ક અને ગાઝા પટ્ટી જીતી લીધાં હતાં. એ ઉપરાંત, એણે ઇજિપ્ત પાસેથી સિનાઇ દ્વીપકલ્પ અને સીરિયા પાસેથી ગોલન હાઇટના પ્રદેશો પડાવી લીધા હતા. 1973માં ઇજિપ્ત અને સીરિયાએ સાથે મળીને ઇઝરાયલ સામે ફરી યુદ્ધ જાહેર કર્યું; જેનો જૂન, 1974માં અંત આવ્યો. ઘણા પ્રયાસો પછી 1978માં ઇજિપ્ત અને ઇઝરાયલે કૅમ્પ ડેવિડ સમાધાન પર સહી કરી. આ સમાધાનમાં ઇઝરાયલ સિનાઇ દ્વીપકલ્પમાંથી હઠી જાય, વેસ્ટ બૅન્ક અને ગાઝા પટ્ટીમાં પાંચ વર્ષ સ્વશાસન દાખલ થાય અને એ પછી મતદાન દ્વારા નિર્ણય લેવાય એમ નક્કી થયું હતું. આરબ દેશોએ આ સમજૂતીનો વિરોધ કર્યો. 1987માં પૅલેસ્ટાઇનમાં વિરોધી આરબો દ્વારા હિંસક બનાવો બન્યા; પરંતુ ઇઝરાયલે એ વિરોધીઓને કચડી નાખ્યા.

ઇઝરાયલ છોડીને નાસી ગયેલા લાખો આરબોના પ્રતિનિધિ તરીકે પી.એલ.ઓ. (પૅલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનિઝેશન) કામ કરે છે. એની સ્થાપના 1964માં થઈ હતી. એના મુખ્ય નેતા તરીકે યાસર અરાફાત 1969થી કામ કરે છે. એમાં ‘અલ્ ફતહ’ નામના ગેરીલા જૂથ ઉપરાંત ડૉક્ટરો, વકીલો, વિદ્યાર્થીઓ, મજૂરો વગેરેનો સમાવેશ થાય છે. પી.એલ.ઓ. ત્રાસવાદની પ્રવૃત્તિઓ કરતું હતું. જોકે 1988માં એના નેતા યાસર અરાફાતે ઇઝરાયલના સહઅસ્તિત્વનો સ્વીકાર કરી આરબોના ત્રાસવાદનો વિરોધ કર્યો છે; આમ છતાં આ આરબ-ઇઝરાયલ પ્રશ્ન પશ્ચિમ એશિયાની શાંતિને ભયમાં મૂકે એવો વિકરાળ અને જટિલ છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી