પેપિરસ : એક જાતની વનસ્પતિનો છોડ. પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદી નજીકની ભેજવાળી જગ્યામાં તથા ખાબોચિયાંમાં પેપિરસ નામનો છોડ ઊગતો હતો. તેની છાલને ઘસીને સુંવાળી બનાવી, એકબીજી સાથે જોડીને કાગળના લાંબા વીંટા (roll) બનાવવામાં આવતા હતા. એ રીતે દુનિયામાં સૌપ્રથમ કાગળ બનાવવાની શરૂઆત થઈ. તેથી જગતમાં સૌપ્રથમ લેખનકળાનો વિકાસ પણ અહીં થયેલો જોવા મળે છે.
સામંતયુગના અમીરોનાં પુસ્તકાલયોમાં પેપિરસના વીંટા અનેક બરણીઓમાં સાચવી રાખેલા મળી આવ્યા છે. તેમાંથી તત્કાલીન સમાજનાં દૂષણો ઉપરાંત ગરીબોની કરુણ હાલતનો આબેહૂબ ચિતાર પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તેમાંથી દુનિયાના સૌથી પ્રાચીન વાર્તાસંગ્રહો મળી આવ્યા છે. ‘તૂટેલા વહાણના નાવિકની વાર્તા’ પણ એક બરણીમાંથી મળી આવી છે. ઓસિરિસ દેવનું પવિત્ર નાટક પેપિરસના અનેક વીંટામાં સમાયેલું હતું. આ ઉપરાંત પેપિરસના વીંટામાંથી કાવ્યો, ગીતો તથા ભજનો પણ મળી આવ્યાં છે. પ્રાચીન ઇજિપ્તવાસીઓ વૈદકશાસ્ત્રનું જ્ઞાન ધરાવતા હતા, એમ સાબિત કરતા વાઢકાપ અને બાહ્ય-ઉપયોગ માટેની દવાઓની માહિતી આપતા પેપિરસના વીંટા પણ મળી આવ્યા છે.
જયકુમાર ર. શુક્લ