પેપિલિયોનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (લેગ્યુમિનોસી) કુળનું એક ઉપકુળ. ફેબેસી ત્રણ ઉપકુળ ધરાવે છે : (1) પેપિલિયોનૉઇડી (લોટૉઇડી), (2) સિઝાલ્પિનિયૉઇડી અને (3) માઇમોસૉઇડી. કેટલાક વર્ગીકરણ-વિજ્ઞાનીઓ આ ત્રણેય ઉપકુળને ‘કુળ’ની કક્ષામાં પણ મૂકે છે. ત્રણેય ઉપકુળ પૈકી પેપિલિયોનૉઇડી સૌથી મોટું અને સૌથી ઉદવિકસિત ઉપકુળ છે.

તે 10 જનજાતિઓ(tribes)માં વર્ગીકૃત કરવામાં આવ્યું છે અને લગભગ 375 પ્રજાતિઓનું બનલું છે. તેની મોટાભાગની જાતિઓ ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધના સમશીતોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલી છે. કેટલીક વધારે વિતરણ પામેલી સ્થાનિક પ્રજાતિઓ (તેની કુલ જાતિઓ અને સ્થાનિક જાતિઓ સહિત) આ પ્રમાણે છે : Astragalous (1,500-250), Lupinus (225-120), Trifolium (275-65), Crotolaria (250-15), Hosackia (50-45), Desmodium (175-35), Tephrosia (160-35), Dalea (150-50), Lespedeza (60-25) અને Baptisia (20).

આ કુળની વનસ્પતિઓ શાકીય (Psoralea, Zornia, Smithia), ટટ્ટાર કે અશક્ત (Clitoria, Mucuna, Dolichos) વળવેલ પ્રકારની હોય છે. તે ક્ષુપ જાતિઓ (Cajanus, Crotolaria) ઓછી ધરાવે છે અને વૃક્ષ સ્વરૂપે (Dalbergia, Butea, Pongomia) ભાગ્યે જ જોવા મળે છે. Lathyrus અને Pisum પ્રજાતિઓ સૂત્રારોહી છે. તેના સોટીમય મૂળતંત્ર પર મૂળગંડિકાઓ આવેલી હોય છે; જેમાં રહાઇઝોબિયમ નામનાં નાઇટ્રોજન-સ્થાપક સહજીવી બૅક્ટેરિયા વસવાટ ધરાવે છે. પર્ણો અસમ એકપીંછાકાર (simple imparipinnate) સંયુક્ત, એકાંતરિક અને ઉપપર્ણીય હોય છે અને 3a પર્ણિકાઓ ધરાવે છે. કેટલીક પ્રજાતિઓ(Alysicarpus, Crotolaria)માં સાદાં પર્ણો હોય છે. પુષ્પવિન્યાસ અપરિમિત કલગી (receme) અથવા ક્વચિત્ એકાકી પરિમિત હોય છે. પુષ્પો અનિયમિત, દ્વિપાર્શ્વીય સમમિત (zygomorphic), દ્વિલિંગી, અધોજાયી, નિપત્રી અને સદંડી હોય છે. વજ્ર 5, ધારાસ્પર્શી, યુક્ત અને અધ:સ્થ વજ્રપત્રો ધરાવે છે; જે ક્વચિત્ નલિકાકાર હોય છે. દલપુંજ 5, સદંડી, મુક્ત અને અસમાન દલપત્રોનું બનેલું હોય છે.

પેપિલિયોનેસી (Lathyrus odorrats) (મીઠા વટાણા) : (અ) શાખા, (આ) પુષ્પનો લંબવર્તી છેદ, (ઇ) દલપુંજ, (ઈ) દ્વિગુચ્છી પુંકેસરો અને સ્ત્રીકેસર-ચક્ર, (ઉ) ફળનો લંબવર્તી છેદ (ઊ) પુષ્પારેખ

તે પતંગિયાકાર (papilionaceous) હોય છે. પશ્ચ દલપત્ર સૌથી મોટું અને તેની બંને કિનારીઓ બહાર હોય છે. તેને  ધ્વજક (standard or vexillum) કહે છે. ધ્વજકની અંદરની કિનારીએ પાર્શ્ર્વ બાજુએ આવેલાં બે સમાન દલપત્રોને પક્ષકો (alae or wing) કહે છે. પક્ષકોની બીજી કિનારીએથી ઢંકાયેલાં બે સમાન દલપત્રો તેમની અંદરની કિનારીએથી જોડાઈ નૌકા જેવો આકાર ધારણ કરે છે; તેમને નૌતલ (carina or keel) કહે છે. નૌતલ સામાન્યત: પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્રને આવરે છે. પુંકેસરચક્ર 10 અથવા ક્વચિત્ 9 પુંકેસરોનું બનેલું હોય છે. તે ઘણુંખરું દ્વિગુચ્છી (diadelphous) કે કેટલીક વાર એકગુચ્છી (monoadelphous) હોય છે. Clitoria [(9)+1] અને Smithia [(5)+(5)] જેવી પ્રજાતિઓમાં દ્વિગુચ્છી સ્થિતિ જોવા મળે છે. Crotolaria (10) અને Dalbergia(9)માં એકગુચ્છી પુંકેસરો હોય છે. બહુ થોડીક પ્રજાતિઓ મુક્તપુંકેસરી હોય છે. સ્ત્રીકેસરચક્ર એકસ્ત્રીકેસરી એકકોટરીય ઊર્ધ્વસ્થ બીજાશયનું બનેલું હોય છે. બીજાશયમાં ઘણે ભાગે એકથી વધારે અંડકો ધારાવર્તી (marginal) જરાયુ પર ગોઠવાયેલાં હોય છે. પરાગવાહિની લાંબી, ચપટી, રોમિલ અને નીચેના ભાગેથી વળેલી હોય છે. પરાગાસન સાદું હોય છે. ફળ શિંબ (legume) પ્રકારનું અને બીજ અભ્રૂણપોષી (nonendospermic) હોય છે.

તેની વિવિધ જાતિઓ દ્વારા ખોરાક, ચારો (fodder), રંગો, ગુંદર, રાળ, તેલ, ઇમારતી કાષ્ઠ અને ઔષધ પ્રાપ્ત થાય છે. 140 જેટલી પ્રજાતિઓમાંની કેટલીક જાતિઓ શોભન-વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે. Pisum sativum Linn. (વટાણા), Lathyrus odoratus Linn. (મીઠા વટાણા), Cajanus cajan (Linn.) Millsp. (તુવેર), Dolichos lablab Linn. (વાલ), Vigna radiata (Linn.) Wilezek. (મગ), V. aconitifolia (Jacq.) marechal (મઠ), V. mungo (Linn.) Hepper (અડદ), V. catajang walp. (ચોળા), Lens esculenta Monch. (મસૂર), કઠોળ ઉત્પન્ન કરતી જાતિઓ અને Arachis hypogea Linn. (મગફળી) અને Glycine max Merril. (સોયાબીન) તેલ આપતી વનસ્પતિ જાતિઓ છે. Trifolium, Medicago, Glycine, Lupinus, Vicia, Mellilotus વગેરે ઘાસચારો આપતી પ્રજાતિઓ છે. Wisteria, Lupinus, Lathyrus, Clitoria જાણીતી શોભન-પ્રજાતિઓ છે. Glycerrhiza glabra Linn. (જેઠીમધ), Mucuna pruriens Baker. (કૌંવચ – ડંખી – રોમ ધરાવતી જાતિ), Clitoria ternatea Linn. (ગળણી બીબરી, ગોકર્ણ) ઔષધીય વનસ્પતિઓ છે. Dalbergia latifolia Roxb. ઇમારતી કાષ્ઠ આપે છે. Indigofera tinctoria Linn. ગળી ઉત્પન્ન કરે છે.

બળદેવભાઈ પટેલ