પેનલ્ટી–કિક : પેનલ્ટી-કિક એ ફૂટબૉલની રમતમાં પેનલ્ટી-પ્રદેશમાં, બચાવપક્ષના ખેલાડીઓ દ્વારા, પંચ-અધિકારીના(referee)ના મંતવ્ય મુજબ, ઇરાદાપૂર્વક નવ ભૂલોમાંથી કોઈ પણ એક ભૂલ કરે તો પંચ-અધિકારી દ્વારા શિક્ષા તરીકે આક્રમણ-પક્ષને મળતા લાભરૂપ કિક. નવ ભૂલો આ મુજબ છે : (1) આક્રમણ કરનાર ખેલાડીને લાત મારવી, (2) આંટી મારીને ગબડાવવો, (3) ઉપર કૂદકો મારવો, (4) જોખમી હુમલો કરવો, (5) એના ઉપર પાછળથી આક્રમણ કરવું, (6) હાથ વડે પકડી રાખવો, (7) એના ઉપર જોખમી અથડામણ કરવી, (8) હાથ વડે જોરદાર ધક્કો મારવો અને (9) દડાને હાથ વડે પકડવો અથવા ફટકારવો.
પેનલ્ટી-કિક લેતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે :
(1) પેનલ્ટી-કિક પેનલ્ટી સ્પૉટ ઉપરથી લેવામાં આવે છે. ગોલ-રેખાના મધ્યબિંદુએથી કાટખૂણે મેદાનની અંદર 11 મી. દૂર પેનલ્ટી-સ્પૉટ બનાવવામાં આવે છે. (2) પેનલ્ટી-સ્પૉટ ઉપર દડો રાખીને પેનલ્ટી-કિક લેવામાં આવે છે. (3) પેનલ્ટી-ચાપ સહિતના પેનલ્ટી-પ્રદેશમાં ગોલકીપર અને પેનલ્ટી-કિક લેનાર સિવાયના અન્ય કોઈ ખેલાડીને રહેવા દેવામાં આવતા નથી. (4) જ્યાં સુધી કિક ન લગાવે ત્યાં સુધી ગોલકીપર બંને થાંભલાની વચ્ચે ગોલરેખા ઉપર બંને પગ સ્થિર રાખીને ઊભો રહે છે. (5) કિક મારનારે કિક ગોલ તરફ જ સામેની દિશામાં મારવાની રહે છે. (6) કિક મારનાર દડાને કિક મારે ત્યારપછી દડો તેના ઘેરાવા જેટલો ખસે ત્યાર પછી જ તે રમત ગણાય અને અન્ય કોઈ ખેલાડી તે રમી શકે છે. (7) કિક મારનાર દડાને કિક મારે ત્યારબાદ અન્ય ખેલાડી દડાને રમે ત્યારપછી જ પેનલ્ટી-કિક મારનાર દડાને રમી શકે છે. (8) કિક લગાવ્યા પછી દડો ગોલકીપર અથવા ગોલસ્તંભને અડકીને ગોલસ્તંભની નીચેથી ગોલ-લાઇન પસાર કરી જાય તો તે ગોલ ગણવામાં આવે છે. (9) પેનલ્ટી-કિકથી સીધો ગોલ કરી શકાય છે. (10) પેનલ્ટી-કિક દરમિયાન અર્ધસમય અથવા પૂર્ણસમય પૂરો થતો હશે તો મૅચ-સમાપ્તિની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ પેનલ્ટી-કિક કૅન્સલ થતી નથી; પરંતુ વધારાનો સમય આપીને પૂર્ણ કરવામાં આવે છે. ગોલ થતાં ગોલ ગણતરીમાં લેવામાં આવે છે. (11) વધારાના સમય દરમિયાન પેનલ્ટી-કિક દરમિયાન ગોલકીપર દડાને અટકાવે અથવા દડો ગોલસ્તંભને અથડાઈને મેદાનમાં પાછો આવે ત્યારે પંચઅધિકારી વ્હિસલ વગાડીને રમત પૂરી થયાની સંજ્ઞા આપે છે.
પેનલ્ટી-કિક દરમિયાન થતી ભૂલો માટે નીચે મુજબ શિક્ષા કરવામાં આવે છે : (અ) જો બચાવપક્ષના ખેલાડીઓથી નિયમભંગ થાય અને ગોલ ન થયો હોય તો ફરીથી પેનલ્ટી-કિક આપવામાં આવે છે. (બ) પેનલ્ટી-કિક લેનાર સિવાય આક્રમણ-પક્ષના અન્ય ખેલાડીથી નિયમભંગ થયો હોય, તેમજ ગોલ થયો હોય તો ફરીથી પેનલ્ટી-કિક આપવામાં આવે છે. (ક) પેનલ્ટી-કિક લેનાર ખેલાડીથી જ નિયમભંગ થયો હોય તો તે જ સ્થળેથી બચાવપક્ષને ઇનડાઇરેક્ટ ફ્રી-કિક આપવામાં આવે છે.
હર્ષદભાઈ પટેલ