પેનલ્ટીકૉર્નર : હૉકીની રમત દરમિયાન બચાવપક્ષના ખેલાડીઓ નીચે દર્શાવેલી ભૂલો કરે ત્યારે આક્રમણ -પક્ષને આપવામાં આવતો લાભરૂપ પેનલ્ટી-કૉર્નર. બચાવપક્ષના ખેલાડીઓ : (1) ઇરાદાપૂર્વક 22.9 મી. રેખાની અંદર નિયમભંગ કરે, (2) ઇરાદાપૂર્વક દડાને ગોલલાઇનની બહાર ફટકારે, (3) કૉર્નર-હિટ દરમિયાન વારંવાર 4.6 મી.ની અંદર આવી જાય અને (4) સ્ટ્રાઇકિંગ સર્કલની અંદર સામાન્ય નિયમોનો ભંગ કરે.

પેનલ્ટી-કૉર્નર દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો : (1) પેનલ્ટી-કૉર્નર લેનાર ખેલાડી, જે તે ગોલસ્તંભથી 9 મી. કરતાં વધારે દૂરથી દડાને હિટ, પુશ, સ્કૂપ અથવા ક્લિક દ્વારા મેદાનમાં મોકલે. (2) પેનલ્ટી-કૉર્નરમાં બંને પક્ષના પાંચ પાંચ ખેલાડીઓ ભાગ લઈ શકે; પરંતુ પેનલ્ટી-કૉર્નર દરમિયાન દડાથી 4.6 મી.ની અંદર ઊભા રહી શકે નહિ. બાકીના બંને પક્ષના તમામ ખેલાડીઓ 22.9 મી.ની રેખાની બહાર ઊભા રહે. (3) દડાને મેદાનમાં મોકલ્યા પછી જ 22.9 મી.ની રેખાની અંદર બધા જ ખેલાડીઓ આવી શકે. (4) દડાને મેદાનમાં મોકલ્યા પછી જ બચાવપક્ષના ખેલાડીઓ સ્ટ્રાઇકિંગ સર્કલમાં આવી શકે. (5) ફટકારાયેલ દડાને આક્રમણ-ટુકડીના ખેલાડીઓ સ્ટ્રાઇકિંગ સર્કલની બહારથી હાથ વડે રોકી શકે, પરંતુ ગોલ કરવા સ્ટ્રાઇકિંગ સર્કલની અંદરથી દડાને ફટકારવાનો રહે. (6) ફટકારાયેલ દડાને મેદાનની અંદર રોક્યા વગર ગોલ તરફ સીધો ફટકારીને ગોલ કરી શકાય નહિ. (7) દડાને હવામાં રોકી શકાય નહિ. (8) ફટકારાયેલ દડાને અન્ય ખેલાડી રમે નહિ ત્યાં સુધી પેનલ્ટી-કૉર્નર લેનાર ખેલાડી દડાને રમી શકે નહિ. (9) પેનલ્ટી-કૉર્નરથી સીધો ગોલ કરી શકાય નહિ.

શિક્ષાઓ : (1) બચાવપક્ષના ખેલાડીઓ દડાને ફટકારતાં પહેલાં સ્ટ્રાઇકિંગ સર્કલની અંદર અથવા 22.9 મી.ની રેખાની અંદર આવી જાય તો ફરીથી પેનલ્ટી-કૉર્નર આપવામાં આવે છે. (2) આક્રમણ-પક્ષના ખેલાડીઓ દડાને ફટકારતાં પહેલાં ઇરાદાપૂર્વક 22.9 મી.ની રેખાની અંદર આવે તો બચાવપક્ષને ફ્રી-હિટ આપવામાં આવે છે. (3) બચાવ પક્ષના ખેલાડીઓ ઇરાદાપૂર્વક સ્ટ્રાઇકિંગ સર્કલ અથવા 22.9 મી.ની રેખાની અંદર આવતા હોય તો પંચ-અધિકારી આક્રમણ-પક્ષને પેનલ્ટી-સ્ટ્રોક આપી શકે છે. (4) અન્ય પ્રકારની ભૂલો આક્રમણ-પક્ષ તરફથી થાય તો બચાવપક્ષને ફ્રી-હિટ આપવામાં આવે છે.

હર્ષદભાઈ પટેલ