પેદાશ (product) : કોઈ પણ જરૂરિયાત (want) સંતોષવાની ક્ષમતા કે શક્તિ ધરાવતા મૂર્ત ભૌતિક પદાર્થો કે અમૂર્ત સેવાઓ. પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા તથા સુવિધાપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી પદાર્થો અને સેવાઓનું ઉત્પાદન પેદાશ કહેવાય છે. પ્રત્યેક પેદાશ વપરાશમૂલ્ય અને વિનિમય-પાત્રતા ધરાવે છે તેમજ તેના તરફ ગ્રાહકનું ધ્યાન દોરી શકાય છે. પેદાશની વિભાવના ત્રણ સ્તરો દ્વારા સમજી શકાય છે :

પેદાશ દ્વારા ખરીદનારને મળતો લાભ પેદાશનું પ્રથમ સ્તર છે. આ સ્તરમાં ખામી હોય તો પેદાશનો હેતુ નિષ્ફળ જવાના સંજોગો ઊભા થાય છે. આ સ્તરે ખરીદનાર મૂળભૂત રીતે શું ખરીદે છે તે બાબતને ધ્યાનમાં લેવાય છે. દા. ત., સ્ત્રીઓ સુંદર દેખાવા માટે પાઉડર, લિપસ્ટિક કે સાબુ ખરીદે છે. પેદાશ આવો તુષ્ટિગુણ આપે તો જ તે પેદાશ ખરીદાય છે. ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ઉત્પાદક ખરેખર તો પેદાશનું નહિ, પરંતુ તેના તુષ્ટિગુણનું વેચાણ કરે છે. પેદાશનું ભૌતિક સ્વરૂપ તેનું બીજું સ્તર છે. ગ્રાહક પેદાશ ખરીદે ત્યારે તેના લાભની સાથે જ તેની ગુણવત્તા, ટકાઉપણું, પૅકિંગ, બ્રાન્ડ વગેરેનો વિચાર કરે છે. ટૂંકમાં, બાહ્ય દેખાવ અને ગુણવત્તા આ સ્તરે મહત્વનાં છે. પેદાશના વેચાણ વખતે અને ત્યારબાદની સેવાઓનો પેદાશના ત્રીજા સ્તરમાં સમાવેશ થાય છે. જો પેદાશનાં આ ત્રણેય સ્તરો આયોજનપૂર્વક ગોઠવાયાં હોય તો જ પેદાશો બજારમાં ટકી શકે છે.

બજારમાં અસંખ્ય પેદાશો જોવા મળે છે. કયા હેતુ માટે પેદાશ થયેલી છે તેના આધારે પેદાશને વપરાશી પેદાશો અને ઔદ્યોગિક પેદાશો – એમ બે વિભાગોમાં વહેંચવામાં આવે છે. વપરાશી પેદાશોનું ઉત્પાદન ગ્રાહકોના અંતિમ ઉપયોગ માટે કરવામાં આવેલું હોય છે. જ્યારે ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન બીજા ઔદ્યોગિક એકમોના ઉપયોગ માટે કરવામાં આવે છે, જેમાંથી બીજી વસ્તુઓનું ઉત્પાદન થાય છે.

ઉત્પાદન-પ્રક્રિયા દરમિયાન જે વસ્તુઓ ઉત્પાદિત થાય છે તેના આડપેદાશ અને સંયુક્ત પેદાશ – એમ બે વિભાગ પાડી શકાય છે.

આડપેદાશ : જો અમુક પ્રક્રિયામાંથી મુખ્ય વસ્તુ ઉપરાંત ઓછા પ્રમાણમાં બીજી વસ્તુ આપોઆપ મળી શકતી હોય તો તેને આડપેદાશ કહેવામાં આવે છે. આ પેદાશ મેળવવા માટે વધારાનો કાચો માલ ઉમેરવો પડતો નથી; પરંતુ મુખ્ય પેદાશની સાથે જ તેનું ઉત્પાદન થાય છે. આડપેદાશ માટે ઉત્પાદકે કોઈ પણ નિર્ણય લેવાની જરૂર રહેતી નથી. આ પેદાશ મુખ્ય પેદાશના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ચાલુ જ રહે છે. દા. ત., રૂના ઉત્પાદન દરમિયાન કપાસિયાનું ઉત્પાદન, લાકડાં કાપવાના ધંધામાં લાકડાનો વેર તથા તેના નાના ટુકડા અને ખાંડ બનાવવાની પ્રક્રિયા દરમિયાન મોલાસિસનું ઉત્પાદન આડપેદાશો કહેવાય છે. જોકે મુખ્ય વસ્તુની કિંમતના પ્રમાણમાં આડપેદાશની કિંમત ખૂબ ઓછી હોય છે; કારણ કે આ પેદાશના ઉત્પાદનમાં ઉત્પાદકે કોઈ વધારાનો ખર્ચ કરવો પડતો નથી. સામાન્ય રીતે આડપેદાશનું અલગ મૂલ્ય નક્કી કરવું મુશ્કેલ હોય છે. આડપેદાશની કિંમત નક્કી કરવા માટે તેના જેવી જ કે તેની અવેજીમાં વપરાતી વસ્તુની કિંમત શોધવામાં આવે છે અને તે કિંમતે તેને વેચવામાં આવે છે. આડપેદાશ ખૂબ ઓછી કિંમતની હોય ત્યારે મુખ્ય પેદાશ અને આડપેદાશનો અલગ અલગ ઉત્પાદનખર્ચ નક્કી કરવો એ સલાહભર્યું નથી. એટલે આડપેદાશને વધારાના નફા તરીકે ગણવી જોઈએ. જે ધંધામાં આડપેદાશ એવી વસ્તુ હોય કે જે મુખ્ય પેદાશની બરોબરી કરતી હોય તો તે ધંધામાં વધુ ચોકસાઈભરી પદ્ધતિની જરૂરિયાત છે તેમ કહી શકાય; કારણ કે આ પરિસ્થિતિ મુખ્ય પેદાશની પડતરમાં વધારો કરનાર સાબિત થાય છે.

સંયુક્ત પેદાશ : જો એક જ પ્રક્રિયામાંથી એકીસાથે બે કે તેથી વધુ વસ્તુઓની પેદાશ થતી હોય અને બંને વસ્તુઓ સરખી મહત્વની હોય તો તેમને સંયુક્ત પેદાશ કહેવાય છે; દા. ત., તેલ-શુદ્ધીકરણઉદ્યોગમાં પેટ્રોલ, ડીઝલ, લૂબ્રિકન્ટ, પૅરેફિન વગેરે અને ડેરીઉદ્યોગમાં દૂધ, પાઉડર, માખણ, ચીઝ વગેરે સંયુક્ત પેદાશ કહેવાય છે. આવી સંયુક્ત પેદાશના ઉત્પાદન માટે ઉત્પાદકે વધારાનો કાચો માલ ઉમેરવો પડે છે. આવી સંયુક્ત પેદાશમાં અમુક હદ સુધી ખર્ચ ભેગા હોય છે; પછીની પ્રક્રિયાઓના ખર્ચ જુદા ગણાય છે. સંયુક્ત ખર્ચને અલગ પાડવા માટે કેટલીક રીતો છે; દા.ત., કેટલીક વાર બંને વસ્તુઓની વેચાણકિંમત ધ્યાનમાં લઈને તેના પ્રમાણમાં સંયુક્ત ખર્ચ વહેંચવામાં આવે છે. કેટલીક વાર તેની વેચાણકિંમત, માંગ વગેરેને ધ્યાનમાં લઈને, ટૅકનિકલ અંદાજ મુજબ સંયુક્ત અંદાજ મૂકવામાં આવે છે. સંયુક્ત પેદાશ જ્યાં છૂટી પડે ત્યાં તેની અલગ અલગ પડતર ગણવી આવશ્યક છે; કારણ કે દરેક પેદાશમાંથી કેટલો નફો કે ખોટ થાય છે તે આ પ્રકારની ગણતરીથી શોધી શકાય છે.

રાજેશકુમાર મનુભાઈ જોશી