પેટલાદ : ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાનો તાલુકો અને શહેર.

આ તાલુકો 22 21´ થી 22 40´ ઉ. અ. અને 72 40´ થી 72 56´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તે સમુદ્રસપાટીથી આશરે 32 મીટર ઊંચાઈ ધરાવે છે. આ તાલુકાનું ક્ષેત્રફળ 305 ચો.કિમી. છે. આ તાલુકાની ઉત્તરે માતર અને નડિયાદ તાલુકાઓ, દક્ષિણે ખંભાત અને બોરસદ તાલુકાઓ, પૂર્વમાં આણંદ અને બોરસદ તાલુકાઓ અને પશ્ચિમે તારાપુર અને માતર તાલુકા આવેલા છે. તાલુકાનું નામ તાલુકામથક પરથી પડેલું છે.

આ તાલુકાનું ભૂપૃષ્ઠ સપાટ છે. જમીન ગોરાડુ અને ફળદ્રૂપ છે. આ તાલુકામાં એક પણ નદી આવેલી નથી. અહીં ઉનાળા પ્રમાણમાં ગરમ અને શિયાળા પ્રમાણમાં ઓછા ઠંડા રહે છે. ઉનાળામાં મે માસનું મહત્તમ અને લઘુતમ તાપમાન 46 સે. અને 26 સે. તથા શિયાળામાં જાન્યુઆરી માસનું મહત્તમ અને લઘુતમ તાપમાન 32 સે. અને 15 સે. જેટલું રહે છે. વર્ષાઋતુ આશરે 15 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીની ગણાય છે. આ સમયગાળામાં સરેરાશ વરસાદ 700થી 750 મિમી. જેટલો પડે છે. 1989 અને 1990માં અનુક્રમે 902 અને 1530 મિમી. વરસાદ પડ્યો હતો.

અહીંની ફળદ્રૂપ જમીનમાં ઘઉં, ડાંગર, બાજરી, કઠોળ જેવા ખાદ્ય પાકો, જ્યારે રોકડિયા પાકોમાં તમાકુ, કપાસ, તેલીબિયાં, શેરડી જેવા પાકોની ખેતી થાય છે. શાકભાજી અને ઘાસ પણ ખેડૂતોને આર્થિક રીતે લાભદાયી બને છે. આ ખેતી માટે પાણીપુરવઠો વરસાદ તેમજ નહેરો, પાતાળકૂવા અને કૂવા દ્વારા પ્રાપ્ત થાય છે. આ તાલુકામાં જંગલો નથી; પરંતુ આંબા, આંબલી, રાયણ, મહુડા જેવાં વૃક્ષો જોવા મળે છે. પપૈયાં, કેળાં, કેરી, ચીકુ, મરચાં જેવા પાકોની ‘બાગાયતી ખેતી’ વિકસી છે.

ખેતીની સાથે પશુપાલન ઉદ્યોગ વિકસ્યો છે. અહીં કાંકરેજી ગાય, બળદ, સૂરતી ભેંસ, બકરાં તથા મરઘાં-બતકાંનો ઉછેર કરવામાં આવે છે. પૉલ્ટ્રીફાર્મ, ડેરીઉદ્યોગનો પણ વિકાસ થયો છે. તાલુકાના શહેર અને નગરમાં યંત્રો બનાવવાના ઉદ્યોગ વિકસ્યા છે. પેટલાદની ઔદ્યોગિક વસાહતમાં કેટલાંક કારખાનાં કાર્યરત છે. જેમાં પાવરલૂમ, શુગર ફૅક્ટરી તેમજ હૅન્ડલૂમ અને ગૃહઉદ્યોગો પણ વિકસેલા છે. રાષ્ટ્રીય બૅન્કો  અને સહકારી બૅન્કો જે નાણાંની લેવડદેવડમાં ખૂબ ઉપયોગી બને છે.

આ તાલુકામાં આશરે શહેરી વિસ્તાર 9.19 ચો.કિમી. અને 295.88 ચો.કિમી. ગ્રામ્યવિસ્તાર છે. શહેરી વસ્તી અને ગ્રામ્યવસ્તી અનુક્રમે 55,330 અને 2,87,594 છે. શહેરી આવાસોની સંખ્યા 11,100 અને ગ્રામ્ય આવાસો 48,978 છે. સાક્ષરતાનું પ્રમાણ 76.03% છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. કુલ વસ્તીના 70% લોકો ખેતી સાથે સંકળાયેલા છે.

આ તાલુકો અગાઉ જ્યારે વડોદરા રાજ્યમાં હતો ત્યારે અહીં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હતું. આજે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. આ તાલુકાના દરેક ગામમાં શાળાઓ આવેલી છે. સંસ્કૃત પાઠશાળાઓ તથા તાલુકા-પુસ્તકાલય, અન્ય પુસ્તકાલયો અને પ્રૌઢશિક્ષણ-કેન્દ્રો આવેલાં છે. આ તાલુકામાં 56 ગામો આવેલાં છે. અહીંથી રાજ્ય ધોરી માર્ગ 83, 89, 8 અને 140 પસાર થાય છે. આ સિવાય ગ્રામ્ય માર્ગો પણ આવેલા છે.

પેટલાદ (શહેર) : આ શહેર 22 28´ ઉ. અ. અને 72 48´ પૂ. રે. પર આવેલું છે. તે સમુદ્રસપાટીથી આશરે 32 મીટર ઊંચાઈ ધરાવે છે.  તેનો વિસ્તાર 9.190 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 55,330 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 924 મહિલાઓ છે. આ શહેરમાં વસ્તીને આધારે મ્યુનિસિપાલિટી સ્થાપવામાં આવેલી છે. અહીં મુખ્યત્વે ગુજરાતી ભાષા બોલાય છે. કેટલાક હિન્દી ભાષા પણ બોલે છે. શહેરના વિકાસને લક્ષમાં રાખીને તેને 12 વિભાગોમાં વહેંચવામાં આવેલ છે.

આ શહેર આણંદ શહેરથી 22 કિમી. દૂર છે. આણંદ–ખંભાત બ્રૉડગેજ રેલમાર્ગ પર તથા નડિયાદ–ભાદરણ બ્રૉડગેજ રેલમાર્ગ પર આવેલું છે. અને રેલમાર્ગ પરનું મોટું જંકશન છે. આ શહેર ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનની બસ દ્વારા અમદાવાદ, વડોદરા, ખંભાત, નડિયાદ, આણંદ, સોજિત્રા વગેરે સાથે સંકળાયેલું છે. આ શહેર તાલુકામથક હોવાથી આજુબાજુનાં ગામોના લોકો માટેનું ખરીદ-વેચાણનું કેન્દ્ર બન્યું છે. અહીંના માર્કેટયાર્ડમાં અનાજ, કઠોળ, તેલીબિયાં, કપાસ તેમજ પપૈયાં, કેળાં, કેરી જેવાં ફળો અને શાકભાજી વેચાવા માટે આવે છે. વેપારની અનુકૂળતા માટે અહીં જુદી જુદી રાષ્ટ્રીયકૃત બૅન્કની, ખાનગી બૅન્કની શાખાઓ આવેલી છે. ખેડા જિલ્લા સહકારી બૅન્ક તથા પેટલાદ નાગરિક સહકારી બૅન્કની સગવડ છે.

અહીં કાપડની મિલો, ડાંગર ભરડવાની મિલો, ખેતીનાં યંત્રોના પુરજા બનાવવાના, ઇજનેરી, ટાઇલ્સ, રસાયણો બનાવવાના, પાવરલૂમવાળા એકમો આવેલા છે. પેટલાદ તેની આજુબાજુના વિસ્તાર માટેનું શૈક્ષણિક કેન્દ્ર પણ છે. બાળમંદિરો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ આવેલી છે. જાણીતી શૈક્ષણિક સંસ્થાઓમાં – આર. કે. પરીખ આર્ટ્સ ઍન્ડ સાયન્સ કૉલેજ, ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ, એન. કે. હાઈસ્કૂલ, ધી વેસ્ટર્ન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, આર. કે. હાઈસ્કૂલ, સૂર્ય ઇન્ટરનેશનલ સ્કૂલ, સેંટ મેરીસ હાઈસ્કૂલ, કૉન્વેન્ટ ઑફ જિસસ ઍન્ડ મેરી સ્કૂલ મુખ્ય છે.

આ સિવાય સંસ્કૃત પાઠશાળાઓ, અધ્યાપન મંદિર પણ આવેલાં છે. રિયા કમ્પ્યૂટર સેન્ટર, આઈ.ટી.આઈ. પેટલાદ, ધર્મજ કૉલેજ ઑફ એજ્યુકેશન, શ્રીમતી એસ. આઈ. ઇપ્કોવાળા ઑફ કૉમર્સ કૉલેજનું નવું નિર્માણ થયું છે. વિદ્યાર્થીઓના લાભાર્થે મોતીભાઈ અમીને શરૂ કરેલું પાટીદાર વિદ્યાર્થીગૃહ તથા અન્ય જ્ઞાતિઓનાં છાત્રાલયો પણ આવેલાં છે.

આ શહેરમાં જોવાલાયક સ્થળોમાં ઈ. સ. 1609નો શિલાલેખ ધરાવતી શિકોતરી માતાની વાવ, પાંડવ તળાવ, સોમનાથ, રામનાથ અને વૈજનાથ મહાદેવનાં મંદિરો, રણછોડજી અને લક્ષ્મીનારાયણનાં મંદિરો, કાલિકા અને ચામુંડા માતાનાં મંદિરો, રોકડિયા હનુમાનનું મંદિર, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, દત્ત મંદિર તેમજ અરજણશા અને ગેબનશા પીરની દરગાહ તથા કુંડ જોવાલાયક છે.

અગાઉના વખતમાં આ નગર સમગ્ર ચરોતર પંથક માટેનું 104 ગામોનું કેન્દ્રીય મથક હતું. ‘પુરાતન પ્રબંધસંગ્રહ અને પ્રબંધકોશ’માં પેટલાદનો ‘પેટલાઉદ્ર’ તરીકે ઉલ્લેખ મળે છે. તેરમી સદીના વિનયચંદ્રના ‘કાવ્ય શિક્ષા’ ગ્રંથમાં ‘પેટલાપદ્ર’  અને ‘પેટલાઉદ્ર’ બે નામો મળે છે. અનુશ્રુતિ પ્રમાણે સોલંકી વંશના ગોધરા શાખાના સ્થાપકની ચૌદમી પેઢીના વંશજોએ ઈ. સ. 456માં આ સ્થળે ગાદી સ્થાપી હતી. તે પંપાવતી તરીકે જાણીતું હતું. વીસલદેવ વાઘેલા પાસે તેના ભાઈ વીરમે પાંચ ગામો માગેલાં તેમાં પેટલાદનો સમાવેશ થતો હતો.

શિવપ્રસાદ રાજગોર

નીતિન કોઠારી