પૅટર્ન પોએટ્રી : શબ્દોનું ભાવતત્ત્વ વ્યક્ત થાય એ રીતે ભૌતિક પદાર્થોના નિશ્ચિત આકાર અનુસાર ગોઠવાયેલી કાવ્યપંક્તિઓ. તે ‘શેપ્ડ’, ‘ક્યૂબિસ્ટ’ અને ‘કાક્રીટ’ કવિતા તરીકે પણ ઓળખાય છે. તેમાં ભૌમિતિક આકારો વિશેષ હોય છે; એ ઉપરાંત પાંખો, ઈંડાં અને ભાલો જેવા આકારો પણ પ્રયોજાય છે. તેનો ઉદ્ગમ પ્રાચીન મનાય છે.

પૅટર્ન કવિતા સૌપ્રથમ ગ્રીક ગોપકવિઓ અને ખાસ કરીને સિમિયાઝ રૉડ્ઝ(ઈ. સ. પૂ. ચોથી સદી)ની રચનાઓમાં જોવા મળે છે. ગ્રીસની ‘ઍન્થૉલૉજી (આ. 980)માં પણ કાવ્યરીતિની રચનાઓ મળી આવે છે. એ સંગ્રહમાં કુહાડી, ઈંડું જેવા આકારોમાં પ્રયોજાયેલાં કાવ્યો જોવા મળે છે. ત્યારપછીનું નોંધપાત્ર ઉદાહરણ તે સોળમી સદીમાં પ્રગટ થયેલ પાંખ-આકારનાં કાવ્યોનો સંચય ‘ઈસ્ટર્ન વિંગ્ઝ’.

ઇંગ્લૅન્ડમાં આ પૅટર્ન કવિતાનાં કાવ્યો સોળમી સદીના સાહિત્યમાં પ્રગટ થયેલાં જોવા મળે છે; તેમાં પુટેનહૅમનું ‘ધી આર્ટ ઑવ્ ઇંગ્લિશ પોએઝી’ (1589) ઉલ્લેખનીય છે. મેટાફિઝિકલ કાવ્યરીતિના આંગ્લ કવિ જ્યૉર્જ હર્બર્ટનાં વેદી-આકારનાં કાવ્યોનો સંગ્રહ ‘ધી ઑલ્ટર’ આ શૈલીનું લાક્ષણિક ઉદાહરણ છે.

ઓગણીસમી સદીમાં ફ્રેન્ચ પ્રતીકવાદી કવિ સ્ટીફન મૅલાર્મેએ ‘એ થ્રો ઑવ્ ડાઇસ’(1897)માં જુદા જુદા કદના ટાઇપ-અક્ષરો પ્રયોજવાની રીતિ અપનાવી. વીસમી સદીના આ પૅટર્ન કવિતાના પ્રતિનિધિરૂપ ફ્રેન્ચ કવિ તે ગીઑમ ઍપૉલિનેર. તેમના કાવ્યસંગ્રહ ‘કૅલિગ્રામ્સ’(1918)માં, એક જ પદાર્થનાં સઘળાં પરિમાણ એકસાથે જ આલેખવાની ક્યૂબિસ્ટ ચિત્રશૈલીની પ્રેરણા ઝિલાઈ છે. તેમાં વરસાદ-વિષયક કાવ્યોમાં દૃશ્યાનુભૂતિની સાથોસાથ કાવ્યાનુભૂતિ સચોટ રીતે થાય એ રીતે કાવ્યપંક્તિના શબ્દો ત્રાંસી હારમાં પડતા હોય એ રીતે ગોઠવાયેલા છે. અમેરિકી કવિ ઈ. ઈ. કમિંગ્ઝ (1894-1962) તેમનાં ટાઇપ-આયોજનનાં તરંગીપણા અને ધૂન માટે જાણીતા છે. (તેમનું નામ પણ તે e e cummings એમ જ લખતા). તે આ દૃશ્યાત્મક નવીનતાને પોતાનાં કાવ્યોના અર્થસભર ભાવવહન માટે પ્રયોજવામાં કદાચ સૌથી  વિશેષ સફળ નીવડ્યા છે. કેટલાક કૉંક્રીટ કવિઓએ લોખંડ તથા બીજી ટકાઉ સામગ્રીમાંથી સ્પર્શગમ્ય કાવ્યો પણ બનાવ્યાં છે ! ડિલન ટૉમસ પણ આ કાવ્યરીતિના અગ્રણી પ્રયોગશીલ કવિ લેખાય છે. 12 રચનાઓની તેમની કાવ્યશ્રેણી ‘વિઝન ઍન્ડ પ્રેયર’માંથી નીચેનો કાવ્યનમૂનો પ્રસ્તુત છે.

સંસ્કૃત તેમજ ગુજરાતીમાં લખાતી ચિત્રપ્રબંધોવાળી કાવ્યરચનાઓ આ સંદર્ભમાં સ્મરણીય છે. ગુજરાતીમાં ચિત્રપ્રબંધોનાં અનેક ઉદાહરણો દલપતરામની કવિતામાં મળે છે. છેક આધુનિક યુગની કવિતામાં પણ અત્રતત્ર તેનાં ઉદાહરણો મળી શકે છે. એક પિરામિડ-કાવ્યોનો પ્રકાર પણ અજમાવાયેલો. વળી હસમુખ પાઠક, લાભશંકર ઠાકર, આદિલ મન્સૂરી જેવામાંયે ક્યાંક ક્યાંક આ પ્રકારની કવિતાનાં તત્ત્વો આંશિક રીતે જોવા મળે છે.

મહેશ ચોકસી