પેટન્ટ : પોતાની મૌલિક ઔદ્યોગિક શોધ જાહેર કરવાના બદલામાં સંશોધકને કાયદા અન્વયે તે શોધનો ઉપયોગ કરવા માટે અપાતો સંપૂર્ણ ઇજારો. ઔદ્યોગિક ઉપયોગમાં આવે એવી નવી શોધની બાબતમાં જ આવો હક્ક આપવામાં આવે છે. પેટન્ટ આપવાનો ઉદ્દેશ નવી ઔદ્યોગિક તકનીકને ઉત્તેજન આપવાનો અને ઔદ્યોગિક વિકાસ સાધવાનો છે. તે આપવાથી કેટલાક લાભ થાય છે : (1) સંશોધન માટે પ્રેરણા મળે છે; (2) શોધ કરનાર પોતાની શોધને ગુપ્ત રાખવાને બદલે જાહેર કરવાનું સાહસ કરે છે; (3) મૌલિક શોધ કરવા પાછળના ખર્ચનો સંશોધકને બદલો મળી રહે છે; (4) શોધનો ઉપયોગ કરવાનો ઇજારો એક જ વ્યક્તિને મળ્યો હોવાથી એ નવા ઉદ્યોગમાં મૂડી રોકવા પ્રેરાય છે. આમ પેટન્ટ રાષ્ટ્રના અર્થતંત્રના હિત માટે હોય છે.
પેટન્ટ ઉત્પાદન માટેની કોઈ નવી કળા, પદ્ધતિ કે પ્રક્રિયાની શોધ બદલ, કોઈ નવા યંત્ર, ઉપકરણ કે પદાર્થની શોધ બદલ અથવા ઉત્પાદન-પ્રક્રિયાથી ઉપજાવેલ કોઈ નવા અને ઉપયોગી પદાર્થ બદલ, આપવામાં આવે છે.
કેટલીક શોધો માટે પેટન્ટ અપાતા નથી : (1) શોધ તુચ્છ હોય ; (2) શોધ કાયદા-વિરોધી હોય; (3) શોધનો ઉપયોગ કાયદાની કે નીતિનિયમોની વિરુદ્ધ અથવા જાહેર આરોગ્યને હાનિકારક રીતે થવાની સંભાવના હોય; (4) કોઈ વૈજ્ઞાનિક સિદ્ધાંતની શોધ; (5) કોઈ જ્ઞાત પદાર્થના નવા ગુણધર્મ કે ઉપયોગની શોધ; (6) માત્ર તત્ત્વોનું મિશ્રણ કરીને ઉપજાવેલ વસ્તુ; (7) કોઈ યાંત્રિક ઉપકરણની ફેરરચના; (8) ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન કસોટી કરવાની પદ્ધતિ; (9) ખેતી કે બાગાયતની કોઈ પદ્ધતિ; (10) માનવીની તબીબી, શસ્ત્રક્રિયા કે બીજી સારવાર માટેની પ્રક્રિયા; (11) પ્રાણીઓ અને વનસ્પતિને રોગમુક્ત કરવા કે તેમનું આર્થિક મૂલ્ય વધારવા માટેની પ્રક્રિયા; (12) અણુશક્તિ સંબંધમાં કરવામાં આવેલી શોધ.
પેટન્ટ મેળવવા માટે મૂળ શોધ કરનાર કે એની પાસેથી કાયદેસરનો હક્ક મેળવનાર કે તેનો વારસ અરજી કરી શકે. પેટન્ટ અને પરવાના આપનાર મુખ્ય અધિકારી મહાનિયંત્રક કહેવાય છે, અને તેની મદદમાં પરીક્ષકો અને અન્ય અધિકારીઓ નીમવામાં આવે છે. પરીક્ષક પેટન્ટ માટેની અરજી નિયમાનુસાર છે કે નહિ અને પેટન્ટ આપવા સામે કોઈ વાંધો ઉઠાવી શકાય એમ છે કે નહિ વગેરે બાબતોની તપાસ કરીને પોતાનો હેવાલ આપે છે, જે જોઈને નિયંત્રક અરજદારને જરૂરી સૂચના આપે છે. જો અરજદારની માગણી સ્વીકારપાત્ર જણાય તો તેની સંપૂર્ણ વિગતો રાજપત્ર(gazette)માં પ્રસિદ્ધ કરવામાં આવે છે. તે પછી ચાર માસની અંદર પેટન્ટ આપવા સામે આવેલા વાંધા ધ્યાનમાં લઈ અને સંબંધકર્તા પક્ષકારોને સાંભળીને પેટન્ટ આપવી કે નહિ તેનો નિર્ણય નિયંત્રક કરે છે. જો અરજદારનો દાવો સાચો જણાય તો શોધક તરીકે તેનું નામ પેટન્ટ-પત્રકમાં જાહેર કરવામાં આવે છે; પણ જો નવી શોધને દેશના સંરક્ષણ સાથે નિસબત હોય તો નિયંત્રક તેની માહિતી પ્રસિદ્ધ કરવા સામે મનાઈહુકમ ફરમાવી શકે છે. પેટન્ટ મળ્યા પછી અરજદારને તેની શોધેલી વસ્તુ કે પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો કે વેચવાનો ઇજારો મળે છે અને તેનો ઉપયોગ તેના એજન્ટ કે પરવાનો ધરાવનાર પણ કરી શકે છે.
અન્ન કે ઔષધ તરીકે વાપરવા માટેના પદાર્થના ઉત્પાદન અંગેની પ્રક્રિયા કે પદ્ધતિ માટેની પેટન્ટ સાત વર્ષ માટે અને અન્ય શોધ માટેની પેટન્ટ ચૌદ વર્ષ માટે અમલમાં રહે છે. તે પછી પેટન્ટ ચાલુ રાખવાની ફી સમયસર ન ભરવામાં આવે તો પેટન્ટ આપોઆપ રદબાતલ થાય છે. તે પછી તેને પુન:સ્થાપિત કરવાની અરજી એક વર્ષમાં થઈ શકે છે. આવી અરજીનો વિરોધ થાય તો વિરોધ કરનારને સાંભળીને તેમજ અરજીની હકીકતની વિચારણા કરી નિયંત્રક જરૂરી ફી લઈને પેટન્ટને પુન:સ્થાપિત કરી શકે છે. કોઈ પણ પેટન્ટ ધરાવનાર વ્યક્તિ સ્વેચ્છાએ પેટન્ટ પરત કરી શકે છે અને એવી અરજી મળ્યા બાદ નિયંત્રક એ બાબતની જાહેરાત પ્રસિદ્ધ કરી વાંધો નોંધાવનાર પક્ષકારને સાંભળ્યા પછી જરૂરી નિર્ણય લઈ શકે છે.
પેટન્ટનો ભંગ કરવામાં આવે તો જિલ્લાની અદાલતમાં મનાઈહુકમ માટેનો અને નુકસાનવળતર માટેનો દાવો થઈ શકે, તથા પેટન્ટનો ભંગ થતો નથી એવી જાહેરાત મેળવવા પણ અદાલતમાં દાવો થઈ શકે છે.
ચિનુપ્રસાદ વૈ. જાની