પેટર, વૉલ્ટર (. 4 ઑગસ્ટ 1839, લંડન; . 30 જુલાઈ 1894, ઑક્સફર્ડ) : અંગ્રેજ વિવેચક અને નિબંધકાર. શૈલીની નજાકત માટે જાણીતા આ લેખક પર પ્રી-રૅફેલાઇટ્સ જૂથનો પ્રભાવ હતો.

વૉલ્ટર પેટર

શાળાનો અભ્યાસ કિંગ્ઝ સ્કૂલ, કૅન્ટરબરીમાં તથા કૉલેજનો અભ્યાસ ક્વીન્સ કૉલેજ, ઑક્સફર્ડમાં. અભ્યાસ બાદ તે ઑક્સફર્ડમાં સ્થાયી થયા. 1864માં તે બ્રાસેનોઝ કૉલેજમાં સદસ્ય બન્યા. ત્યારબાદ એમણે અવલોકનો લખવાનું શરૂ કર્યું. 1873માં પ્રગટ થયેલા તેમના નિબંધસંગ્રહ ‘સ્ટડીઝ ઇન ધ હિસ્ટરી ઑવ્ ધ રેનેસાન્સ’(પાછળથી માત્ર ‘ધ રેનેસાન્સ’ તરીકે જાણીતો થયેલ)માં લિયોનાર્દો-દ-વિન્ચી, બૉટિચેલી, પીકો-દેલા-મિરાન્દેલા અને માઇકલ ઍન્જલો વિશેના તથા આ પ્રકારના પ્રાચીન કળા અને કવિતાવિષયક તેમના અન્ય નિબંધો સંગ્રહાયા છે. આ પ્રકાશનથી તેઓ ઑક્સફર્ડમાં એક નાના જૂથનું કેન્દ્ર બન્યા.

તેમનું સૌથી નક્કર કામ ‘મારિયસ ધી એપિક્યુરિયન’(1885)માં છે; તેમાં તેમણે કળાના આદર્શો અને ધાર્મિક જીવનની ઝીણી ઝીણી બાબતોની અત્યંત ચીવટપૂર્વક છણાવટ કરી છે. ‘ઇમેજિનરી પૉર્ટ્રેઇટ્સ’(1887)માં પણ આ જ પ્રકારની તત્ત્વજ્ઞાન સાથે સુસંગત બનતી કથાસાહિત્યની ટૂંકી રચનાઓ છે. ‘ઍપ્રિસિયેશન્સ’(1889)માં અંગ્રેજી સાહિત્યના વિવેચનાત્મક નિબંધો છે. ‘પ્લેટો ઍન્ડ પ્લેટોનિઝમ’(1893)માં પ્લેટો વિશે તત્ત્વજ્ઞાન અને તર્કને અવગણીને કરેલી સાહિત્યિક સમીક્ષા છે. ‘ગ્રીક સ્ટડીઝ’ (1895), ‘મિસલેનિયસ સ્ટડીઝ’ (1895), ‘એસેઝ ફ્રૉમ ધ ગાર્ડિયન’ (1896) અને ‘ગાસ્ટોન દ લાતોર’ (1896) તેમનાં મરણોત્તર પ્રકાશનો છે. પ્રાચીન સાહિત્યનો અભ્યાસ તેમજ ખ્રિસ્તી ધર્મશ્રદ્ધાનો તેમના પર પ્રભાવ છે. આ ઉપરાંત જર્મન આદર્શવાદી તત્ત્વજ્ઞાનનો તથા આધુનિક ફ્રેન્ચ સાહિત્યનો, ખાસ કરીને બૉદલેરના કાર્યનો પણ તેમના પર પ્રભાવ છે. ખાસ ઘટનાઓ વગરની તેમની જિંદગી મોટેભાગે ઑક્સફર્ડમાં જ પસાર થયેલી. પછીની સાહિત્યિક પેઢી પર તેમનો પ્રભાવ રહ્યો હતો.

યોગેશ જોશી