પેજર : આશરે 30થી 50 કિલોમીટર અંતરની મર્યાદામાં બહારથી આવતા, કોઈ વ્યક્તિને ટેલિફોન કરવા માટેની સૂચના કે તેના દ્વારા આપવામાં આવતા ટૂંકા સંદેશાને કાળા અક્ષરોવાળા લખાણમાં અંકિત કરતું એક નાનકડું આધુનિક ઇલેક્ટ્રૉનિક ઉપકરણ. તે ફક્ત એકતરફી કામ આપે છે, એેટલે કે પેજરધારક બહારથી આવતું સૂચન કે સંદેશો મેળવી શકે છે; પરંતુ પોતાના પેજર દ્વારા બહાર મોકલી શકતો નથી. કોઈ મોટા શહેરમાં આવેલા કુશળ તબીબને 24 કલાક દરમિયાન 80થી 90 જેટલા ફોનકૉલ મળતા હોય છે. આવી વ્યક્તિ પોતાના ટેલિફોનથી 30થી 35 કિમી. દૂર હોય છતાં પણ પેજર દ્વારા તેને સંદેશો પહોંચાડી શકાય છે. તેને માટે ફક્ત એટલું આવશ્યક છે કે તે વ્યક્તિએ પોતાના તમામ મિત્રોને પોતાના પેજર-નંબરની તેમજ પેજર સર્વિસ કંટ્રોલ સ્ટેશનના ફોન-નંબરોની જાણ કરી હોય તથા બહાર જાય ત્યારે અનિવાર્યપણે તેણે પોતાની સાથે પેજર-ઉપકરણ રાખ્યું હોય.

પેજર સેવાતંત્રની વિગતોમાં જતા પહેલાં પેજર-ઉપકરણની રચના તેમજ તેમાં ઉપલબ્ધ થતી સુવિધાઓ અંગે ટૂંક માહિતી મેળવવી જરૂરી છે : (1) પેજરનું કોઈ ઑફિસ સાથે જોડાણ હોતું નથી. તે બૅટરી-સંચાલિત, તેમજ એક સ્થાનથી બીજા સ્થાને સહેલાઈથી લઈ જઈ શકાય તેવું (portable) સાધન છે. વિવિધ બનાવટનાં પેજર મળતાં હોય છે. (2) સામાન્યત: તેનું કદ 8 સેમી. x 5 સેમી. x 3 સેમી. જેટલું અને બૅટરી સાથેનું તેનું વજન આશરે 50 ગ્રામ જેટલું હોય છે. (3) પેજર અને તેના કંટ્રોલ સેન્ટર વચ્ચેનો વ્યવહાર, અગાઉથી કમ્પ્યૂટરની મદદથી નક્કી કરવામાં આવતી ચોક્કસ આવૃત્તિના રેડિયો-સિગ્નલ વડે જ થતો હોય છે. અમેરિકાની અગ્રગણ્ય કંપની મોટોરોલા-બનાવટના પેજરની તેના કંટ્રોલ બટનની માહિતી આકૃતિ 1માં નીચે આપી છે.

આકૃતિ 1 : (1) પેજર ચાલુ-બંધ કરવાનું પુશ બટન; (2) પેજરને ફરીથી સૅટ કરવા માટેની બાજુની સ્વિચ; (3) સંદેશો આવે ત્યારે પેજરધારકને સાવચેત કરતો આપમેળે ચાલુબંધ થતો દીવો; (4) પેજરના પડદા ઉપર અંકિત થતા સંદેશાને જમણી કે ડાબી કે ઉપર કે નીચેની તરફ ખસેડવા માટેની ચાર ચાવીઓનું જોડાણ કરીને બનાવેલી એક જ સંયુક્ત (integrated) સ્વિચ; (5) અંધારામાં પણ સંદેશો વાંચી શકાય તે માટે પડદા પાછળ રાખેલા દીવાની સ્વિચ; (6) સંદેશો પડદા ઉપર લાવીને વાંચવા માટેની સ્વિચ (Read switch); (7) પેજરનો દૂધિયા કાચનો બનાવેલો વિશિષ્ટ પ્રકારનો પડદો જેની ઉપર આવતો સંદેશો કે આંકડાઓ, આપોઆપ કાળા રંગમાં ઊપસી આવતા હોય છે.

વળી પેજરની અંદર રાખેલા ઇલેક્ટ્રૉનિક ઘડિયાળ વડે સંદેશાનો ક્રમાંક, કલાક અને મિનિટમાં સમય, તારીખ વગેરેની ગણતરી ચાલુ જ રહેતી હોય છે. સંદેશો પૂરો થયે, ત્યારપછીની લીટીમાં તે આ બધી વિગતો દર્શાવે છે. નીચેની આકૃતિ 2માં આ બધું જોઈ શકાય છે :

આકૃતિ 2 : આકૃતિમાં દર્શાવેલો સંદેશો 7-6-’90ના રોજ સવારના 9 કલાક 05 મિનિટે મળ્યો છે. વળી પેજરે ગ્રહણ કરેલો આ સંદેશો સૌપ્રથમ હોવાથી, સંદેશાની આગળ ક્રમાંક 01 દર્શાવેલ છે.

પેજરની કાર્યપદ્ધતિ : ‘પેજર સર્વિસ સેન્ટર’ ચલાવતી કંપની (A), પેજરધારક(X)ને તેના પેજર (Px) માટે એક છ આંકડાનો નંબર (Nx) ફાળવતી હોય છે. (ઉદાહરણ તરીકે Nx = 421421). પેજરની અંદર ‘રેડિયો-સિગ્નલ ડિટેક્ટર સેક્શન’ (RSDS) અત્યંત સંવેદનશીલ (extremely sensitive) રેડિયો-આવૃત્તિ (fx) માટે ગોઠવવામાં આવે છે. (ઉદાહરણ તરીકે fx = 146.5625 મેગાહર્ટ્ઝ; જ્યાં એક મેગાહર્ટ્ઝ= 106 (દસ લાખ)) હર્ટ્ઝ છે, જેથી ગમે તેટલો નબળો સિગ્નલ પણ તે ગ્રહણ કરી શકે છે. તાર અને ટપાલ (P & T) વિભાગ, ડાયલ કરવા માટે Aને ચાર આંકડાના બે નંબરો  ઉદાહરણ તરીકે, 9631 અને 9632 આપે છે, જેની જાણ વ્યક્તિ X પોતાના તમામ સ્થાનિક મિત્રોને કરે છે. P & T વિભાગ તરફથી મળેલો પહેલો ફોન-નંબર 9631 ‘ઑટો-પેજિંગ’ પદ્ધતિ માટે હોય છે, જ્યારે બીજો નંબર 9632 ‘મૅન્યુઅલ પેજિંગ’ પદ્ધતિ માટે હોય છે.

ઑટો-પેજિંગ પદ્ધતિ : કોઈ વ્યક્તિને તેના પોતાના ટેલિફોન-નંબર, માનો કે, 5501930 ઉપરથી Xનો, પેજર Px ઉપર સંપર્ક કરવો છે તો સૌપ્રથમ ઑટોપેજિંગ માટેનો નંબર 9631 તથા પેજર Pxનો નંબર Nx = 421421 એકીસાથે જ, જોડવાના રહે છે. એ રીતે ઉપર્યુક્ત દાખલામાં પેજરધારકનો સંપર્ક કરવા ઇચ્છનાર વ્યક્તિ દસ આંકડાનો સળંગ નંબર 9631-421421 ડાયલ કરશે. નંબર 9631 ડાયલ કરતાંની સાથે જ ટેલિફોન નંબર 5501930, જે ટેલિફોન એક્સચેન્જ સાથે જોડાયેલો છે તેનું કમ્પ્યૂટર તરત જ તે નંબરને ઓળખી કાઢશે; તે પ્રક્રિયાને Calling Line Identification – CLI કહે છે અને આ નંબરની જાણ કંપની Aના કમ્પ્યૂટરને અને તે દ્વારા પેજર Pxના નંબર Nx = 421421ને કરે છે. આમ, પેજરધારકનો સંપર્ક કરવા ટેલિફોન કરતી વ્યક્તિનો ટેલિફોન-નંબર 5501930 પેજર-ધારકને મળી જાય છે. દસ આંકડાનું ડાયલિંગ પૂરું થાય કે તરત જ Aનું રેડિયો-ટ્રાન્સમિટર Pxની Fx = 146.ર5625 આવૃત્તિનો પ્રબળ રેડિયો-સિગ્નલ આવરણમાં પ્રસારિત કરે છે, જે ટેલિફોન-નંબર 550 1930ના રેડિયો-તરંગ ઉપર સમઆવર્ત (modulation) રૂપે મિશ્ર થતો હોય છે. Pxને Fx માટે જ ગોઠવેલું હોવાથી Px તેને ગ્રહણ કરે છે. આ સિગ્નલ પેજરમાં સૌપ્રથમ થોડાક વિવર્ધન (amplification) પામે છે અને ત્યારબાદ સંકેત ઉકેલનાર (decoder) સર્કિટમાં જાય છે, જે રેડિયો-તરંગ ઉપર આવી રહેલા ટેલિફોન-નંબર 550-1930ને જુદો પાડીને તેને પેજરના પડદા પર પ્રદર્શિત કરે છે. પેજર ઉપર આવી રહેલા સંદેશાની જાણ વ્યક્તિ Xને કરવા માટે એક લાલ દીવો ચાલુ-બંધ થયા કરે છે તથા પેજરમાંથી ‘બિપ-બિપ’ અવાજ આવે છે. પેજરના પડદા ઉપર, સામેથી ટેલિફોન કરનાર વ્યક્તિનો માત્ર ટેલિફોન નંબર જ પ્રદર્શિત થાય છે અને આગળ જણાવ્યા પ્રમાણે તે ક્રમાંક, તારીખ અને સમય સાથે અંકિત થઈ આપોઆપ ‘મેમરી’માં જતો રહે છે. Xને જાણ થાય છે કે ટેલિફોન-નંબર 5501930 ઉપર કોઈ વ્યક્તિ તેનો સંપર્ક સાધવા માંગે છે. તેથી X તેનો ટેલિફોન ઉપર સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે. ઑટો-પેજિંગ પદ્ધતિમાં પેજરના પડદા ઉપર કોઈ સંદેશાને બદલે Xનો સંપર્ક કરનાર વ્યક્તિનો માત્ર ટેલિફોન-નંબર જ પ્રદર્શિત થતો હોવાથી આ પ્રકારનાં પેજર કદમાં નાનાં અને પ્રમાણમાં સોંઘાં હોય છે. તેમને numerical pager પણ કહે છે.

મૅન્યુઅલ પેજિંગ પદ્ધતિ : આ પદ્ધતિમાં સંદેશો મોકલાવનાર વ્યક્તિ પોતાના ટેલિફોન ઉપરથી સૌપ્રથમ P & T વિભાગના ‘પેજર કંટ્રોલ સેક્શને’ આપેલો મૅન્યુઅલ પેજિંગ માટેનો નંબર 9632 ડાયલ કરે છે. વ્યક્તિના એક્સચેન્જનું કમ્પ્યૂટર તેને શોધી કાઢે છે તથા તેમાં તેની નોંધ લે છે. ત્યાંના ‘કમ્પ્યૂટર કી-બોર્ડ’ ઉપર માથે હેડ ફોન પહેરીને બેઠેલો કર્મચારી, પેજર કરવા ઇચ્છનારનો ‘હલો’નો અવાજ સાંભળશે અને પેજર Pxને Nx 421421 ઉપર જે સંદેશો પહોંચાડવો હોય તેની પૂરી વિગત એ કર્મચારી પેજર કરવા ઇચ્છનારને પૂછીને નોંધી લે છે. (ઉ.ત., જુઓ આકૃતિ 2નો સંદેશો). નોંધવામાં આવેલો સંદેશો બરાબર છે કે નહિ તેની ખાતરી કરવા માટે કર્મચારી તે આખો સંદેશો એક વાર વાંચી સંભળાવે છે. તે બરોબર હોય તો સંદેશો આપનાર વ્યક્તિ O.K. કહીને પોતાનો ટેલિફોન મૂકી દે છે. હવે ઑફિસનો કર્મચારી, Pxને તેના નંબર Nx = 421421 ઉપર ‘ઍલર્ટ’ કરે છે અને તેના મૉનિટરના પડદા ઉપર READY સિગ્નલ દેખાય કે તરત જ સંદેશાને ટાઇપ કરવા લાગે છે; અને તેટલી જ ઝડપે આ સંદેશો પેજર Px ના પડદા ઉપર લખાતો જાય છે.

ઉપર જણાવેલી પેજરની પદ્ધતિઓનો ઉપયોગ તથા પેજર ઉપર સંદેશો કે સૂચના ગ્રહણ કરવાનું કાર્ય માત્ર તે ટેલિફોન દ્વારા જ શક્ય બને છે જે ઇલેક્ટ્રૉનિક ઍક્સચેન્જ સાથે જોડાયેલા હોય; એટલે કે તેમનો ટેલિફોન-નંબર સાત આંકડાનો બનેલો હોય. ભારતનાં ઘણાં શહેરોમાં હજી તમામ ટેલિફોનને ઇલેક્ટ્રૉનિક ઍક્સચેન્જની સેવા પૂરી પાડી શકાઈ નથી. જેમના ટેલિફોન-નંબર છ આંકડાના બનેલા છે તેમના ટેલિફોનનું જોડાણ યાંત્રિક રીતે કાર્ય કરતા ‘સ્ટ્રૉજર ઍક્સચેન્જ’ સાથે કરવામાં આવેલું હોવાથી તેમની યંત્રસામગ્રીને કમ્પ્યૂટર સાથે જોડી શકાતી નથી.

ટેલિફોન ધરાવતી કોઈ વ્યક્તિને તેની ગેરહાજરીમાં તેની ઉપર આવતા ફોન મેળવવા હોય તો તેને માટેની સગવડ પણ થઈ શકે છે. તેને માટે P & T વિભાગ તે વ્યક્તિને ‘voice mail box’ નામે ઓળખાતી વ્યવસ્થા કરી આપે છે. આવી વ્યક્તિએ P & T ઑફિસનો સંપર્ક કરી પેજરની માગણી કરવી પડે છે. પેજર માટે પૂરા પૈસા લઈને તે વ્યક્તિને રાબેતા મુજબનો દસ આંકડાનો નંબર (ઉદાહરણ તરીકે 9627 / 421421) આપવામાં આવે છે, અને વ્યક્તિને પેજર અથવા કોઈ પણ ઉપકરણ આપ્યા સિવાય વિદાય કરે છે. વ્યક્તિ પોતાના દસ આંકડાના નંબરની જાણ પોતાના સર્વે મિત્રોને કરે છે.

હવે જો વ્યક્તિ ઘેર ન હોય અને તેના કોઈ મિત્રને સંદેશો આપવો હોય તો તે મિત્ર તેને આપવામાં આવેલો દસ આંકડાનો નંબર ડાયલ કરી પોતે જે કહેવા માંગતો હોય તે સમગ્ર સંદેશ વાંચી જશે. એ સંદેશો પેલી વ્યક્તિને ટપાલ-ખાતા તરફથી ફાળવવામાં આવેલા voice mail boxમાં 9627 / 421421માં સંપૂર્ણ નોંધાઈ જશે; પરંતુ તેની નોંધ કે જાણ પેલી વ્યક્તિને સીધી થશે નહિ. આ સંદેશાની જાણ માટે વ્યક્તિએ દર બે કલાકે સ્વયં પોતાને આપેલો કોડ-નંબર 9627 / 421421 ડાયલ કરવાનો રહેશે. તે કરવાથી voice mail boxમાં જો કોઈ સંદેશો નોંધાયો હોય તો, તે પેલી વ્યક્તિને અથથી ઇતિ સુધી સંભળાશે. આ સંદેશો સામાન્ય વપરાતી ટેઇપ ઉપર ન નોંધાતાં તેને માટેના ખાસ પ્રકારના ‘ઇરેઝેબલ પ્રોગ્રામ યુનિટ’ નામના ‘ઇન્ટિગ્રેટેડ સર્કિટ’ ઉપર નોંધાતો હોય છે. એ સંદેશાની જરૂર ન હોય ત્યારે તેને ભૂંસી પણ શકાય છે.

સેલ્યુલર ફોનની શોધથી પેજરનો વપરાશ ઘટી ગયો છે. વિજ્ઞાનનો વિકાસ થતાં, હવે એવાં પેજર પણ શોધાયાં છે, જેમાં એક લીટીના સંદેશાને બદલે દસ લીટી સુધીના સંદેશાઓ પણ મળી રહે છે. તેવા પેજરનો પડદો સ્થાયી ન હોતાં અંદરની બાજુએથી ગોળ ગોળ ફેરવી શકાય તેવો હોય છે. જેમ જેમ સંદેશો લખાતો જાય તેમ લખાણની લીટીઓ ઉપરની તરફ ખસતી જઈને પછી અદૃશ્ય થાય છે. આમ પેજર વ્યક્તિના નિકટતમ સાથીની ગરજ સારે છે.

સૂ. ગી. દવે