પૅટરસન, ફ્લૉઇડ (. 4 જાન્યુઆરી 1935, વૅકો, ટૅક્સાસ; . 11 મે 2006, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : અમેરિકાના વ્યવસાયી મુક્કાબાજ (boxer). તેમનો ઉછેર બ્રુકલિનમાં થયો હતો. ત્યાં માનસિક અસંતુલન ભોગવતાં બાળકોની શાળામાં રહેવાનું થયું; એ શાળામાં તેમણે મુક્કાબાજીમાં નિપુણતા મેળવી. નાનાં-મોટાં વિજેતાપદ મેળવ્યા બાદ, તેમણે 1952માં ઑલિમ્પિક રમતોમાં મિડલવેટ ક્લાસમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. ત્યારબાદ તે ધંધાદારી મુક્કાબાજ બન્યા અને શિકાગોમાં 5 રાઉન્ડમાં વિજયી થઈને 1956માં વિશ્વના હેવીવેટ ચૅમ્પિયન બન્યા. ત્યારબાદ ન્યૂયૉર્કમાં 3 રાઉન્ડની નૉક-આઉટ સ્પર્ધામાં 1959માં સ્વીડનના ઇંગ્મર જૉન્સન સામે હારી ગયા; પરંતુ 1960માં ઇંગ્મર જૉન્સનને 5 રાઉન્ડમાં હરાવી વિશ્વવિજેતાપદ પાછું જીતી લીધું. આ રીતે પોતાનું વિજેતાપદ ફરીથી જીતી લેનાર તે વિશ્વના સર્વપ્રથમ હેવીવેટ ચૅમ્પિયન બન્યા. પછી 1962માં શિકાગોમાં સોની લિસ્ટર સામે એક જ રાઉન્ડમાં એ વિજેતાપદ હારી ગયા. ત્યાર બાદ એ વિજેતાપદ પાછું મેળવવાના પ્રયાસમાં તેઓ સોની લિસ્ટર અને મહમદ અલી સામે હારી ગયા હતા. છેલ્લે વર્લ્ડ બૉક્સિંગ ઍસોસિયેશનના હેવીવેટ ચૅમ્પિયન જિમી એલિસ સામે એ વિજેતાપદના વિવાદાસ્પદ અર્થઘટન અંગેની મૅચમાં પણ હારી ગયા હતા.

1972માં આ ક્ષેત્રમાંથી નિવૃત્તિ લઈ ઍમટર બૉક્સિંગ ક્લબ ચલાવતા હતા. ત્યારબાદ તેઓ ન્યૂયૉર્ક રાજ્યના ઍથ્લેટિક કમિશનર તરીકે નિયુક્તિ પામ્યા.

મહેશ ચોકસી