પૅકર, કેરી (. 17 ડિસેમ્બર 1937, સિડની; . 26 ડિસેમ્બર 2005, ન્યૂ સાઉથવેલ્સ, ઑસ્ટ્રેલિયા) : સમૂહ માધ્યમોના સંચાલક. તેમના પિતા સર ફ્રૅન્ક પૅકર તરફથી તેમને ઑસ્ટ્રેલિયન કૉન્સોલિડેટેડ પ્રેસ (ACP) જૂથ વારસામાં મળ્યું હતું. 1977-78 દરમિયાન તેમણે ‘વર્લ્ડ સીરિઝ ક્રિકેટ’નું નિર્માણ કર્યું અને તેમાં ‘નૉક-આઉટ’ ધોરણે રમાતી એક દિવસીય ક્રિકેટ મૅચ માટે અગ્રણી ક્રિકેટ-ખેલાડીઓને કરારબદ્ધ કર્યા.

કેરી પૅકર

એ જ વર્ષે સમર ટેસ્ટ્સનું પણ નિર્માણ કર્યું અને તેમાં રંગબેરંગી પોશાક તથા ફ્લડલાઇટની પ્રકાશસુવિધા વડે ક્રિકેટ મૅચનું નવતર આયોજન ગોઠવ્યું. આ બંને આયોજનના પ્રસારણ માટેના સર્વાધિકાર એસીપીની ચૅનલ 9 હસ્તક હતા. ક્રિકેટના આવા તમાશારૂપ વ્યવસાયી આયોજન બદલ ઘણા દેશોનાં રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ સાથે તેમને ઉગ્ર વિવાદ અને કાનૂની લડાઈનો સામનો કરવો પડ્યો. 1987માં જ્યારે ચૅનલ 9ની બોલબાલા હતી ત્યારે તેમણે આ ચૅનલ ઍલન બૉન્ડને 90 લાખ ઑસ્ટ્રેલિયન ડૉલરમાં વેચી દીધી. 1990માં તે ચૅનલ ઘણી ઓછી કિંમતે તેમણે પાછી ખરીદી પણ લીધી. બ્રૉડકાસ્ટિંગ ઉપરાંત તેઓ ખાણ-ઉદ્યોગ, નિર્માણ-ઉદ્યોગ અને મિલકત-રોકાણ જેવી વ્યવસાયી પ્રવૃત્તિના સંચાલક-માલિક હતા.

મહેશ ચોકસી