પેકિનપા, સામ (જ. 21 ફેબ્રુઆરી 1925, ફ્રેસ્નો, કૅલિફૉર્નિયા, અમેરિકા; અ. 28 ડિસેમ્બર 1984, ઇન્ગવૂડ, કૅલિફૉર્નિયા) : અમેરિકામાં ખાસ કરીને ‘વેસ્ટર્ન’ ચલચિત્રોના ક્ષેત્રે ‘ક્લાસિક’ દરજ્જાનું કામ કરનાર દિગ્દર્શક અને પટકથાલેખક. મૂળ નામ ડેવિડ સૅમ્યુઅલ પેકિનપા. વેસ્ટર્ન ચિત્રોમાં આમેય બહાદુર નાયકો, કુટિલ ખલનાયકો, તેમની વચ્ચે અંતે ખેલાતી જીવસટોસટની બંદૂકબાજી અને તેને કારણે સારા એવા પ્રમાણમાં હિંસા તો હોય જ; પણ પેકિનપાએ તેમનાં ચિત્રોમાં હિંસાને એવા વરવા સ્વરૂપે રજૂ કરી અને સાથોસાથ તેની અનિવાર્યતા પણ એવી જાળવી રાખી કે હિંસાનો અતિરેક હોવા છતાં તેમની કેટલીક ફિલ્મો ‘ક્લાસિક’નો દરજ્જો પામી.

નાનપણમાં શાળામાં, યુવાન-વયે લશ્કરી કૉલેજમાં અને પછી નૌકાદળમાં તેમની છાપ તોફાનીની હતી. યુવાન-વયથી જ તે દારૂના રવાડે ચઢી ગયા હતા. નૌકાદળમાંથી છૂટા થયા બાદ નાટ્યકળાનો અભ્યાસ કર્યો અને ટેલિવિઝન માટે કામ શરૂ કર્યું. ‘ગનસ્મોક’, ‘ધ વેસ્ટર્નર’ અને ‘ધ રાઇફલમૅન’ વગેરે ટીવી કાર્યક્રમો માટે લખ્યું અને નિર્માણકાર્ય કર્યું. ‘વેસ્ટર્ન’ પ્રકારનાં ચિત્રો માટેનો તેમનો લગાવ પ્રારંભથી જ હતો. એટલે 1961માં ચલચિત્રનું દિગ્દર્શન કરવાની તક મળી ત્યારે ‘વેસ્ટર્ન’ ચિત્ર જ બનાવ્યું. પ્રથમ ચિત્ર ‘ધ ડેડલી કમ્પેનિયન’ (1961) પછી બીજાં બે ચિત્રો ‘રાઇડ ધ હાઈ કન્ટ્રી’ (1962) અને ‘મેજર ડન્ડી’(1965)એ તેમને ખ્યાતિ પણ આપી અને આ બે ચિત્રોથી જ સુંદર છબિકલા, છક કરી દે તેવી બંદૂકબાજી, હિંસા વગેરે પેકિનપાનાં ચિત્રોની ઓળખ બની ગયાં. 1969માં તેમણે ‘ધ વાઇલ્ડ બન્ચ’ ચિત્રનું સર્જન કર્યું. શ્રેષ્ઠ ‘વેસ્ટર્ન’ ચિત્રોમાં સ્થાન પામનાર આ ચિત્ર પેકિનપાનું સૌથી વધુ મહત્ત્વનું સર્જન ગણાય છે અને વિવેચકોના મતે ચલચિત્રની કળાનાં તમામ પાસાંઓનો પેકિનપાએ આ ચિત્રમાં એવો સુંદર સમન્વય કર્યો છે કે આ સર્જન સંઘેડાઉતાર બની રહ્યું છે.

સામ પેકિનપા

આ ચિત્ર ઉપરાંત ‘પૅટ ગૅરેટ ઍન્ડ બિલી ધ કિડ’ (1973) ચિત્રમાં પેકિનપાએ હિંસાનું ભયાનક નિરૂપણ કર્યું છે. ‘સ્ટ્રે ડૉગ્ઝ’ (1971), ‘ધ ગેટ અવે’ (1972) અને ‘ક્રૉસ ઑવ્ આયર્ન’  (1977) ચિત્રો ‘વેસ્ટર્ન’ પ્રકારનાં નહોતાં, પણ તેમાં પેકિનપા-શૈલીની હિંસા તો હતી જ. પેકિનપાએ કુલ 14 જેટલાં ચિત્રોનું સર્જન કર્યું, જેમાં ‘ધ બૅલડ ઑવ્ કેબલ હૉગ’ (1970) અને ‘જુનિયર બોનર’ (1972) શૈલી અને નિરૂપણની દૃષ્ટિએ પેકિનપાના જુદા જ પાસાનો પરિચય કરાવે છે. પેકિનપાનાં અન્ય ચિત્રોમાં ‘બ્રિન્ગ મી ધ હેડ ઑવ્ આલ્ફ્રેડો ગાર્સિયા’ (1974), ‘ધ કિલર એલાઇટ’ (1976), ‘કૉન્વૉય’ (1978) અને ‘ધી ઑસ્ટરમૅમ વીકએન્ડ’(1983)નો સમાવેશ થાય છે.

હરસુખ થાનકી