પૃથ્વીષેણ (. . 250) : વાકાટક વંશનો એક પ્રતાપી રાજા. વાકાટક વંશની સત્તા ઈ. સ. 250ના અરસામાં વિન્ધ્ય-પ્રદેશમાં સ્થપાઈ હતી. સમ્રાટ પ્રવરસેન પહેલાના સમય(લગભગ ઈ. સ. 275-335)માં એ છેક બુંદેલખંડથી હૈદરાબાદ સુધી વિસ્તરી હતી. એના પૌત્ર રુદ્રસેન પહેલાના અભ્યુદયમાં એના માતામહ ભારશિવ રાજા(ભવનાગ)નો સક્રિય સહકાર રહેલો હતો. ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્તે મધ્ય તથા દક્ષિણ ભારત પર પોતાની સત્તા પ્રસારવા દંડયાત્રા કરી, ત્યારે તે તેના પૂર્વભાગમાં જ દિગ્વિજય કરી શકેલો, જ્યારે મધ્ય ભાગમાં વાકાટકોની સત્તા અબાધિત રહી હતી. રુદ્રસેન પછી એનો પુત્ર પૃથ્વીષેણ પહેલો ગાદીએ આવ્યો. એ પરમ માહેશ્વર હતો. એ ધર્મરાજ જેવો ધર્મવિજયી ગણાતો. ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે પોતાની કુંવરી પ્રભાવતીગુપ્તા રાજા પૃથ્વીષેણના પુત્ર રુદ્રસેન સાથે પરણાવી વાકાટક વંશ સાથે મૈત્રી સાધી હતી. રુદ્રસેન બીજો ઈ. સ. 385ના અરસામાં ગાદીએ આવ્યો. એના સમયથી વાકાટક રાજાઓ ગુપ્ત સમ્રાટોનું આધિપત્ય સ્વીકારવા લાગ્યા. એના બે પુત્ર સગીર વયના હતા ત્યારે રાજમાતા પ્રભાવતીગુપ્તાએ સત્તાનાં સૂત્ર સંભાળેલાં. એમાંનો નાનો દામોદરસેન ‘પ્રવરસેન’ તરીકે પણ ઓળખાતો. પ્રવરસેન બીજાના પુત્ર નરેન્દ્રસેનનો પુત્ર પૃથ્વીષેણ બીજો એ આ રાજવંશનો છેલ્લો નોંધપાત્ર રાજા હતો. એનું રાજ્ય લગભગ ઈ. સ. 480માં સમાપ્ત થયું.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી