પૃષ્ઠકઠિનીકરણ (case-hardening) : ધાતુની ઉપરની સપાટી(પૃષ્ઠ)ને અમુક ઊંડાઈ સુધી સખત બનાવવા માટેની ઉષ્મા-ઉપચારની રીત. અહીં સંબંધિત ધાતુવસ્તુના વચ્ચેના ભાગ(core)ને પ્રમાણમાં નરમ રાખવામાં આવે છે. બહારની સપાટી(case)નું કઠિનીકરણ કરવા માટે સપાટી પરના કાર્બન ઘટકના પ્રમાણને વધારવામાં આવે છે. આથી બાહ્ય સપાટી વધુ કાર્બનવાળી સપાટી બને છે, જેનું કઠિનીકરણ થઈ શકે છે.

ઉદ્યોગોમાં વપરાતાં દાંતાચક્રો, બેરિંગ-સપાટીઓ, કૅમ-શાફ્ટ, વર્મ, બ્રેક-ડ્રમ તથા અન્ય ભાગોની સપાટીઓ કઠણ અને ઘસારા-પ્રતિરોધક બનાવી તેમના અંદરના ભાગને નરમ (tough) રાખવામાં આવે છે; જેથી તેમની આઘાતપ્રતિરોધકતા વધે છે.

પૃષ્ઠ-કઠિનીકરણ નક્કી કર્યા પ્રમાણેની ઊંડાઈમાં થાય, આ ક્રિયા દરમિયાન ધાતુવસ્તુનાં પરિમાણો પર કે તેના કણો પર સહેલાઈથી અસર થાય પરંતુ વિપરીત અસર ન થાય અને સહેલાઈથી થાય તે માટે પૃષ્ઠ-કઠિનીકરણની જુદી જુદી રીતો વિકસેલ છે. દરેક રીતના ચોક્કસ ફાયદાઓ અને મર્યાદાઓ છે; માટે ધાતુ-વસ્તુનાં કદ, ધાતુ / મિશ્ર ધાતુનું બંધારણ, ઉત્પાદનનું પ્રમાણ વગેરે બાબતો ધ્યાનમાં લઈ કઠિનીકરણની પ્રક્રિયાની પસંદગી થાય છે.

જુદી જુદી પૃષ્ઠ-કઠિનીકરણની પ્રક્રિયાઓની યાદી આ પ્રમાણે છે :

(1) કાર્બુરીકરણ કે કાર્બુરાઇઝિંગ

(2) કાર્બોનાઇટ્રાઇડિંગ

(3) નાઇટ્રાઇડિંગ

(4) સાયનાઇડિંગ

(5) ફ્લેમ હાર્ડનિંગ

(6) ઇન્ડક્શન હાર્ડનિંગ

ગૌતમ ઉપાધ્યાય