પૂર્વઋતુસ્રાવ તણાવ (premenstrual tension)

January, 1999

પૂર્વઋતુસ્રાવ તણાવ (premenstrual tension) : ઋતુસ્રાવ થાય તેના 7થી 14 દિવસ પહેલાં વારંવાર શરૂ થતી અને ઋતુસ્રાવ શરૂ થાય એટલે પૂરી થતી શારીરિક અને લાગણીલક્ષી તકલીફોનો વિકાર. તેને પૂર્વઋતુસ્રાવ સંલક્ષણ (syndrome) પણ કહે છે. 25થી 40 વર્ષની લગભગ ત્રીજા ભાગની સ્ત્રીઓને ક્યારેક ને ક્યારેક આ પ્રકારની તકલીફ સમયાંતરે થાય છે. લગભગ 10 % સ્ત્રીઓમાં તે વારંવાર અને તીવ્ર પ્રકારની હોય છે. બધી સ્ત્રીઓને બધા પ્રકારની તકલીફો  થતી નથી. મોટાભાગની સ્ત્રીઓને વાયુને કારણે પેટ ફૂલે છે, સ્તનમાં દુખાવો થાય છે, ઘૂંટી (ankle) પર સોજા આવે છે. વજન વધ્યું હોય એવું લાગે છે, ચામડીના વિકારો થાય છે, ચીડિયાપણું થઈ આવે છે, ઉશ્કેરાટ અનુભવાય છે, ખિન્નતા આવે છે, એકાગ્રતા રાખવામાં મુશ્કેલી અનુભવાય છે, કામોત્તેજના (libido) બદલાય છે, થકાવટ (fatigability) અનુભવાય  છે અને અતિશય ભૂખ લાગે છે. આ પ્રકારની પરિસ્થિતિ ઉદભવવાનું કારણ સમજાયેલું નથી. એવું મનાય છે કે માનસિક કારણો તેમાં ભાગ ભજવતાં હશે. જનનપિંડ-ઉત્તેજક-વિમોચક (gonadotropin-releasing factor) નામના અંત:સ્રાવનું સહધર્મી રસાયણ આપવાથી બધા જ પ્રકારની તકલીફો ઘટે છે. સાથે જો ઇસ્ટ્રોજન-પ્રોજેસ્ટેરોન આપવામાં આવે તો જનનપિંડ-ઉત્તેજક- વિમોચક લાંબા સમય સુધી આપી શકાય છે. મુખમાર્ગી ગર્ભરોધક દવા આપ્યા પછી પણ થોડા પ્રમાણમાં તકલીફ રહી જાય છે. હાલ અપાતી સારવારને અનુભવજન્ય (empirical) ગણી શકાય. દર્દીને લાગણીલક્ષી તેમજ શારીરિક પૂરતો આધાર મળી રહે તે માટે નીચે મુજબની સારવાર અપાય છે.

(1) દર્દીની પૂરેપૂરી શારીરિક તપાસ કરીને તેને તકલીફો માટેની પૂરી સમજણ આપવામાં આવે છે અને તેને હિંમત આપવામાં આવે છે. (2) દર્દીને 2થી 3 મહિનાઓ માટે તેની તકલીફોની એક નોંધ રાખવાનું સૂચવાય છે તેથી કરીને તેની તકલીફોનો પ્રકાર, તીવ્રતા તથા સમયગાળો નક્કી કરી શકાય. જો તેની તકલીફો આખા મહિનામાં કાયમ જોવા મળે તો તેને સાથે કોઈ લાગણીલક્ષી કે માનસિક વિકાર પણ છે એવું મનાય છે અને તેથી તેની સારવાર પણ કરવી પડે છે. (3) આહારની બાબતે થોડી અગત્યની સલાહ અપાય છે. દર્દીને સંકુલ પ્રકારના કાર્બોદિત પદાર્થો (દા.ત., ચોખા, ઘઉં, બટાટા વગેરે) લેવાનું સૂચવાય છે. તેને સાદી ખાંડ કે દારૂ ન લેવાનું સૂચવાય છે. સાદી ખાંડ અને દારૂ પ્રતિક્રિયા રૂપે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે. જેઓ તણાવ, ચીડિયાપણું અને ઉશ્કેરાટ અનુભવતા હોય તેમને કૅફિન નામનું દ્રવ્ય ધરાવતાં પીણાં; જેવાં કે ચા-કૉફીનો ઉપયોગ ઘટાડવાનું સૂચવાય છે. વધુ પ્રમાણમાં વિટામિનો અને ક્ષારો આપવાથી ફાયદો થાય છે એવું સાબિત થયેલું નથી. વધુ પડતા ક્ષાર ક્યારેક નુકસાન પણ કરે છે, તેથી સામાન્ય રીતે ક્ષાર-વિટામિનવાળી એક ગોળી આપવાનું સૂચન કરાય છે. (4) નિયમિત કસરત (દા. ત., દોડવું) મનોવિકારી ચિંતા અને ખિન્નતા ઘટાડે છે. કેટલાક અભ્યાસો પ્રમાણે તે શરીરમાં પાણીનો ભરાવો પણ ઘટાડે છે. (5) ઋતુસ્રાવચક્રના પાછલા 14 દિવસમાં મુખમાર્ગે કે યોનિમાર્ગે (per vaginum) કુદરતી પ્રોજેસ્ટેરોનનું સેવન કરાવવામાં આવે છે પરંતુ તેની સુરક્ષિતતા અને અસરકારકતા નિશ્ચિત કરાયેલી નથી. (6) ફ્લુઑક્ઝેટિન નામનું એક સિરોટોનિન – પુન:ગ્રાહક (reaptake) દ્રવ્ય આપવાથી ચિંતા, ઉશ્કેરાટ તથા દુ:ખાભાસ (dysphoria) ઘટે છે. જોકે તેની થોડી આડઅસરો પણ છે. ડાયાઝેપામ તથા અન્ય ટૂંકા ગાળાની અસર ધરાવતી બેન્ઝોડાયાઝેપિન્સ જૂથની દવાઓ પણ વપરાય છે, પરંતુ તે સર્વે આદત પાડે છે.

શિલીન નં. શુક્લ

પ્રકાશ પાઠક