પૂર્ણિયા : બિહાર રાજ્યમાં આવેલો એક જિલ્લો. સ્થાન : 25o 15′ ઉ. અ.થી 26o 35′ ઉ. અ. અને 87o પૂ. રે. થી 88o 32′ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે નેપાળ, પૂર્વે પશ્ચિમ બંગાળ, પશ્ચિમે ભાગલપુર અને દક્ષિણે ભાગલપુર તથા ગંગા નદી આવેલાં છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ 3229 ચોકિમી. તથા વસ્તીનું પ્રમાણ 2011 મુજબ 32,64,619 છે.

ઉત્તર બિહારના પૂર્વ ભાગમાં મહાનંદા નદીનાં મેદાનો અને પશ્ચિમમાં રેતાળ ઘાસનાં મેદાનો આવેલાં છે. જિલ્લાનો પૂર્વ ભાગ નદીઓ અને પ્રકૃતિથી રમણીય બની રહેલો છે. અહીં ગંગા, કોસી, મહાનંદા અને પનાર નદીઓ વહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1750 મિમી. જેટલો પડે છે.

આ જિલ્લામાં શણનો પાક વિપુલ પ્રમાણમાં થાય છે. ધાન્ય પાકોમાં ડાંગર અને કઠોળ તથા રોકડિયા પાકોમાં તમાકુ, તેલીબિયાં અને શેરડી મુખ્ય છે. પશુપાલન મોટા પાયા પર થાય છે, પરંતુ પશુઓ કદમાં નાનાં અને કમજોર હોય છે. પૂર્ણિયા જિલ્લાનું વડું મથક પૂર્ણિયા અને કિશનગંજ વ્યાપારી મથક છે. પૂર્ણિયા બિહારના મુખ્ય રેલમાર્ગેથી, રાષ્ટ્રીય ધોરી માર્ગથી તેમજ ખેતીને લગતા વેપારથી જોડાયેલું છે. આ જિલ્લામાં ડાંગર છડવાની અને શણની મિલો આવેલી છે.

પૂર્ણિયા (શહેર) : પૂર્ણિયા જિલ્લાનું મુખ્ય શહેર અને વહીવટી મથક. સ્થાન : 25o 51′ ઉ. અ. અને 87o 29′ પૂ. રે. ગંગા નદીની શાખા સોરા (સીરા) નદીના પૂર્વ કિનારા પર તે વસેલું છે. રેલવે અને મુખ્ય માર્ગોથી તે જોડાયેલું છે. અહીં ચોખા છડવાની મિલો અને શણનો ઉદ્યોગ મુખ્ય છે. 1864માં અહીં મ્યુનિસિપાલિટીની સ્થાપના થયેલી. અહીંની કૉલેજ ભાગલપુર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. રાજ્યની હૉસ્પિટલ પણ અહીં આવેલી છે.

ગિરીશ ભટ્ટ