પૂર્વ ગોદાવરી : દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના ઈશાન કોણમાં આવેલો જિલ્લો. તે ગોદાવરી નદીના હેઠવાસથી પૂર્વમાં તેના મુખત્રિકોણ તરફ તેમજ ઈશાન તરફ પૂર્વ ઘાટની ટેકરીઓ અને બંગાળના ઉપસાગર વચ્ચે વિસ્તરેલો છે. 1925 સુધી તે અગાઉના ગોદાવરી જિલ્લાનો એક ભાગ હતો, પછીથી ગોદાવરી જિલ્લાને પશ્ચિમ ગોદાવરી, પૂર્વ ગોદાવરી અને કૃષ્ણા – એમ ત્રણ જિલ્લાઓમાં વિભાજિત કરવામાં આવેલો છે. આ જિલ્લાની પશ્ચિમે પશ્ચિમ ગોદાવરી અને ખમ્મામ્ જિલ્લાઓ, ઈશાનમાં વિશાખાપટ્ટનમ્ જિલ્લો, ઉત્તરમાં ઓરિસા રાજ્યનો કોરાપુટ જિલ્લો આવેલા છે; દક્ષિણ તરફ બંગાળનો ઉપસાગર છે. 19 તાલુકાઓમાં વહેંચાયેલા આ જિલ્લાનું ક્ષેત્રફળ આશરે 10,807 ચોકિમી. જેટલું છે. વસ્તી 51,51,549 (2011) જેટલી છે. બંગાળના ઉપસાગરના કિનારા પર આવેલું મધ્યમ કક્ષાનું બંદર કાકીનાડા જિલ્લામથક પણ છે. આ જિલ્લાની હદમાં આવેલો યેનામ નામનો નાનકડો વિસ્તાર કેન્દ્રશાસિત પુદુચેરી પ્રદેશનો એક ભાગ છે.

આ જિલ્લાના ઉત્તર ભાગમાં 900થી 1,350 મીટરની ઊંચાઈ ધરાવતી પૂર્વ ઘાટની રામ્પા ટેકરીઓ આવેલી છે. ઈશાન તરફ ગુન્ડાલમ્મા કોંડા (Gundalamma Konda) શિખર આવેલું છે. જિલ્લાના પશ્ચિમ ભાગ તરફ ગોદાવરી નદી ઉત્તર-દક્ષિણ વહે છે. જિલ્લાની ઉત્તર સીમાએ સિલેરુ (Sileru) નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહી, સાબરી નદી સાથે સંગમ કરી, ગોદાવરીને સહાયક તરીકે મળે છે; જ્યારે જિલ્લાના મધ્ય ભાગમાં થઈને એલુરુ (Eluru) નદી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. નદીઓએ રચેલાં દક્ષિણમાં આવેલાં કાંપનાં નીચાં મેદાનો અત્યંત ફળદ્રૂપ છે.

આશરે 16o 30’થી 18o 0′ ઉ. અક્ષાંશો વચ્ચે વિસ્તરેલો આ જિલ્લો ઉષ્ણકટિબંધની ગરમ ભેજવાળી અને સૂકી આબોહવા ધરાવે છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 27.5o થી 30o સે. તથા શિયાળાનું 22.5oથી 25o સે. જેટલું રહે છે. કાકીનાડાનું ઉનાળાનું મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 31.7o સે. તથા 23.8o સે. જેટલું રહે છે; વાર્ષિક વરસાદનું પ્રમાણ 2,232.5 મિમી. જેટલું રહે છે. અહીં ડુંગરાળ ટેકરીઓ પર વિશેષે કરીને ઉષ્ણકટિબંધીય ભેજવાળાં ખરાઉ જંગલો છવાયેલાં છે; તેમાં સાલ, સાગ, વાંસ, સીસમ, સુખડ વગેરે વૃક્ષોનું પ્રમાણ વધુ છે. રાજ્યના અર્થકારણમાં આ જિલ્લાનાં જંગલો અગત્યનો ભાગ ભજવે છે.

ટેકરીઓના પ્રદેશને બાદ કરતાં જિલ્લાની મોટાભાગની જમીનો નદીજન્ય કાંપની બનેલી હોવાથી ફળદ્રૂપ છે. અહીંના કેટલાક વિસ્તારો નહેરો તથા તળાવો દ્વારા સિંચાઈક્ષમ છે. મુખ્ય ખાદ્ય પાકોમાં ડાંગર, રાગી, કોલમ, કઠોળ, બાજરી, જુવાર, ટૅપિયોકા (tapioca), બટાકા, શક્કરિયાં વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મગફળી અને અન્ય તેલીબિયાં, કપાસ, શેરડી, તમાકુ, આદુ, નાળિયેરી, કૉફી, મરી જેવા રોકડિયા પાકો પણ થાય છે. અહીં શાકભાજી અને ફળો(કેળાં, નારંગી, લીંબુ, અનનાસ, કાજુ વગેરે)ની ખેતી પણ અગત્યની બની રહી છે.

આ જિલ્લામાં વિવિધ પ્રકારની મૃદ (માટી – clay), કોલસો, ગ્રૅફાઇટ જેવાં ખનિજો મળી આવે છે. ગ્રામીણ સ્તરે ગૃહઉદ્યોગોનું વધુ મહત્વ છે. ખાદ્યપ્રક્રમણ, રેશમ અને રેશમી કાપડ, દીવાસળી, પ્લાયવૂડ અને બોર્ડ (પાટિયાં), કાગળો, વાહનો, કૃષિઓજારો, રસાયણો અને દવાઓના ઉદ્યોગો વિકસ્યા છે.

કાકીનાડા (વસ્તી : 3,12,538 અંદાજે 2011 મુજબ) અહીંનું જિલ્લામથક હોવા ઉપરાંત અગત્યનું બંદર છે. અહીં વાહનો, કાપડ, કાગળ, રસાયણો અને દવાઓને લગતા ઉદ્યોગો અગ્રસ્થાને છે. રેલ અને ધોરીમાર્ગનું કેન્દ્ર રાજહમુન્દ્રી રેલમાર્ગે તથા સડકમાર્ગે કાકીનાડા સાથે સંકળાયેલું છે. તે ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ, હવાઈ પટ્ટી તેમજ ખાદ્ય ચીજો તથા કાગળને લગતા ઉદ્યોગો ધરાવે છે. આ ઉપરાંત અન્ય અગત્યનાં નગરોમાં પેડ્ડાપુરમ્, પિથાપુરમ્ તથા સમાલકોટનો સમાવેશ થાય છે.

બીજલ પરમાર