પૂર્ણિયા : બિહાર રાજ્યના 38 જિલ્લાઓમાંનો એક જિલ્લો અને શહેર.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – જમીન : તે 25 15´ ઉ. અ.થી 26 35´ ઉ. અ. અને 87 0´ પૂ. રે.થી 88 32´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે નેપાળ દેશ, પૂર્વે અને અગ્નિએ પશ્ચિમ બંગાળ, પશ્ચિમે ભાગલપુર અને દક્ષિણે ભાગલપુર તથા ગંગા નદી સીમા રચે છે. સમુદ્રની સપાટીથી આશરે 30 મીટર ઊંચાઈ ધરાવે છે.
આ જિલ્લાની જમીન સમતળ છે. નદીના કાંપ-માટીના પુરાણ દ્વારા રચાયેલી છે. આ જમીન લોમી–Lomy (રેતી, કાંપ અને માટીવાળી) છે. આ જમીનમાં વિપુલ પ્રમાણમાં જૈવિક તત્ત્વો અને ખનિજ તત્ત્વો (40%–40%) ભળેલાં હોય છે. હિમાલયની અનેક નદીઓ પોતાની સાથે લાવેલી સામગ્રી નિમ્નવિસ્તારમાં નિક્ષેપિત કરે છે જેથી તેની ફળદ્રૂપતા વધુ હોય છે. આ જિલ્લાની મુખ્ય નદીઓમાં કોસી, મહાનંદા, સુવારાકાલી (Suwara Kali), સારા (Saura), કાલી અને પનાર છે. જિલ્લાના પશ્ચિમ ભાગમાં જમીન રેતીના પાતળા પડવાળી જોવા મળે છે. રેતીનું પ્રમાણ અધિક હોવાથી કોસી નદી અવારનવાર પોતાનો માર્ગ બદલે છે. જિલ્લાનો પૂર્વ ભાગ નદીઓ અને પ્રકૃતિથી રમણીય બન્યો છે.
આબોહવા – વનસ્પતિ : આ જિલ્લાની આબોહવા ઉપાર્દ્ર-સંક્રમણ (Sub Humid Transition) પ્રકારની કહી શકાય. જુલાઈ માસનું વાર્ષિક તાપમાન 26 સે. – 41 સે. અને જાન્યુઆરીનું વાર્ષિક તાપમાન 9 સે. – 24 સે. જેટલું રહે છે. વાર્ષિક વરસાદ 1000–2000 મિમી. જેટલો પડે છે.
અહીં મોટે ભાગે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જોવા મળે છે. જે મોસમી જંગલો તરીકે પણ ઓળખાય છે. અહીંનાં જંગલોમાં સાગ, સાલ, સીસમ, ચંદન, ખેર, રોઝવુડ, કુસુમ વગેરે વૃક્ષો જોવા મળે છે. જંગલોનું પ્રમાણમાં વધારે દોહન (શોષણ) થયું છે.
અર્થતંત્ર : અહીંની જમીન ફળદ્રૂપ-કાંપની બનેલી હોવાથી ખેતીકીય પ્રવૃત્તિ મહત્તમ જોવા મળે છે. આ જમીનમાં ધાન્ય પાકો તરીકે ડાંગર, ઘઉં, જવ, મકાઈ અને કઠોળ મુખ્ય છે. રોકડિયા પાકોમાં શણ, તમાકુ, તેલીબિયાં, શેરડી, કેળાંની ખેતી થાય છે. ખેતીકીય સમૃદ્ધિને કારણે પશુપાલન મોટા પાયા પર થાય છે. અહીંનાં પશુઓ કદમાં નાનાં અને નબળાં જોવા મળે છે. આ પશુપાલન પ્રવૃત્તિ ખેતી સાથે જ સંકળાયેલી છે. આ પ્રવૃત્તિને કારણે અહીં મોટે ભાગે ડેરીપેદાશો, માંસઉદ્યોગ અને ચર્મઉદ્યોગ વધુ પ્રમાણમાં વિકસ્યો છે. નદીઓનું જળ જથ્થાની દૃષ્ટિએ સમૃદ્ધ હોવાથી મીઠા પાણીનો મત્સ્યઉદ્યોગ પણ વિકસ્યો છે. આ જિલ્લામાં ડાંગર છડવાની અને શણની મિલો વધુ આવેલી છે. ખાંડનાં કારખાનાં અને તેલની મિલો આવેલી છે. ખેતીનાં યંત્રો તેમજ તેના પુરજા બનાવવાનો ઉદ્યોગ પણ જોવા મળે છે.
અહીં બ્રૉડગેજ રેલમાર્ગ, રાષ્ટ્રીય ધોરી માર્ગો અને રાજ્યના ધોરી માર્ગોની સુલભતા રહેલી છે. મુખ્ય રેલમાર્ગમાં બરૌની–કટિહાર, સારસા–પૂર્ણિયા અને બરૌની–ગુઆહાટી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગોમાં 27, 31, 231 અને 131/A છે. રાજ્ય પરિવહનની બસો, ખાનગી બસો પણ ઉપલબ્ધ છે.
વસ્તી : આ જિલ્લાની વસ્તી (2011 મુજબ) 32,64,619 છે. વસ્તીગીચતા એક ચો.કિમી.એ 1014 જેટલી છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 930 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 58.23% છે. 10.51% લોકો શહેરોમાં વસે છે. પછાત જાતિ અને આદિવાસી વસ્તીની ટકાવારી અનુક્રમે 11.98% અને 4.27% છે. અહીં હિન્દુઓની વસ્તી 60.94% જ્યારે મુસ્લિમોની વસ્તી 38.46% છે. અહીં બોલાતી ભાષામાં હિન્દી 33.68%, ઉર્દૂ 18.62%, મિશ્ર હિન્દી 18.53%, મૈથિલી 10.72%, સુરજપુરી 8.73%, બંગાળી 4.51%, સનતાલી 2.50% જ્યારે અન્ય 2.71% છે.
ઇતિહાસ : પૂર્ણિયા જે મિથિલા રાજ્યનો એક ભાગ હતો. ઇન્ડો–આર્યન લોકોએ મિથિલા રાજ્યની સ્થાપના કરી હતી. વેદિક સમયગાળામાં (1100–500 બી.સી.) તેણે રાજકીય અને સાંસ્કૃતિક દૃષ્ટિએ આગવું સ્થાન મેળવ્યું હતું. વિદેહા રાજ્ય તે સમયે જનક (Janaka) તરીકે ઓળખાતું. ત્યારબાદ વૈશાલી શહેર મિથિલા તરીકે પણ ઓળખાતું હતું. મુઘલ સામ્રાજ્યમાં પૂર્ણિયા એક લશ્કરીમથક બન્યું હતું. 1763માં બ્રિટિશરોના સમયમાં પૂર્ણિયા બંગાળનું મુખ્ય મથક બન્યું હતું. રામકૃષ્ણ મિશન દ્વારા ઑક્ટોબર માસમાં અહીં ‘દુર્ગાપૂજા’નો મહોત્સવ ઊજવાય છે.
પૂર્ણિયા (શહેર) : આ શહેર બિહાર રાજ્યમાં વસ્તીની દૃષ્ટિએ ચોથો ક્રમ ધરાવે છે.
તે 25 77´ ઉ. અ. અને 87 48´ પૂ. રે. પર સ્થિત છે. કાંપમાટીના પ્રદેશમાં તે કોની ફરસનાં વૃક્ષોથી ઘેરાયેલો છે. આ શહેરની પશ્ચિમે કારી કોસી નદી, પૂર્વે સારા નદી વહે છે. આ બધી નદીઓ કોસી નદીની શાખા નદીઓ છે.
આ શહેરની આબોહવા જીવન જીવવા માટે સાનુકૂળ છે. આથી તે ‘Mini Darjeeling’ તરીકે જાણીતું બન્યું છે. અહીંની આબોહવા ભેજવાળી છે. મોટે ભાગે વાતાવરણમાં 70% ભેજ રહે છે. પરિણામે બિહારમાં સૌથી વધુ વરસાદની માત્રા અહીં રહે છે. નવેમ્બરથી ફેબ્રુઆરી માસમાં શિયાળો વર્તાય છે. આ સમયગાળામાં તાપમાન 5 સે.થી 10 સે. રહે છે. માર્ચથી જૂન માસમાં ઉનાળાનો અનુભવ થાય છે. આ સમયગાળામાં તાપમાન 32 સે.થી 35 સે. રહે છે. બંગાળના અખાતમાં હળવા દબાણનાં કેન્દ્રો નિર્માણ થતાં ચક્રવાત નિર્માણ થાય છે. તે સમયે ભારે વરસાદનો અનુભવ થાય છે. આથી વર્ષનો 82% વરસાદ આ સમયગાળામાં પ્રાપ્ત થાય છે.
પૂર્ણિયા જિલ્લાનું મુખ્ય શહેર છે. પરિણામે તે ખેતપેદાશોનું ખરીદ-વેચાણનું મુખ્ય મથક બન્યું છે. અહીં ડાંગર છડવાની મિલો અને શણની મિલો વધુ આવેલી છે. સમયની સાથે અહીં નવા નવા ઉદ્યોગો ઊભા થઈ રહ્યા છે જેમાં ઑટોમોબાઇલ ક્ષેત્રે નવા એકમો ઊભા થયા છે. રસાયણો, ખાતર, દવાઓની ફૅક્ટરીઓ સ્થપાઈ છે. આ શહેરના ગુલબાગ, ખુશ્કીબાગ, લાઇન બજાર, ભુતાન બજાર, મધુબની બજાર વગેરે વિસ્તારોમાં નાનામોટા એકમો ઊભા થયા છે.
આ શહેરનો વિકાસ ત્યાંની પરિવહનની સુવિધાને આભારી છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગો 31, 27, 231, 131/A પસાર થાય છે. આ માર્ગોની સહાયથી પડોશી શહેરો, જિલ્લા અને અન્ય રાજ્યો સાથે સંપર્ક થઈ શકે છે જેમાં દરભંગા, મુઝફરપુર, પટના વગેરે શહેરો મુખ્ય છે.
આ શહેરમાં બે રેલવેજંકશન આવેલાં છે : 1. પૂર્ણિયા જંકશન, 2. પૂર્ણિયા કોર્ટ. પૂર્ણિયા જંકશન નૉર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવે વિભાગ સાથે સંકળાયેલ છે. જેમાં બરૌની–કટિહાર, સાહરસા અને પૂર્ણિયા વિભાગ અને ઈસ્ટ સેન્ટ્રલ રેલવે ઝોન જેમાં કટિહાર જંકશન, જોગબની, સાહરસા જંકશન અને બરૌની જંકશન વિભાગનો સમાવેશ થાય છે.
પૂર્ણિયા ખાતે હવાઈ મથક આવેલું છે. જે ચુનપુર હવાઈ મથક તરીકે ઓળખાય છે. જે લશ્કરનું હવાઈ મથક છે. નાગરિકો ઉપયોગ કરી શકે તેવું નજીકનું હવાઈ મથક બાગદોગરા હવાઈ મથક છે. જે આશરે 150 કિમી. દૂર છે. જ્યારે પૂર્ણિયાથી દરભંગા હવાઈ મથક 231 કિમી. દૂર છે. જયપ્રકાશ નારાયણ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પટના ખાતે આવેલું છે. જે પૂર્ણિયાથી 310 કિમી. દૂર છે.
આ મેટ્રો શહેરનો વિસ્તાર 92 ચો.કિમી. છે. સમુદ્રની સપાટીથી તે 36 મીટર જેટલી ઊંચાઈએ આવેલું છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 4,96,830 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 906 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 73.02% છે. આ શહેરમાં બોલાતી મુખ્ય ભાષામાં હિન્દી, ઉર્દૂ અને બંગાળી છે. આ સિવાય સૂરજપુરી અને શાન્તલી છે. અંગ્રેજી માધ્યમની શાળામાં વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા બોલે છે.
ઉત્તર બિહારમાં પૂર્ણિયા શૈક્ષણિક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. ઈ. સ. 1800ના વર્ષમાં ઝીલા સ્કૂલની સ્થાપના બ્રિટિશરોએ કરી હતી. જે આ શહેરની સૌથી જૂની શાળા ગણાય છે. કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત જવાહર નવોદ્યાય વિદ્યાલય, વિદ્યાવિહાર વસાહતી શાળા, જ્યારે ખૂબ જાણીતી શાળા, જી. ડી. ગોએન્કા પબ્લિક શાળા અહીં આવેલી છે. આ સિવાય કેન્દ્રીય વિદ્યાલયો પણ આવેલાં છે.
અંગ્રેજી અને હિન્દી માધ્યમની 18 શાળાઓ આવેલી છે. જેમાં અંગ્રેજી માધ્યમની શાળાનું પ્રમાણ અધિક છે. ઉચ્ચશિક્ષણના સંદર્ભનાં એન્જિનિયરિંગ, લૉ, આર્ટ્સ, હોમ સાયન્સ, મેડિકલ, પોલિટૅકનિક જેવા વિભાગની કૉલેજો આવેલી છે. જે સરકાર માન્ય યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે. આ સિવાય આર્યભટ્ટ નૉલેજ યુનિવર્સિટી, બિહાર ઍગ્રિકલ્ચર યુનિવર્સિટી અને પૂર્ણિયા યુનિવર્સિટી પણ આવેલી છે. પટના પછી મોટી ભારતીય રેડક્રૉસ સોસાયટીની બ્લડબૅન્ક અહીં આવેલી છે. અહીં ભારતીય આર્મી, ભારતીય ઍરફોર્સ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસફોર્સના ત્રણ વિભાગો, બી.એસ.એફ અને ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ વિભાગો આવેલા છે.
પૂર્ણિયા ખાતે આવેલાં ધાર્મિક સ્થળોમાં પૂરનદેવી મંદિર, સીટી કાલી બારી, માતા સ્થાન, પંચમુખીમંદિર, આસ્થામંદિર, પ્રહલ્લા સ્તંભ, કામખ્યામંદિર ધીમા શિવમંદિર વગેરેનો સમાવેશ કરી શકાય.
સંસ્કૃત શબ્દ પૂર્ણા–અરણ્યા એટલે કે સંપૂર્ણ જંગલ એવો અર્થ થાય. પૂર્ણિયા શબ્દ Purnia or Lotus થાય. એમ માનવામાં આવે છે કે કોસી અને મહાનંદા નદીમાં કમળનું વાવેતર વધુ થતું હતું.
17મી સદીમાં બ્રિટિશરોનું પ્રભુત્વ વધ્યું હતું. યુરોપમાંથી ઘણા લોકો અહીં આવીને વસ્યા હતા. તે સમયે આ વિસ્તાર સંપૂર્ણ જંગલ સ્વરૂપે હતો. યુરોપિયનોએ સૌપ્રથમ સારા નદીને કિનારે વસાહતો ઊભી કરી હતી. આજે આ વિસ્તાર રામબાગ તરીકે ઓળખાય છે. આ સારા નદીને કિનારે બ્રિટિશરોએ પોતાનું લશ્કરી થાણું-‘કોઠી’ સ્થાપી હતી. ઍલેક્ઝાન્ડર જ્હૉન ફોર્બસ અને પાલમેર (Palmer) જાણીતા યુરોપિયન જમીનદાર બન્યા હતા. 1890માં ઍલેક્ઝાન્ડર જ્હૉન ફોર્બસ અને તેનાં પત્ની મલેરિયાના રોગને કારણે મૃત્યુ પામતાં આ શણ પકવતી ભૂમિ જે. કે. સિંઘાનિયાએ વેચી દીધી હતી. બીજા જમીનદાર પાલમેર કે જેણે સારા નદીમાં આવતા પૂર સામે રક્ષણ મળે તે માટે એક બંધ બાંધ્યો હતો જે આજે ‘પાલમેર ડૅમ’ તરીકે ઓળખાય છે. અંગ્રેજ અધિકારી જ્હૉન કેલીએ સૌપ્રથમ ગળી(Indigo)ની ખેતીનો પ્રારંભ કર્યો હતો. આમ અંગ્રેજોને કારણે અહીં વસાહતો ઊભી થઈ.
ગિરીશ ભટ્ટ
નીતિન કોઠારી