પુહઇચંદચરિય (પૃથ્વીચંદ્રચરિત્ર) : ગદ્યપદ્યાત્મક પ્રાકૃત ભાષાનિબદ્ધ જૈન ધર્મકથાનો ગ્રંથ. આ ગ્રંથના રચયિતા શ્વેતાંબર જૈન આચાર્ય શાન્તિસૂરિ (1104) છે. એમની ગુરુપરંપરામાં ચંદ્રકુલીન સર્વદેવસૂરિ દાદાગુરુ, નેમિચન્દ્રસૂરિ ગુરુ હતા. આ કૃતિને પં. મુનિશ્રી રમણીકવિજયજીએ સંપાદિત કરી છે તથા તેની પ્રસ્તાવના વગેરે પં. અમૃતલાલ મોહનલાલ ભોજકે તૈયાર કરી છે. આ ગ્રંથ પ્રાકૃત ગ્રંથ પરિષદ, અમદાવાદ દ્વારા ઈ. સ. 1972માં પ્રકાશિત થયો છે.
પ્રસ્તાવનામાં પંડિત અમૃતલાલ ભોજકે ખાસ નોંધ્યું છે કે સમગ્ર પ્રાકૃત કથાચરિત્રોમાં આ કૃતિનું પોતાનું આગવું મહત્વ છે, કારણ કે આની રચના પછી વાચન-અભ્યાસ-વ્યાખ્યાન વગેરેની દૃષ્ટિએ આનો પ્રચાર-પ્રસાર પણ વિદ્વાનો અને શ્રોતાઓમાં ખૂબ થયો અને વિ.સં.ની ઓગણીસમી સદી સુધીમાં જૈન વિદ્વાનોએ આ ગ્રંથના કથાવસ્તુને કેન્દ્રમાં રાખીને સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં વિવિધ ચરિત્રકૃતિઓની રચના કરી છે. આવી બીજી ચાર સંસ્કૃત કૃતિઓ અને ત્રણ ગુજરાતી કૃતિઓ જાણીતી છે; જેમ કે, જયસાગરગણિ, રત્નાકરગણિ, રૂપવિજયગણિ, લાધા શાહ – આ ચારનાં પૃથ્વીચંદ્રચરિત્રો, ભાનુચંદ્રવાચક તથા અજ્ઞાતકર્તૃક બે પૃથ્વીચંદ્રરાસ અને જીવવિજયકૃત પુહઇચંદસજ્ઝાય.
આ ચરિત્ર એક જૈન પૌરાણિક કથા છે. એમાં કુલ અગિયાર પ્રકરણો છે, જેમને ‘ભવ’ કહ્યા છે; કારણ કે દરેક ભવમાં પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના અગિયાર પૂર્વજન્મોમાંના એક એક જન્મનું ક્રમાનુસાર નિરૂપણ છે. અગિયારમા ભવમાં રાજપુત્ર પૃથ્વીચંદ્ર અને શ્રેષ્ઠીપુત્ર ગુણસાગર મોક્ષપ્રાપ્તિ કરે છે; તેથી તે તેમનો છેલ્લો જન્મ છે. એની પૂર્વેના ભવોમાં તેઓ શંખરાજા અને કલાવતી રાણી, કમલસેન રાજા અને ગુણસેના રાણી, દેવસિંહ રાજા અને કનકસુંદરી રાણી, દેવરથ રાજા અને રત્નાવલી રાણી, પૂર્ણચંદ્ર રાજા અને પુષ્પસુંદરી રાણી, સૂરસેન રાજા અને મુક્તાવલી રાણી, પદ્મોત્તર રાજા અને હરિવેગ રાજા, ગિરિસુંદર રાજા અને રત્નસાર યુવરાજ, કનકધ્વજ રાજા અને જયસુંદર યુવરાજ, કુસુમાયુધ રાજા અને કુસુમકેતુ રાજકુમાર (પિતાપુત્ર) તરીકે જન્મેલ હોય છે.
આ ગ્રંથની રચનાશૈલી પ્રાસાદિક અને પ્રૌઢ છે. તત્કાલીન વિવિધ રુચિવાળા વાચક અને શ્રોતાઓના રસને જાળવી રાખનારાં પ્રસંગનિરૂપણો અને વિવિધ વર્ણનો આ ગ્રંથને વિશિષ્ટતા અપાવે છે. દેશ, પર્વત, નગર, ઋતુ, ઉદ્યાન, વિરહ, નાયક-નાયિકા વગેરેના સંબંધમાં આવતાં વર્ણનો; અનેક સ્થાનોમાં યોજેલા સભંગ શ્લેષ, ઉપમા, ઉત્પ્રેક્ષા, વિરોધાભાસ, ગૃહીતમુક્તપદ વગેરે વિવિધ અલંકારો; નાયક-નાયિકા અને મિત્રો કે સખીઓના વાગ્વિનોદો, પ્રહેલિકાઓ તેમજ પદ્યશૈલીમાં રચેલા અનેક ગદ્યસંદર્ભોની રચના એટલી બધી પ્રૌઢ છે કે એમને સમજવા ઘણી વાર પ્રાકૃત ભાષાના અચ્છામાં અચ્છા અભ્યાસીઓને પણ બુદ્ધિ કસવી પડે છે. આ સિવાયનો શેષ કથાભાગ પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ માટે સુગમ છે; તેથી ભાષા તથા શૈલીના વૈવિધ્યની દૃષ્ટિએ આ કૃતિ ખૂબ ઉપયોગી છે.
આ ગ્રંથમાંના પાંડિત્યપૂર્ણ સંદર્ભો તથા અપરિચિત કે અલ્પપરિચિત દેશ્ય શબ્દોનો અર્થ સમજવા માટે આ ચરિત્રગ્રંથ પર પ્રમાણમાં નાની પણ અત્યંત મહત્વપૂર્ણ બે વ્યાખ્યાઓની રચના થઈ છે : મુનિ કનકચંદ્ર (1170) રચિત ‘પૃથ્વીચંદ્રચરિત્રટિપ્પન’ અને આચાર્ય રત્નપ્રભસૂરિકૃત ‘પૃથ્વીચંદ્રચરિત્રસંકેત’.
જૈન કથાચરિત્રોમાં સામાન્ય રીતે જે રૂઢિ છે તે મુજબ ‘પૃથ્વીચંદ્રચરિત્ર’માં પણ અનેક સ્થાનોમાં ભવ-વૈરાગ્ય માટે સાંસારિક પૌદગલિક સુખોની અસારતા ખૂબ અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. સાથે સાથે સાંસારિક ભાવો અને રસવર્ણનોનું નિરૂપણ પણ પ્રભાવક રીતે કર્યું છે. આત્મકલ્યાણ માટેના તેમજ ગૃહસ્થજીવનના વ્યવહારમાં અનેક પ્રકારના સુસંસ્કારોની પ્રેરણા આપી શકે તે રીતે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અથવા મર્યાદિત પરિગ્રહ વગેરે વ્રતોના ઉપદેશોથી અને વ્યાવહારિક નીતિને અનુલક્ષતાં, પ્રસંગોપાત્ત આપેલાં સુભાષિતો અને ઉક્તિઓથી કૃતિની ઉપયોગિતા અને મધુરતા વધી છે. વળી એમાં અન્તરકથાઓ – અવાન્તર કથાઓ તેમજ પૂર્વભવકથાઓ પણ અનેક છે.
નારાયણ કંસારા