પુસ્તકાલય : પુસ્તકપ્રવૃત્તિ અંગેનું ગુજરાતનું 75 વર્ષ જૂનું સામયિક. જીવનઘડતર અને સમાજઘડતર માટે પુસ્તક અત્યંત મહત્વનું છે એવી માન્યતા ધરાવતા પુસ્તકાલય-પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ ન. અમીનની પ્રેરણાથી વડોદરામાં 1923માં ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડની સ્થાપના કરવામાં આવી.

ગુજરાતમાં પુસ્તકાલય-પ્રવૃત્તિના પ્રણેતા શ્રી મોતીભાઈ અમીન

એ સમયે પ્રજા નિરક્ષરતા, અબુધતા, અજ્ઞાન, અનારોગ્ય, કુરિવાજો અને ખોટા વહેમોમાં ફસાયેલી હતી. તેમને શિક્ષણ અને સંસ્કારનો પ્રકાશ મળે એ ભાવનાથી મોતીભાઈ ન. અમીન દ્વારા ગામેગામ સાર્વજનિક પુસ્તકાલયો સ્થપાતાં ગયાં.

જનતા પુસ્તકો વાંચતી થાય, તેમનું મહત્વ સમજે, રાજ્યમાં પુસ્તકાલય-પ્રવૃત્તિ અંગે તથા પુસ્તકો અંગે જરૂરી માર્ગદર્શન મળે એ હેતુને ધ્યાનમાં લઈ 1924માં ગુજરાત પુસ્તકાલય સ. સ. મંડળ લિ.નું મુખપત્ર ‘પુસ્તકાલય’ માસિક શરૂ કરવામાં આવ્યું, જેને 2099માં પંચાણુ વર્ષ થયાં છે.

‘પુસ્તકાલય’ માસિક દ્વારા જ્ઞાનબોધનું સંસ્કારપ્રેરક સાહિત્ય પીરસાય છે. તે ઉપરાંત પુસ્તકાલયો અને પુસ્તકપ્રેમી પ્રજા સાહિત્ય-જગતથી તથા સાહિત્યિક પ્રવૃત્તિઓથી વાકેફ રહે એ માટે તેમાં સાહિત્યજગત અંગેના દેશવિદેશના સમાચારો પણ આપવામાં આવે છે. કયું પુસ્તક વાંચવા જેવું છે એની સમજણ ગ્રંથપાલો તથા વાચકપ્રેમીઓને મળી રહે એ માટે આ માસિકમાં નવાં પ્રગટ થતાં પુસ્તકોનાં અવલોકનો આપવામાં આવે છે. વળી તેમાં જાહેર ગ્રંથાલયો અંગેના પ્રશ્નોની છણાવટ પણ કરવામાં આવે છે.

આ માસિકના તંત્રી તરીકે (1) 1925-1926 દરમિયાન નાનાભાઈ ચંદ્રશેખર દીવાનજીએ, (2) 1927થી 1929 અને 1959થી 1968 સુધી શંકરભાઈ પટેલે, (3) 1931થી 1932 મૂળશંકર સો. ભટ્ટે, (4) 1932થી 1938 નાજુકલાલ ચોકસીએ, (5) 1939થી 1957 મણિલાલ પ્ર. વ્યાસે, (6) 1957થી 1959 ચીમનભાઈ દેસાઈએ, (7) 1969થી 1981 હીરુભાઈ ભાવસારે, (8) 1981થી 1986 કિરીટભાઈ પંડ્યાએ, (9) 1987થી 1988 અવિનાશ મણિયારે અને (10) 1988થી 1997 સુધી મનુભાઈ ભટ્ટે કામગીરી સંભાળી હતી અને 1998થી શ્રીમતી કુંતીબહેન ભાવસાર તંત્રી તરીકેની કામગીરી સંભાળી રહ્યાં છે.

છેલ્લાં 25 વર્ષથી ગુજરાત પુસ્તકાલય સ. સ. મંડળ લિ.ના પ્રમુખપદે રહેલા અંબુભાઈ ડી. પટેલના માર્ગદર્શન હેઠળ ‘પુસ્તકાલય’ દિનપ્રતિદિન પ્રગતિ કરતું રહ્યું છે.

મુકુન્દ પ્રા. શાહ