પુંઅરાનો ગઢ : કચ્છમાં ભુજની પશ્ચિમે 20 કિમી. દૂર મંજલ (તા. નખત્રાણા) ગામ પાસે આવેલો ગઢ, જેમાં ખંડિત ગઢની દીવાલો, પુંઅરેશ્વર શિવાલય, ગઢની અંદર વડી મેડી નામે ઓળખાતું સ્થાપત્ય જોઈ શકાય છે.

લાખા ફૂલાણીના ભત્રીજા પુંઅની સત્તા પધર પ્રદેશમાં હતી. કેરાકોટનું નિર્માણ કરનાર સ્થપતિના પુત્રને રા’પુંઅ-એ પધરગઢમાં નિર્માણ-કામ સોંપ્યું. એ સમર્થ સ્થપતિએ ઉચ્ચકોટિના કારીગરો રોકીને પધરગઢ પૂરો કરાવ્યો અને કિલ્લાનું નામ ‘પુંઅરા ગઢ’ રખાવ્યું.

અત્યારે તો ખંડેર હાલતમાં પધરગઢની રાંગ અને અન્ય આલયોનો, નિંઢી મેડી, વડી મેડી, રાજૈનું શિવાલય તથા અન્ય બે શિવસદનો વગેરેનો સમાવેશ થાય છે.

પુંઅરાના ગઢમાં આવેલું વડી મેડી સ્થાપત્ય

પુંઅરેશ્વર તરીકે ઓળખાતું મંદિર પુંઅરાની રાણી રાજૈ માટે બંધાવવામાં આવ્યું હતું. રાજૈ શિવભક્ત હતી. આ પ્રાચીન શિવાલય પશ્ચિમાભિમુખ છે. એના ચાર ખૂણામાં ચાર નાનાં મંદિર હતાં. આ પંચાયતન પ્રકારનું મંદિર હતું. મુખ્ય મંદિર ઊંચી જગતી પર બાંધેલું છે. ગર્ભગૃહ સાદું અને ચોરસ છે. ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ છે. સળંગ સાદી દીવાલો પર શિખર ટેકવેલ છે. શિખર પંચાંડક પ્રકારનું  છે. શિખરનો ઉપલો ભાગ ખંડિત છે. તેના સ્તંભો ઉપર છતને ટેકારૂપ મૂકેલા કીચકો અને કરાલમુખોના ટોડાઓની બાજુમાં જે સુરેખ પુષ્પાકૃતિઓ કંડારી છે તે નોંધપાત્ર છે.

પુંઅરેશ્વર શિવાલય

પુંઅરા ગઢની અંદર ‘વડી મેડી’ તરીકે ઓળખાતું સ્મારક આવેલું છે. તલમાને ઉત્તર-દક્ષિણ 21.20 મી. અને પૂર્વ-પશ્ચિમે 18.85 મી.નું માપ ધરાવે છે. ઊર્ધ્વમાને ભોંયતળિયા ઉપરાંત એક મજલો છે. પુંઅરા ગઢમાં વિશાળ કદ ધરાવતું આ એકમાત્ર સ્થાપત્ય છે. ઉત્તરમાં થોડો ભાગ આગળ વધારી સોપાન કરેલ છે. મંદિરની જગતીની જેમ વેદીબંધ છે. વેદીબંધ ચોતરફથી તૂટી ગયો છે. વેદીબંધમાં ભીટ્ટ, જાડ્યકુંભ, કર્ણક,  આંતરપત્ર, ગ્રાસપટ્ટી, કુંભ, કળશ વગેરે અંગો ષ્ટિગોચર થાય છે. અહીં ચૈત્યબારી તથા કીર્તિમુખનું અલંકરણ નોંધપાત્ર છે. અવશિષ્ટ જગતીની ઊંચાઈ 1.50 મી. છે.

સોપાન-શ્રેણી પસાર કર્યા પછી પૂર્વ અને પશ્ચિમમાં થોડી ખુલ્લી જગ્યા છે. નષ્ટ થયેલ દીવાલોમાં બંને બાજુ ઉદુંબરશિલા છે, જે ત્યાં પ્રવેશદ્વાર હોવાનું પુરવાર કરે છે. મુખ્ય પ્રવેશમાર્ગની સંમુખ એક નાનો ચોક છે. મધ્યના આ ચોકની ત્રણે દિશા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફ થોડે અંતરે ત્રિશાખા પ્રકારની અલંકૃત દ્વારશાખા છે. પૂર્વ અને દક્ષિણ દીવાલની દ્વારશાખાના મધ્યસ્તંભમાં નૃત્ય કરતા તાપસ છે. પૂર્વની દ્વારશાખાના લલાટબિંબમાં ગણેશ-પ્રતિમા છે. અહીં કુલ સાત દ્વાર હોવાનું જણાય છે. હાલ ત્રણ દ્વારશાખા ઊભી છે, જ્યારે બાકીની દ્વારશાખાના ઉદુંબર જ નજરે પડે છે. હાલમાં કુલ 30 સ્તંભ ઊભા છે. ઇમારત બે માળની છે. સ્તંભ તલમાને રુચક અને શીર્ષ વર્તુળાકાર તથા અલંકૃત છે. શીર્ષના મધ્યમાં નીચેના માળે આભૂષણયુક્ત ભારપુત્રકો છે, જ્યારે ઉપરના માળે અલંકૃત પ્રાણીમુખ અને કીચક જોવા મળે છે.

આ સ્થાપત્ય શું હોઈ શકે તે અંગે મતભેદ છે. કેટલાક તેને મહાલય, તો કેટલાક મંદિર, તો કેટલાક શૈવમઠ હોવાની માન્યતા ધરાવે છે. પૂરતા પુરાવાને અભાવે ચોક્કસ  ઓળખ થઈ શકતી નથી.

ગઢ પાસે કકડભિટ્ટ નામે ટેકરી પર જખના અસવાર સહિત ઘોડાની બોતેર મૂર્તિઓ સ્થપાયેલી છે. અહીં જખોનો આ થડો પુરાણી ઈરાની ઢબના ધર્માલયના ઘાટે, ઊંચા અને ખુલ્લા પગથીદાર પડથારની જેમ ચણાયેલો છે. ત્યાં દર વર્ષે ભાદરવા મહિનામાં મોટો મેળો ભરાય છે.

રામજીભાઈ ઠા. સાવલિયા