પુલિંદ : ભારતની મહત્વની આદિમ જાતિ. તે જાતિઓમાં પુલિંદ જાતિ જાણીતી છે. શબરો, આભીરો, પુલ્કસો વગેરેની જેમ એ આર્યેતર જાતિ હતી. આ પુલિંદોનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ(7.92.18)માં મળે છે, જેમાં આંધ્રો, શબરો, પુંડ્રો અને મૂતિબો જેવી સરહદી પ્રદેશોમાં રહેતી દસ્યુ જાતિઓ સાથે તેનો ઉલ્લેખ કરાયો છે. વિશ્વામિત્રના શાપિત પુત્રોમાંથી આવી જાતિઓ વિકસી હોવાનો નિર્દેશ એમાં છે. મહાભારત(12.207.42)માં પુલિંદોને આંધ્રો, ગુહો, શબરો, ચુચુકો અને મદ્રકોની જેમ દાક્ષિણાત્ય કહ્યા છે.
‘મત્સ્યપુરાણ’ (144.46-48) અને ‘વાયુપુરાણ’(45.126)માં એમને દક્ષિણાપથવાસી કહ્યા છે. ત્યાં તેમને વૈદર્ભો, દંડકો વગેરે સાથે ગણાવ્યા છે. ટૉલેમી અનુસાર લાટપ્રદેશની સીમા ઉપર નર્મદાના કાંઠાના પ્રદેશમાં પુલિંદો વસતા હતા. આ પુલિંદો આજના આ વિભાગના ભીલોના પૂર્વજ હોવાનું જણાય છે. યુલે પુલિંદોને કચ્છના અખાતને ઈશાન ખૂણે રહેતા હોવાનું નોંધ્યું છે. અશોકના શૈલલેખ નં.13(પંક્તિ 9)માં યવન, કંબોજ, આંધ્ર, પુલિંદો વગેરે ઉપર અશોકનું શાસન હોવાનું સ્પષ્ટ છે. મહાભારત ભીષ્મપર્વ(10.39)માં चेदिवासा: करुषाश्च भोजा: सिन्धुपुलिन्दका:નો નિર્દેશ છે. આ પુલિંદો કચ્છ-ગુજરાતની ઉત્તર સરહદના ભીલો હોવાનું જણાય છે.
ભારતી શેલત