પુલકેશી (અવનિજનાશ્રય) : નવસારીના ચાલુક્ય વંશનો રાજા. તે ધરાશ્રય-જયસિંહ પછી ઈ. સ. 700ના અરસામાં સત્તા પર આવેલો જણાય છે. એનું કલચુરી સંવત 490(ઈ. સ. 740)નું દાનપત્ર મળ્યું છે. તે પરથી એણે લાંબું રાજ્ય ભોગવ્યું હોવાનું જણાય છે. દાનપત્રમાં ‘પરમ માહેશ્વર’ અને ‘પરમ-ભટ્ટારક’ ગણાતા આ રાજાએ દક્ષિણી બ્રાહ્મણને કાર્મણેય આહાર વિષયમાં એક ગામ દાનમાં આપ્યાની નોંધ છે. પ્રશસ્તિ અનુસાર આ રાજા નાનપણથી જ ગુણવાન હતો, નિત્ય અભ્યુદય પામતો હતો. રાજ્યલક્ષ્મીનો વલ્લભ હતો. એના સમયમાં સિંધના અરબી હાકેમ જુનૈદે સૈંધવ, કચ્છેલ્લ, સૌરાષ્ટ્ર, ચાપોટક, મૌર્ય ગુર્જર વગેરે રાજ્યોને વીંધીને સર્વ દાક્ષિણાત્ય રાજાઓને જીતવાની મહેચ્છાથી દક્ષિણાપથમાં પ્રવેશ કરવાના આરંભ રૂપે નવસારિકા વિષયને જીતવાના હેતુથી હુમલો કર્યો; ત્યારે એ તાજિક (અરબી) સૈન્ય સામે ભીષણ સંગ્રામ ખેલી પુલકેશીએ વિજય મેળવ્યો હતો. આ ઘટના ઈ. સ. 725-26માં બન્યાનું મનાય છે. આ વિજયના ઉપક્રમમાં પુલકેશીને દખ્ખણના ચાલુક્ય રાજાધિરાજ વિક્રમાદિત્ય બીજાએ ‘દક્ષિણાપથસાધારણ’ (દક્ષિણાપથનો આધારસ્તંભ), ‘ચલુક્કિકુલાલંકાર’ (ચાલુક્યકુળનું આભૂષણ), ‘પૃથિવીવલ્લભ’ અને ‘અનિવર્તક-નિવર્તયિતા’ (પાછા નહિ હઠનારને હઠાવનાર) – એવાં 4 અમર નામોથી નવાજ્યો. પુલકેશી અવનિજનાશ્રય ચાલુક્યોની નવસારી શાખાનો છેલ્લો જ્ઞાત રાજા હતો. તેના પછી થોડા સમયમાં નવસારીનું ચાલુક્ય રાજ્ય રાષ્ટ્રકૂટને હાથે અંત પામતું જણાય છે.
પ્રવીણચંદ્ર પરીખ