પુલકેશી-1 : ચાલુક્ય વંશનો પ્રથમ સ્વતંત્ર રાજા. વાતાપી કે બાદામી(જિ. બિજાપુર)ના ચાલુક્ય વંશમાં ઈસુની છઠ્ઠી સદીના આરંભમાં જયસિંહ વલ્લભ નામનો રાજા થયો. એણે રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણના પુત્ર ઇન્દ્રને હરાવી બાદામી ઉપર પોતાની સર્વોપરીતા સ્થાપી. એના પછી એનો પુત્ર રણરાગ એ પ્રદેશનો રાજા બન્યો.

રણરાગનો પુત્ર પુલકેશી-1 ઘણો પરાક્રમી હતો. તેને આ ચાલુક્ય વંશનો સ્થાપક અથવા પ્રથમ સ્વતંત્ર રાજ્યકર્તા ગણવામાં આવે છે. એણે ઈ. સ. 535થી 566 સુધી રાજ્ય કર્યું હતું. ‘પુલકેશી’નો અર્થ ‘વાઘ જેવા વાળવાળો’ થાય છે. તેણે ‘સત્યાશ્રય’ અને ‘રણવિક્રમ’નાં બિરુદો ધારણ કર્યાં હતાં. તે ‘શ્રીપૃથ્વીવલ્લભ’, ‘શ્રીવલ્લભ’ અથવા ‘વલ્લભ’ તરીકે પણ ઓળખાતો હતો. ઈ. સ. 543ના બાદામી અભિલેખમાં એનો ઉલ્લેખ ‘હિરણ્યગર્ભપ્રસૂત’ તરીકે થયો છે. એણે અશ્વમેધ, અગ્નિસ્તોમ, અગ્નિચયન, વાજપેય, બહુસુવર્ણ અને પુંડરીક નામના યજ્ઞો કર્યા હતા એવું એના પુત્ર મંગલેશના અભિલેખોમાં જણાવવામાં આવ્યું છે. પૌરાણિક નાયકો યયાતિ અને દિલીપ સાથે પણ એની સરખામણી કરવામાં આવી છે. એણે બપ્પૂરા (બતપૂરા) પરિવારની સ્ત્રી દુર્લભાદેવી સાથે લગ્ન કર્યાં હતાં. તેનું પાટનગર બાદામી હતું અને અત્યારના બિજાપુર જિલ્લાના પ્રદેશ ઉપર એણે રાજ્ય કર્યું હતું. એણે વાતાપીનો કિલ્લો બાંધવાની શરૂઆત કરી હતી. એ પછીથી વાતાપી રાજ્યનું પાટનગર બન્યું હતું અને આ વંશના રાજાઓ ‘વાતાપીના ચાલુક્યો’ તરીકે ઓળખાયા હતા. પુલકેશી-1 વાતાપીના ચાલુક્ય વંશના સ્થાપક તરીકે પ્રસિદ્ધ છે. 566માં એના અવસાન પછી એનો પુત્ર કીર્તિવર્મન્ ઉર્ફે કીર્તિરાજ રાજા બન્યો. તે પરાક્રમી હતો. તેણે ‘મહારાજા’નું પદ ધારણ કર્યું હતું તથા ઈ. સ. 566થી 597 સુધી રાજ્ય કર્યું હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી