પુરોહિત : યજમાનને શ્રૌત યજ્ઞયાગાદિ અને સ્માર્ત ગૃહ્યકર્મ, 16 સંસ્કારો, શાંતિપુષ્ટિનાં કર્મો અને આભિચારિક અનુષ્ઠાનો કરાવનાર બ્રાહ્મણ. યજમાન વતી પોતે દેવપૂજન કરનારો બ્રાહ્મણ નિમ્ન કક્ષાનો ગણાય છે ‘કાલિકાપુરાણ’ મુજબ કાણો, અંગે ખોડવાળો, અપુત્ર, અનભિજ્ઞ, ઇન્દ્રિયો પર કાબૂ વગરનો, રોગી અને ઠીંગણો માણસ પુરોહિત બની શકે નહીં.

ચાણક્ય અને `કવિકલ્પલતાકાર’ને મતે જે બ્રાહ્મણ હિતકારી, વેદ, વેદાંગ, સ્મૃતિ, તત્વજ્ઞાન, જ્યોતિષ, શુકનશાહ્ા, મંત્ર, તંત્ર વગેરેનો જ્ઞાની હોય; ધાર્મિક વિધિ અને અનુષ્ઠાનોનો જાણકાર હોય; પવિત્ર આચારવાળો, સત્ય બોલનાર, સરળ સ્વભાવનો, જપ અને હોમ કરનાર, યજમાનની દૈવી અને માનુષી આફતોને દૂર કરનાર, આશીર્વાદ આપનાર હોય તે જ પુરોહિત બની શકે. રાજાનો પુરોહિત દંડનીતિ એટલે રાજનીતિ અને ન્યાય આપવામાં કુશળ તથા પ્રાયશ્ચિત્તની શિક્ષા આપનારો હોવો જોઈએ.

વેદોના જમાનામાં તો અગ્નિને આગળ મૂકવામાં આવતો હોવાથી તેને પણ પુરોહિત કહેવામાં આવ્યો છે. વેદકાળમાં પુરોહિત ધર્મકાર્ય કરનાર અને યુદ્ધ કે શાંતિમાં રાજાનો વિશ્વાસુ સહાયક મનાયો હતો. સ્મૃતિકાળમાં દેવમંદિરનો પૂજારી પુરોહિત કહેવાયો. પુરોહિતો દેવોને પોતા થકી અર્પણ કરાયેલી યજમાનની વસ્તુ ગ્રહણ કરતા હોવાથી તેમની સંસ્થા જીવતી તો રહી, પરંતુ તેનું ગૌરવ ઘટ્યું. સ્માર્ત સંસ્કાર અને ગૃહ્યકર્મ કરાવનાર વ્યક્તિને ગોર કહેવામાં આવ્યો અને એ પુરોહિતનું પદ લાયકાત હોય કે ન હોય, પરંતુ વંશપરંપરાગત બની ગયું.

ભગવાન રામના સૂર્યવંશના પુરોહિત ગણાતા વસિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચેનો પુરોહિતપદ માટેનો સંઘર્ષ જાણીતો છે. બે પુરોહિતોની જેમ રાજા અને તેના પુરોહિત વચ્ચે પણ સંઘર્ષ થયાનાં ઉદાહરણો છે. એક પુરોહિત એકથી વધુ રાજાઓનો પુરોહિત હોય તેવા દાખલા પણ છે. દિવોદાસ જેવા રાજાને પુરોહિત ભારદ્વાજે આફતમાંથી બચાવ્યાની વાત પણ ‘પંચવિંશ બ્રાહ્મણ’માં જાણીતી છે. પુરોહિતોએ પોતાના રાજાના રાજ્યમાં આવેલી દૈવી અને માનુષી આફતો દૂર કરવાનું ઉપયોગી કાર્ય કર્યું છે. હાલ પુરોહિતની સંસ્થા આવું જ કાર્ય બજાવવા પ્રયત્ન કરે છે.

કે. કા. શાસ્ત્રી

દશરથલાલ ગૌરીશંકર વેદિયા