પુરોહિત, દેવશંકર નાનાભાઈ (. 1765 આસપાસ, રાંદેર; અ.-) : દક્ષિણ ગુજરાતના એક આલંકારિક. સંસ્કૃત અલંકારગ્રંથ ‘અલંકારમંજૂષા’ના કર્તા. એ કાળનાં ગુજરાતનાં બ્રાહ્મણ ઘરાનાંઓની પરંપરા અનુસાર રામ અને દેવી તારાના ઉપાસક. ‘મંજૂષા’ ઉપરાંત તેમણે મરાઠા સેનાપતિ વિશ્વાસરાયે સિંદખેડ, ઉદગીર તથા પાણિપતનાં યુદ્ધોમાં દાખવેલા શૌર્યને વર્ણવતું ‘વિશ્વાસરાયયુદ્ધવિવરણ’  નામે મહાકાવ્ય તથા પ્રસિદ્ધ ‘અમરુશતક’ ઉપર સંસ્કૃત ટીકા પણ રચી છે. તેમનો ‘અલંકારમંજૂષા’ ગ્રંથ અપ્પય્ય દીક્ષિતના પ્રસિદ્ધ અલંકારગ્રંથ ‘કુવલયાનન્દ’ના અનુકરણમાં રચાયેલો છે. એમાં ડગલે ને પગલે અપ્પય્ય દીક્ષિતના ‘કુવલયાનન્દ’ની ઘેરી છાયાવાળું લખાણ છે. એમાં 115 અલંકારો વ્યાખ્યા તથા ઉદાહરણો સાથે વર્ણવ્યા છે. એમાં 102 અર્થાલંકારો, 4 પ્રમાણાલંકાર, 7 ધ્વન્યલંકાર અને 2 મિશ્રાલંકાર સમાવિષ્ટ છે. અલંકારોની વ્યાખ્યામાં લેખક નવ્યન્યાયની પરિભાષા પ્રયોજે છે. ઉદાહરણો સંભવત: પૂર્ણપણે મૌલિક છે. તથા તેમાં બાજીરાવ પેશવાના વંશજ માધવરાવ પહેલા (1761-72) તથા નારાયણરાવ તેમજ તેમના કાકા રઘુનાથરાવ(રાઘોબા)ની સ્તુતિ-પ્રશસ્તિ છે. એ રીતે આ ગ્રંથ ‘યશોભૂષણ’ ગ્રંથોની પરંપરાનો છે અને માધવરાવ અને રાઘોબા 1761થી 68 સુધી સાથે હતા તેથી તે કાળ દરમિયાન તે રચાયો જણાય છે. તે કાળે ગુજરાતમાં મરાઠાઓની આણ હતી. શિવાજીના કાળથી મરાઠાઓ સંસ્કૃત વિદ્વાનોના આશ્રયદાતા હતા. દેવશંકરને પણ કોઈક પ્રકારનો રાજ્યાશ્રય મળ્યો હોવો જોઈએ. નવ્યન્યાય ઉપરાંત તેઓ વ્યાકરણના પણ અચ્છા વિદ્વાન જણાય છે. કત્રે દ્વારા સંપાદિત ‘અલંકારમંજૂષા’ની એકમાત્ર આવૃત્તિ ઉજ્જૈનમાંથી ‘સિંધિયા ઓરિયેન્ટલ સિરીઝ’ અન્વયે 1940માં પ્રકાશિત થયેલી.

શ્વેતા પ્રજાપતિ