પુરોડાશ : વૈદિક યજ્ઞોમાં દેવની આગળ મૂકવામાં આવતો હવિ. પોતાના પર કૃપા કરવા નિમંત્રાયેલા દેવને ખુશ કરવા તેમની સામે આ હવિ મૂકવામાં આવતો હોવાથી તેને ‘પુરોડાશ’ કહેવામાં આવે છે. મુખ્યત્વે પુરોડાશ જવ કે ચોખા ખાંડીને બનાવેલા લોટને બાંધીને બે હાથ વડે દબાવી રોટલો બનાવવામાં આવે છે. આ રોટલો આકારમાં લંબગોળ અને વચલા ભાગમાં થોડો ઊપસેલો હોય છે. રાજસ્થાનમાં જે બાટી હાલ બનાવવામાં આવે છે તેના જેવો પુરોડાશ હોય છે. પુરોડાશને ‘કપાલ’ એવા નામથી ઓળખાતા પાત્રમાં મૂકી શેકવામાં આવે છે. જુદા જુદા દેવને જુદી જુદી સંખ્યાના કપાલનો પુરોડાશ યથાદેવ મંત્ર બોલીને આહુતિમાં આપવામાં આવે છે. માગશર માસની પૂનમથી વૈશાખ માસની પૂનમ સુધી ચોખાના લોટનો પુરોડાશ બનાવવામાં આવે છે. બાકીના 6 માસ જવના લોટનો પુરોડાશ બનાવવામાં આવે છે. ‘પુરોડાશ’ શબ્દનો આ અર્થ મુખ્ય છે. તદુપરાંત, ‘પુરોડાશ’ શબ્દના ગૌણ અર્થો પણ છે : (1) યજ્ઞમાં હોમતાં વધેલો હવિ, (2) યજ્ઞમાં હવિ તરીકે અપાતો સોમરસ, (3) યજ્ઞમાં હોમવામાં આવતું ઘી, (4) યજ્ઞમાં અપાતો પ્રસાદ, (5) શેકેલો લોટ અને (6) યજ્ઞમાં હવિ તરીકે અપાતી દહીં, મધ વગેરે સામગ્રી.

પ્ર. ઉ. શાસ્ત્રી