પુરુષપુર (પેશાવર) : ભારતની વાયવ્ય સરહદે આવેલું શહેર. ઈ. સ.ની પ્રથમ સદીમાં થઈ ગયેલ કુષાણ વંશના મહાન પ્રતાપી સમ્રાટ કનિષ્ક પહેલાની તે રાજધાની હતી. ચીની પ્રવાસીઓ ફાહિયાન, સુંગ યુન અને હ્યુએન સંગના જણાવવા મુજબ કનિષ્કે ત્યાં 183 મી. ઊંચો સ્તૂપ બંધાવ્યો હતો. તેમણે તે સ્તૂપની ભવ્યતાનું વર્ણન કર્યું છે.
બુદ્ધના અવશેષોના સ્થાન પર કનિષ્કે બંધાવેલ સ્તૂપ (પેગોડા) સમગ્ર એશિયામાં પ્રસિદ્ધ છે. પ્રાચીન બૌદ્ધ ધર્મના અવશેષો વાયવ્ય સરહદ પ્રાંતનાં વિવિધ સ્થળોએથી મળી આવ્યા છે. તે નમૂના પેશાવરના સંગ્રહાલયમાં રાખવામાં આવ્યા છે. પેશાવરની આસપાસના પ્રદેશમાં સ્તૂપોના અનેક અવશેષો મળી આવે છે.
જયકુમાર ર. શુક્લ