પુરુષ : સાંખ્ય મતે જગતમાં રહેલું એકમાત્ર ચેતન તત્વ (આત્મા). સાંખ્ય દર્શન સૃષ્ટિની ઉત્પત્તિ અને તેના સ્વરૂપના સંદર્ભે પરસ્પરથી ભિન્ન એવાં બે સ્વતંત્ર તત્ત્વોનો સ્વીકાર કરે છે. દૃશ્યમાન જગતનું મૂળ કારણ એવી પ્રકૃતિ અને એનો સાક્ષી તેવો પુરુષ. પ્રકૃતિ સત્વ, રજસ અને તમસ  એ ત્રણ ગુણોની સામ્યાવસ્થા છે. તે અચેતન છે. સ્વયં કંઈ કરી શકતી નથી. ચેતન એવા પુરુષના સંયોગથી તે ક્ષોભ પામે છે અને તેથી સૃષ્ટિસર્જન શક્ય બને છે; એટલું જ નહિ, પણ સમગ્ર સૃષ્ટિવ્યાપારની પાછળ પ્રકૃતિનું ચોક્કસ પ્રયોજન છે  ભોગ અને અપવર્ગ એટલે કે મોક્ષનું. પુરુષ ખાતર જ પ્રકૃતિ સર્ગવ્યાપારની પ્રક્રિયામાં રમમાણ રહે છે.

પ્રકૃતિ અને તેની સૃષ્ટિ વાસ્તવિક અને વસ્તુલક્ષી છે. વસ્તુલક્ષિતા એ સાપેક્ષ વિભાવના છે. તે પોતાનાથી પર એવા કોઈ અન્યની અપેક્ષા રાખે છે અને તે અન્ય તે જ પુરુષ છે. પુરુષ પ્રકૃતિથી નિતાન્ત વિપરીત છે. તે કેવળ ચૈતન્ય છે, નિર્ગુણ અને વિવેકી છે. પ્રકૃતિ પ્રસવધર્મા છે તો પુરુષ અપ્રસવધર્મી છે. પ્રકૃતિ પરિણમનશીલ છે તો પુરુષ અવિકારી છે. પ્રકૃતિની લીલાનો તે માત્ર સાક્ષી છે. તે કેવળ તે જ છે. આવા પુરુષનું પ્રતિબિંબ પ્રકૃતિમાં પડે છે; તેથી તે ચંચળ થઈ વિકાર પામવા લાગે છે. પ્રકૃતિનું પ્રથમ આવિર્ભૂત તત્વ બુદ્ધિ છે. પુરુષસંયોગે જડબુદ્ધિ પ્રકાશિત થાય છે. ચેતનવત્ લાગતી બુદ્ધિ જ પછી ક્રિયાવતી બને છે. માનવજ્ઞાનના સર્વ પ્રકારો આ રીતે પુરુષના કારણે જ શક્ય બને છે. સર્વ જ્ઞાનની સિદ્ધિ અને શક્યતા અર્થે પુરુષનું અસ્તિત્વ એ પૂર્વશરત છે. સાંખ્ય દર્શન પુરુષના અસ્તિત્વને સિદ્ધ કરતી 5 દલીલો આપે છે : (1) સંઘાત(સમૂહ)ની રચના, તેનાથી કોઈ ભિન્ન  ઇતર તત્વ માટે જ હોય છે, તેથી 24 તત્ત્વોના સંઘાતવાળી પ્રકૃતિ પણ તેનાથી ભિન્ન એવા પુરુષ માટે છે. (2) ત્રિગુણાત્મક પ્રકૃતિથી ભિન્ન એવું એક નિર્ગુણ તત્વ પણ હોવું જોઈએ, તે પુરુષ છે. (3) અધિષ્ઠાન હોવાથી અને (4) ભોક્તા હોવાથી પણ પ્રકૃતિથી ભિન્ન એવો પુરુષ અવશ્ય છે અને (5) કૈવલ્ય કે મોક્ષ માટે પ્રવૃત્તિ થતી હોવાથી  તેનું લક્ષ્ય પણ પુરુષ જ છે.

સાંખ્ય મતે પુરુષ એક નથી, પણ અનેક છે. સર્વે પુરુષો અનંત, અવિકારી, સર્વવ્યાપી અને નિત્ય છે. પુરુષબહુત્વના સમર્થનમાં સાંખ્યકારિકાની દલીલો આ પ્રમાણે છે : જન્મ, મરણ, જ્ઞાન વગેરે બાબતોમાં ભિન્ન ભિન્ન વ્યક્તિઓ વચ્ચે તફાવત હોય છે, જીવોમાં એકીસાથે એક જ પ્રવૃત્તિ જોવા મળતી નથી અને જીવોમાં તારતમ્ય જોવા મળે છે; તેથી પુરુષો અનેક છે. પરંતુ પુરુષો અનેક હોય તો એક પુરુષથી બીજાને જુદો પાડતું કયું વ્યાવર્તક લક્ષણ છે તે અંગે સાંખ્ય કોઈ સ્પષ્ટ ખુલાસો આપી શકતું નથી, જે તેની મર્યાદા છે. એ મર્યાદા ઉપાધિભેદના સિદ્ધાંતથી વેદાન્તે સુધારી લીધી છે. બુદ્ધિ વગેરેના વ્યાપારથી પુરુષમાં કર્તાપણાનો આભાસ થતાં પુરુષને દુ:ખ, બંધન વગેરેનો અનુભવ થતો લાગે છે; પરંતુ વિવેકથી જ્યારે પુરુષ પોતે પ્રકૃતિથી નિરાળો છે એવું જ્ઞાન થાય છે ત્યારે તે શુદ્ધ ચૈતન્યરૂપે પ્રકાશી ઊઠે છે અને તે અવસ્થા જ કૈવલ્ય કે મોક્ષ છે. આમ વેદાન્તમાં જે આત્મા છે તેને જ સાંખ્યમાં પુરુષ કહે છે.

વસંત પરીખ