પુરુલિયા : પશ્ચિમ બંગાળ રાજ્યની પશ્ચિમ તરફ આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. આ જિલ્લાની રચના 1956માં કરવામાં આવેલી છે. આ જિલ્લાની ઉત્તરે બિહાર રાજ્યના ધનબાદ અને ગિરિદિહ જિલ્લા, પૂર્વમાં પશ્ચિમ બંગાળ રાજ્યનો બાંકુરા જિલ્લો તથા દક્ષિણે અને પશ્ચિમે બિહાર રાજ્યના ચૈબાસા અને રાંચી જિલ્લા આવેલા છે. આ જિલ્લાનો વિસ્તાર 6,259 ચોકિમી. જેટલો છે. આ જિલ્લાનું ભૂપૃષ્ઠ અસમતળ મેદાની પ્રદેશથી બનેલું છે. તેની પશ્ચિમ તરફ છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ તથા પશ્ચિમ અને દક્ષિણ ભાગમાં જંગલો છવાયેલાં છે. પુરુલિયા નજીક વહેતી કાસઈ નદી પર પૂર-નિયંત્રણ માટે બંધ બાંધી જળાશય તૈયાર કરવામાં આવ્યું છે, જળાશયમાંથી નજીકના વિસ્તારોને કૃષિપાકો માટે સિંચાઈથી પાણી પૂરું પાડવામાં આવે છે. ડાંગર, મકાઈ, ઘઉં અને જવ અહીંના મુખ્ય કૃષિપાકો છે. આજુબાજુના વિસ્તારમાંથી લોહધાતુખનિજો, કોલસો, માટી, ડૉલોમાઇટ, ચૂનાખડકો, અબરખ અને કાયનાઇટ જેવાં ખનિજો તથા ખડકો મળી આવે છે. 2011ની વસ્તીગણતરી મુજબ જિલ્લાની વસ્તી 29,27,965 જેટલી છે.
શહેર : પુરુલિયા શહેર કાસઇ નદીકાંઠા નજીક ઉત્તર તરફ 230 20′ ઉ. અ. અને 860 22′ પૂ. રે. પર આવેલું છે. આ શહેર જિલ્લાની કૃષિપેદાશો માટે મુખ્ય વિતરણ-કેન્દ્ર બની રહેલું છે. તે ધનબાદ, બાંકુરા, જમશેદપુર, રાંચી તથા અન્ય નગરો સાથે રસ્તા તેમજ રેલમાર્ગે જોડાયેલું છે. અહીં તેલ મિલો, સુતરાઉ-રેશમી કાપડનું વણાટકામ, નેતરકામ તથા લાખકામ જેવા મધ્યમકક્ષાના ઉદ્યોગો વિકસેલા છે. નજીકમાં સાતમી સદીનાં જૈન મંદિરોનાં ખંડિયેરો આવેલાં છે. 1876માં અહીં નગરપાલિકા સ્થપાયેલી છે. બર્દવાન યુનિવર્સિટીને સંલગ્ન ચાર કૉલેજો અહીં આવેલી છે.
ગિરીશભાઈ પંડ્યા