પીલીભીત

January, 1999

પીલીભીત : ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. તે 28o 6’થી  28o 53′ ઉ. અ. અને 79o 37’થી 80o 27′ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 3,502 ચોકિમી. જેટલું છે. આ જિલ્લાની પૂર્વમાં લખીમપુર (ખેરી) જિલ્લો, દક્ષિણમાં શાહજહાંપુર જિલ્લા, પશ્ચિમે બરેલી જિલ્લો, ઉત્તરમાં નૈનીતાલ જિલ્લો તથા ઈશાન તરફ નેપાળ આવેલાં છે. નેપાળ સાથે તે રાજ્યની સરહદ બનાવે છે. ઉત્તરપ્રદેશનો આ જિલ્લો રોહિલખંડ વિભાગમાં આવેલો છે. જિલ્લાની કુલ વસ્તી 12,77,331 જેટલી છે. પીલીભીત તેનું મુખ્ય શહેર છે.

આ જિલ્લો હિમાલયના પર્વતીય ઢોળાવો વચ્ચે આવેલો છે. અહીંની મુખ્ય નદી શારદા પીલીભીત જિલ્લા અને નેપાળની સરહદ પરથી વહે છે. ચૌકા, ગોમતી, ખનૌત, કટના અને દેવહા અન્ય નદીઓ છે. શારદા નદીની નજીકનો ભાગ છોડીને બાકીની નદીઓએ જિલ્લામાં બધે કાંપની માટી પાથરેલી છે.

જિલ્લાની આબોહવા એકંદરે સ્વાસ્થ્યપ્રદ છે. દક્ષિણ કરતાં ઉત્તરના ભાગો પ્રમાણમાં વધુ ઠંડા રહે છે. ઉત્તર તરફ વરસાદનું પ્રમાણ પણ વિશેષ રહે છે. જિલ્લાનો સરેરાશ વરસાદ લગભગ 1,250 મિમી. જેટલો છે.

આ જિલ્લો હિમાલયના ઢોળાવો પર આવેલો હોવાથી સાલ, ચીડ, દેવદાર અને પાઇન જેવાં વૃક્ષોની ભરપૂર જંગલ-સંપત્તિ ધરાવે છે; પરિણામે અહીંના લોકો જંગલ-આધારિત આર્થિક પ્રવૃત્તિ કરીને આજીવિકા મેળવે છે. પર્વતીય ઢોળાવો પર, નદીખીણોમાં તથા મેદાની ભાગોમાં ડાંગર, શેરડી, ચણા, હલકાં ધાન્ય, શાકભાજી અને ફળફળાદિની ખેતી થાય છે. કેટલાક ભાગોમાં જવ, તલ અને બાજરો પણ ઉગાડાય છે. અહીં પરિવહનની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ન હોવાથી તેમજ ખનિજસંપત્તિની અછત હોવાથી ગૃહઉદ્યોગો -કુટિરઉદ્યોગોનો વિકાસ વિશેષ થયો છે. શેરડીના વધુ ઉત્પાદનને કારણે ગોળ અને ખાંડસરીનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. જંગલમાંથી મળતાં પોચાં લાકડાંમાંથી પ્લાયવૂડ બનાવતી મિલોનો વિકાસ થયો છે. લાકડાંની ઉપલબ્ધિને કારણે હોડીઓ બનાવવાનો તથા કાષ્ઠકોતરકામનો વ્યવસાય પણ વિકસ્યો છે. મર્યાદિત પ્રમાણમાં ધાતુઓનાં વાસણો, સુતરાઉ કપડાં તેમજ કોથળા પણ બનાવવામાં આવે છે. જંગલોમાં અને નદીવિભાગોમાં સૂવર, હરણ, ચિત્તા, શિયાળ, વરુ, તેતર અને બતક જેવાં પ્રાણીઓ-પક્ષીઓ વધુ જોવા મળે છે.

ઉત્તરપ્રદેશ રાજ્યમાં પીલીભીત નગર અને જિલ્લાનું ભૌગોલિક સ્થાન

શારદા નદી પર 1928માં બાંધેલા શારદા બંધના જળાશયમાંથી આ જિલ્લાને બારેમાસ સિંચાઈની સુવિધા મળતી રહે છે. તે ઉપરાંત નહેરો મારફતે બરેલી, શાહજહાંપુર, લખીમપુર, બારાબંકી તેમજ રાયબરેલી જિલ્લાઓને પણ સિંચાઈની સગવડ પૂરી પાડી શકાય છે.

આ જિલ્લામાં પીલીભીત, પૂરણપુર અને બિસલપુર મુખ્ય નગરો છે. પીલીભીત જિલ્લાનું મુખ્ય વહીવટી મથક છે. તે 28o 38′ ઉ. અ. અને 79o 48′ પૂ. રે. પર આવેલું છે. અગાઉના સમયમાં તે હફીજાબાદ તરીકે ઓળખાતું હતું. જિલ્લામથક હોવાથી આ નગરનો વિકાસ થયો છે. અહીં વહીવટી કચેરીઓ, શિક્ષણ-સંસ્થાઓ તથા કાગળ અને હાથવણાટનું કાપડ તૈયાર કરતાં કારખાનાં આવેલાં છે. રેલ અને સડકમાર્ગે આ નગર રાજ્યનાં અન્ય શહેરો સાથે જોડાયેલું છે. પીલીભીતથી ઉત્તરે એક રેલમાર્ગ નેપાળ સરહદે ટનકપુર, ગૌરીફંટા અને ચંદનચોકી સુધી જાય છે. બરેલી, મુરાદાબાદ, મૈલાની લાલકૂવા અને શાહજહાંપુર સાથે રેલ-રસ્તાના માર્ગો મારફતે સંપર્ક જળવાઈ રહે છે. પીલીભીત નજીક બરમદેવ પાસે શારદા નદી પરનો જળધોધ જોવાલાયક છે. અહીં દિલ્હીની જામા મસ્જિદ જેવી જ હફીઝ રહમતખાન દવારા બનાવાયેલી એક મસ્જિદ આવેલી છે. અહીં ઘંટાઘર અને હૉસ્પિટલની સગવડ છે. પીલીભીત નગરમાં ગોળ, ખાંડ, ખાંડસરી અને ચોખાના વેપાર ઉપરાંત બળદગાડાં બનાવવાનો વ્યવસાય મુખ્ય છે.

મહેશ મ. ત્રિવેદી