પીલુ : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા સાલ્વેડોરેસી (પીલ્વાદિ) કુળની વનસ્પતિ. તેની Salvadora oleoides Dene (સં. મહાપીલુ, ગુડફલ, સ્રંસી, હિં. બડા પીલુ, જાલ પીલુ, મ. દિયાર, ગોડ પીલુ, ખાબ્બર, કિંકણેલ પીલુ, ગુ. મોટા પીલુ, મીઠી જાળ, મીઠી જાર, ખાંખણ, તા. કાર્કેલિ, કોહુ, કાલવા, ઉઘાઈ, અ. ઈરાક, ફા. દખર્તેમિરવાટ) અને S. persica Linn. (સં. પીલુ, તીક્ષ્ણ તરુ, ગુડફલ, હિ. ખાર જાલ, છોટા પીલું, જાલ, બં. જાલ, મ. મીરજ, મીરજોલી, પીલુ, પીલ્વા, ગુ. ખારી જાળ, નાનું પીલુ, પીલવો, તા. કાલવા – કાર્કોલ, પેરુન્ગોલી, તે. વારા ગોગુ, ક. ગોની મારા, અં. મસ્ટાર્ડ ટ્રી ઑવ્ સ્ક્રીપ્ચર, મસ્ટાર્ડ ટ્રી, ટૂથ-બ્રશ ટ્રી, સૉલ્ટ બુશ) નામના બે જાતિઓ થાય છે.

વિતરણ – આ બંને જાતિઓનું – ભારત, પાકિસ્તાન, અરબસ્તાન અને દક્ષિણ ઈરાનના શુષ્ક પ્રદેશોમાં થાય છે. તે વૈકલ્પિક (facultative) લવણોદ્ભિદ (halophyte)  વનસ્પતિ છે. તે ક્ષારયુક્ત અને ખારી જમીનમાં, ખારા પાટમાં અને દરિયાકિનારે થાય છે. તે ભારતમાં રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જોવા મળે છે.

બાહ્યાકારવિદ્યા (morphology) – ‘ઓલીઑઇડીસ્’ જાતિ ક્ષુપ કે નાના વૃક્ષ (અનુકૂળ સંજોગોમાં 6.9 મીટરની ઊંચાઈ) સ્વરૂપે જોવા મળે છે. તેનું થડ ટૂંકુ 2.0 મી. સુધીનો વ્યાસવાળું અને અમળાયેલું હોય છે. તેની શાખાઓ નીચેની તરફ ઝૂકતી, અસંખ્ય મજબૂત અને વિભાજનના સ્થાનેથી ઘણી વાર ફૂલેલી હોય છે. છાલ ભૂખરી કે સફેદ ભૂખરી હોય છે. પર્ણો સાદાં, સંમુખ, રેખીય અથવા અંડ-ભાલાકાર (ovate-lanceolate), ચર્મિલ, કેટલેક અંશે રસાળ (fleshy) અને 2.0 સેમી. કરતાં ઓછાં પહોળાં હોય છે.

પુષ્પો લીલાશ પડતાં સફેદ, નાનાં, અદંડી અને લઘુપુષ્પગુચ્છી (paniculate) શૂકી (spike) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ અષ્ઠિલ (drupe) પ્રકારના, ગોળાકાર, સામાન્યતઃ પાકે ત્યારે પીળાં, સૂકાય ત્યારે ઘેરાં બદામી અથવા લાલરંગના હોય છે. બીજ લીલાશ પડતાં પીળાં અને લગભગ 3 મિમી. જેટલો વ્યાસ ધરાવે છે.

‘પર્સિકા’ જાતિ ‘ઓલીઓઇડીસ’ જાતિને મળતાં આવે છે. તે મોટું બહુશાખિત સહાહરિત ક્ષુપ કે વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. છાલ ઝાંખા ભૂખરારંગની કે ભૂખરી સફેદ અને તિરાડવાળી હોય છે. પર્ણો વિવિધ આકારનાં, ઉપવલયી-અંડાકાર (elliptic-ovate) અથવા અંડ-ભાલાકાર, રસાળ અ 2.0 સેમી. કરતાં વધારે પહોળાં હોય છે.પુષ્પો સદંડી, લીલાં સફેદ કે લીલાશ પડતાં પીળાં અને શિથિલ લઘુપુષ્પગુચ્છ સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ અષ્ઠિલ પ્રકારનાં ગોળાકાર લીસાં અને પાકે ત્યારે લાલ રંગનાં હોય છે.

બીજ કે મૂલનું અંત:ભૂસ્તારી (root-sucker) દ્વારા પ્રસર્જન થાય છે અને પુષ્કળ ઝાડી બનાવે છે. તેનો વૃદ્ધિનો દર ધીમો હોવાથી વનીકરણ કાર્યક્રમમાં તેના ઉછેર માટે વધારે સંરક્ષણ જરૂરી બને છે. જોકે તે 3થી 4 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે. હિમની તેના પર ખૂબ અસર થાય છે. તેને રણપ્રદેશમાં આશ્રયપટ્ટ (shelter-belt) બનાવવા અને વાતરોધ (wind-break) માટે ઉગાડવામાં આવે છે. તેને ચરાણ (grazing)થી ઓછું નુકસાન થાય છે. છતાં ઊંટના ચારા માટે તેને ઘણી વાર કાપવામાં આવે છે.

ભમરાની કેટલીક જાતિઓની ઇયળો દ્વારા વિપત્રણ (defoliation) થાય છે. મોટા પીલુંનાં પર્ણો પર Cercospora udaipurensis Prasad et al, Plascosoma salvadorae, Prasad et al. અને Septogloeum Salvador Prasad et al. જેથી ફૂગ સંક્રમણ કરી નુકસાન પહોંચાડે છે.

નાના પીલુનું કાષ્ઠ (608થી 865 કિગ્રા./સેમી.3) આછા લાલ કે પીળા રંગનું અને મધ્યમસરનું (moderately) સખત હોય છે. તેનું અંતઃકાષ્ઠ (heartwood) જાંબલી રંગનું, અનિયમિત અને નાનું હોય છે. તેનો ઉપયોગ બાંધકામ, કૃષિનાં ઓજારો અને પૈડાં બનાવવામાં થાય છે. તે સારું ‘બળતણ’ આપતું નથી; છતાં દેવદાર અને ચીડ સાથે મિશ્ર કરી તેનો ઈંટ પકવવામાં ઉપયોગ કરવામાં આવે છે. મોટા પીલુનું કાષ્ઠ (609થી 721 કિગ્રા./સેમી.3) મૃદુ અને સફેદ હોય છે, પૉલિશ સારી પકડે છે. ઇજિપ્તમાં તેનો ઉપયોગ શબપેટી બનાવવામાં થાય છે.

વનસ્પતિ રસાયણ (phylochemistry) સમગ્ર ફળના 44 % થી 46 % જેટલો ભાગ બીજ દ્વારા રોકાયેલો હોય છે. કચ્છમાંથી પ્રાપ્ત કરેલા બીજના એક વિશ્લેષણ મુજબ તેમાં ભેડ 2.80 %, ચરબી 45.48%, આલ્બ્યુમિનૉઇડ્ઝ 18.94 %, કાર્બોદિતો 23.48%, રેસાઓ 5.8 % અને ભસ્મ 3.9 % હોય છે. બીજ ક્વિર્સેટીન, રૂટીન અને એક આલ્કેલૉઇડ ધરાવે છે. તેના લઘુ ઘટકોમાં થાયોગ્લુકોસાઈડ ગ્લુકોટ્રોપિયોલીન (C14H18O3NS2K)નો સમાવેશ થાય છે. તેમના લીધે બીજની ચરબી ખાવાલાયક રહેતી નથી. બીજમાંથી 40 %થી 50 % લીલાશ પડતી પીળી ચરબી પ્રાપ્ત થાય છે. શુદ્ધ કરેલી ચરબીમાં કૅપ્રિક 0.77 %, લ્યૉરિક 35 %થી 60 %, મિરિસ્ટિક 50%થી 75 %, પામિટિક 4.54 %, ઑલિક 8.28 % અને લિનોલિક ઍસિડ બનાવવામાં અને શૃંગારનાં સાધનો બનાવવામાં થાય છે. ઉદ્યોગોમાં કોપરેલની જગાએ તેને અવેજી તરીકે વાપરવામાં આવે છે. તેનો મીણબત્તીઓ બનાવવામાં ઉપયોગ થાય છે. ગુજરાત, પંજાબ અને રાજસ્થાન તેનાં બીજ એકત્રિત કરતાં મુખ્ય કેન્દ્રો છે. લગભગ 47,000 ટન જેટલાં બીજ એકઠાં કરાય છે.

બીજનો ખોળ ઢોરોને ખોરાક તરીકે આપવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે, આ ખોળમાં ભેજ 12.4%, અશુદ્ધ પ્રોટીન 26.66 %, કાર્બોદિતો 22.00 %, ભસ્મ 16.9 %, નાઇટ્રોજન 4.16 % અને ફૉસ્ફરસ (P2O5) 1.68 % હોય છે. બીજના ખોળમાં રહેલા પ્રોટીનમાં વિવિધ ઍમિનો ઍસિડનું પ્રમાણ જોઈએ તો ગ્લાયસિન 8.9%, ઍલેનિન 6.6%, એસ્પાર્ટિક ઍસિડ 8.5 %, ગ્લૂટામિક ઍસિડ 14.0 %, સેરિન 8.3 %,થ્રિયોનિન 6.0 %, વેલાઇન-મિથિયોનીન 5.8 %, લ્યૂસિન 14. 5 %, અર્જિનિન 6.6%, હિસ્ટિડિન 3.9 %, લાયસીન 3.5 %, પ્રોલિન 5.6 %, ટાયરૉસિન 3.8 % અને સિસ્ટિન 2.4 % જેટલું આશરે હોય છે.

ફળ સ્ટૅરૉલ, બીટા-સિટોસ્ટેરૉલ અને તેના ગ્લુકોસાઇડો તથા સ્ટિગ્મેસ્ટેરૉલ, બૅન્ઝાઈલ આઇસોથાયોસાઇનેટ, n-ઓક્ટાકોસેનૉલ અને ટેટ્રાકોસેન, ફ્લેવોનૉઇડો, ક્વિર્સેટિન અને રુટિન, થાઓયુરિયા વ્યુત્પન્નો અને ફૉસ્ફોલિપિડો ધરાવે છે.

પ્રકાંડની છાલમાંથી બે સંયોજનો, ઑક્ટાડેકેનૉઇલ હેપ્ટાનોએટ અને 3-આઈસોબ્યુટાઇલ-5 હાઇડ્રૉક્સિ-19-ઑક્સોનોને ડેકોનિક ઍસિડ અલગ તારવવામાં આવ્યા છે. ‘ઑલીઑઇડીસ’ના ક્લોરોફૉર્મ અંશમાંથી એક નવું દ્વિલ્કી (dimeric) ડાઇહાઇડ્રોઆઇસોકાઉમેરિન, સાલ્વેડોરિન મળી આવ્યું છે.

‘ઓલીઑઇડીસ’ જાતિના પર્ણો અને પ્રકાંડમાં જલનિસ્યંદન દ્વારા બાષ્પશીલનું તેલનું નિષ્કર્ષણ કરવામાં આવ્યું હતું અને પર્ણો તથા પ્રકાંડમાંથી અનુક્રમે 35 અને 24 ઘટકો ઓળખવામાં આવ્યાં હતાં. પર્ણો –મિથૉક્સિ-4-વિનાઇલફીનૉલ (25.4 %), સિસ-3 હૅક્ઝેનાઇલ બૅન્ઝોએટ (16.8 %), ફાઇટૉલ (13.9 %), n-હૅક્ઝાડેકેનૉઇક ઍસિડ (6.9 %) અને ટ્રાન્સ-b-ડેમેસ્કેનૉન (2.1%) ધરાવે છે. પ્રકાંડ 2-મિથૃક્સિ-4-વિનાઈલફીનૉલ (21.6 %), ફાઈટૉલ (12.9 %), n-હૅક્ઝાડેકેનૉઇક ઍસિડ (3.6 %), ઑક્ટેકોસેન (7.9 %), નૉનેકોસેન (7.3 %), 1-ઑક્ટેડેકેન (5.8 %), હૅપ્ટેકોસેન (5.9 %), હૅક્ઝેકોસેન (2.5 %), પેન્ટેકીસેન (3.4 %), સ્કવેલીન (3.9 %) અને ટ્રાન્સ- -ડેમેસ્કેનૉન (2.3%).

બીજ 42 % લિપિડ ધરાવે છે. તેમાં આવેલા ફૅટી ઍસિડોનું બંધારણ આ પ્રમાણે છે : મિરિસ્ટિક ઍસિડ (28.4%), બૉરિક ઍસિડ (47.2 %), પામિરિક ઍસિડ (28.4 %), ઑબેઈક ઍસિડ (12.0 %) અ લિનોલેઇક ઍસિડ 1.3 %) અસાબુકરણીય (unsaponifiable) બીજનો લિપિડ અંશ બેન્ઝાઈલઆઇસોથાયોસાયનેટ, સિટોસ્ટેરૉલ અને s-ડાઇબૅન્ઝાઇલ થાયોયુરિયા ધરાવે છે.

પ્રણાલિકાગત ઉપયોગો – પર્ણો – શુષ્ક, કફ, દમ અને પાચન સંબંધી વિકારોમાં પર્ણોનો ઉપયોગ થાય છે. તેના પર્ણો અને ભાંગ (cannabis sativa)ના પર્ણોનો મલમ બનાવી મસા ઉપર લગાડવામાં આવે છે.

બરોળ અતિવૃદ્ધિ (spenomegaly) આમવાત, તાવ, સર્પદંશ, કફની ચિકિત્સામાં અને રેચક (purgative) તરીકે ઉપયોગી છે. પારદર્શકપટલ (cornea)ના અપારદર્શિતા (opacity)ની ચિકિત્સામાં પર્ણોની લુગદીમાં પાણી ઉમેરી આંખો ઉપર છાંટવામાં આવે છે. પર્ણોનો ક્વાથ કફ અને જરાયુ (placenta)ની જાળવણી માટે આપવામાં આવે છે. તેનો સ્થાનિક રીતે નેત્રશ્લેષ્માશોથ(conjunctivitis)માં ઉપયોગ કરવામાં આવે છે.

ફળો – ફળોનો ક્વાથ બરોળ અતિવૃદ્ધિ અને સામવાતી જ્વરમાં આપવામાં આવે છે. તે વાજીકર (aphrodisiac) તરીકે શરીરનું તાપમાન ઘટાડવામાં ઉપયોગી છે. ફળ વાતાનુલોમક (carminative) અને રેચક છે. તે આમવાતમાં આપવામાં આવે છે. તેનો અશ્મરી, કબજિયાત, અપચો અને મુખ રોગ (stomatitis)ની ચિકિત્સામાં ઉપયોગ થાય છે. તેની અસર શીતળ હોય છે. તે ક્ષુધાપ્રેરક (appetizer), મંદ વિવેચક (laxative) વાતાનુલોમક, વિષરોધી (alexipharmic), મસા, અર્બુદો (tumors), શ્વસનીશોથ (bronchitis), બરોળનો રોગ, જલોદર (ascitis), શામક (resolvent), કફોત્સારક (expectorant), મૂત્રલ (diuretic) તરીકે ઉપયોગી છે. તે શરીરનાં છિદ્રો ખોલે છે.

મૂળ અને પ્રકાંડની છાલ – વાળ દૂર કરવા અને ખસ મટાડવા મૂળનો ભસ્મ પાણીમાં ઉકાળી તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ફોડલા અને આમવાતની ચિકિત્સામાં ઉપયોગ થાય છે. તેના ક્વાથનો જ્વરહર તરીકે અને આર્ભવકાળ નિયમિત કરવા માટે ઉપયોગ થાય છે. તરુણ શાખા અને મૂળનો દાંત સાફ કરવા માટે તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મૂળની છાલ સ્ફોટક (vesicant) તરીકે ઉપયોગી છે.

બીજ અને બીજતેલ – ગોળ સાથે બીજ મિશ્ર કરી ઊંટના કરડવા ઉપર અપાય છે. આમવાતી વેદનામાં તેનું તેલ લગાડવામાં આવે છે. તેલનો દંતમંજનમાં ઉપયોગ થાય છે.

ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો – તેના ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મો આ પ્રમાણે છે. અલ્પગ્લુકોઝરક્ત (hypoglycemic), અલ્પલિપિડરક્ત (hypolipidemic), વેદનાહર (analgesic), પ્રતિસૂક્ષ્મજીવીય (antimicrobial)

ચિરપ્રતિષ્ઠિત (classical) વર્ગીકરણ – ચરક તેને વિરેચનોપત્ર, શિરોવિરેચન, જ્વરહર, કટુસ્કંધમાં, સુશ્રુત શિશેવિરેચન, ધન્વંતરિ નિઘંટુ, આમ્રાદિ વર્ગ, ભાવ પ્રકાશ તેને સામ્રાદિ ફલ વર્ગ, કૌચ્છદેવ નિઘંટુ, ઔષધિ વર્ગ અને રાજનિઘંટુ આમ્રાદિવર્ગમાં મૂકે છે. આયુર્વેદિક ગુણધર્મો – રસ (taste) તિક્ત (Bitter), મધુર (Sweet), ગુણ (qualities), લઘુ (પચવામાં સરળ), સ્નિગ્ધ, તીક્ષ્ણ, વિપાક (Taste after digestion) – કટુ, વીર્ય (potency) – ઉષ્ણ (hot), કર્મ (actions) કફવાતશામક.

નાનું પીલું મધુર, તીખું. તૂરું, ખારું, રુચિકર, સારક, કડવું, તીક્ષ્ણ, ભેદક, દીપન, રક્તપિત્તકારક, સ્નિગ્ધ, ઉષ્ણ અને વિદાહી હોય છે. તે અર્શ, ગુલ્મ, કફ, વાતરક્ત, પ્લીહા, આનાહ, ઉદરરોગ, વાયુ તથા વિષબાધાનો નાશ કરે છે. મોટું પીલુ મધુર, વૃષ્ય, રુચિકર અને અગ્નિદીપક હોય છે અને વિષ, પિત્ત અને આમનો નાશ કરે છે. તેનું તેલ લઘુ હોય છે. અને કફ તથા વાયુનો નાશ કરે છે.

ઉપયોગ – મુખવ્યાધિ, કૃમિ, ગુલ્મ, સંગ્રહણી ઉપર દર્દીને પીલુનાં તાજાં પર્ણો ખવડાવાય છે. પીલુ અને નગોડનાં પર્ણો કચરી લોઢી પર ગરમ કરી પોટલી બાંધી શેક કરવામાં આવે છે. પછી પોટલીમાંનાં પર્ણોનો પાટો બાંધી ઉપર કપડાનું વેષ્ટન દઈ બાર કલાક રાખવામાં આવે છે. પગ વળવા, ફાટ થવી, તેમજ કમર, પીઠ અને હાથને વાયુવિકાર હોય તો તત્કાળ ગુણ આપે છે. તેનાં પાંદડાંનો રસ અથવા મૂળ ઘસીને કૂતરાના વિષ પર પિવડાવવામાં આવે છે. તેનાં પર્ણોનો રસ લગભગ 11.5 ગ્રા. અને ગાયનું ઘી 17.0 ગ્રા. મિશ્ર કરી પીવાથી મોઢામાં થતી ચાંદીઓ ત્રણ દિવસમાં મટી જાય છે. તેનાં પર્ણો અને કડવી ગલકીનો રસ એકત્રિત કરી સંધિવાત પર ચોળવામાં આવે છે. તેનાં ફળમાંથી નીકળતા તેલને ખાંખણ(કિંકણેલ)નું તેલ કહે છે. તે કંડૂ (ખરજ), ગંડમાલા, અંડવૃદ્ધિ અને ક્ષત પર ચોળવામાં આવે છે.

મોટા પીલુના મૂળની છાલ સ્ફોટકકારી (vesicant) ગણાય છે અને છીંકણીના સંઘટક (ingredient) તરીકે વપરાય છે. મદાત્યયવાળાને તરસમાં પીલુડાનો રસ આપવામાં આવે છે. પેટ ચઢ્યું હોય (આનાહ) ત્યારે પીલુના કલ્કથી સિદ્ધ કરેલું ઘી આનાહને મટાડે છે. ગુલ્મમાં મીઠા સાથે પીલુડાં ખવડાવાય છે. હરસમાં પીલુડાં ખૂબ ખવડાવાય છે અ ઉપર છાશ પિવડાવાય છે. આ પ્રયોગમાં અન્ન લેવાનું હોતું નથી. હરસના બીજા એક પ્રયોગમાં એક અઠવાડિયું કે એક પખવાડિયું એકલાં લીલાં રસદાર પીલુડાં ખાવા. અન્ન જરા પણ ન લેવું. આ પ્રયોગથી હરસ મટે છે અ રસાયન જેવો ગુણ મળે છે. સંગ્રહણો, કૃમિ અને ગુલ્મમાં આ પ્રયોગ ઘણો લાભદાયી છે.

ઉપયોગી અંગ – ફળ, બીજ, પર્ણો અને મૂળની છાલ

માત્રા – બીજનું ચૂર્ણ – 3-5 ગ્રા.

ક્વાથ – 50-100 મિલી.

પ્રતિકૂળ અસરો – અતિસાર (diarrhoea) થયો હોય તેવી વ્યક્તિએ પીલુનાં ફળો ખાવાં નહિ. તેથી સ્થિતિ વધારે બગડી શકે છે. પિત્ત પ્રકારની પ્રકૃતિ ધરાવતી વ્યક્તિએ કે અતિપિત્તના વિકારોમાં પીલું ખાવાં યોગ્ય નથી.

पीलु श्लेष्मसमीरघ्नं पितलं भेदी गुलमनुत् ।

स्वादुतिक्तादञ्च यत् पालु तन्रात्युष्णी त्रिदोषहत् ।।

ભાવપ્રકાશ

तिक्तं पित्तकरं तेषां सरं कटुविपाकि च ।

तीक्ष्णोष्णं कटुकं पीलु सस्रेहं कफवातजित् ।।

पीलु… दोषघ्नं गरहारि च ।।

ચરક

મૃગેન્દ્ર વૈષ્ણવ

બળદેવભાઈ પટેલ

આદિત્યભાઈ છ. પટેલ