પીરેનીસ પર્વતમાળા

January, 1999

પીરેનીસ પર્વતમાળા : નૈર્ઋત્ય યુરોપમાં ફ્રાન્સ અને સ્પેન વચ્ચે (લગભગ 2o પ. રે.થી 3o પૂ. રે.) પૂર્વ-પશ્ચિમ દિશામાં વિસ્તરેલી પર્વતમાળા. પશ્ચિમે આટલાન્ટિક મહાસાગરના બિસ્કે ઉપસાગરને પૂર્વમાં ભૂમધ્ય સમુદ્ર સાથે જોડતા ભૂમિપ્રદેશ પર તે એક અવરોધક દીવાલ રૂપે ઊંચકાઈ આવેલી છે  અને નૈર્ઋત્ય યુરોપ માટે વિશાળ ભૂમિ-આકાર રચે છે. તેને પરિણામે યુરોપના મુખ્ય ભૂમિખંડથી આઇબેરિયન (Iberian) દ્વીપકલ્પ અલગ પડી જાય છે તેમજ આઇબેરિયન દ્વીપકલ્પના સ્પેન અને પોર્ટુગલ જેવા દેશોને આફ્રિકા ખંડની વધુ નજીક લાવવામાં તે મદદરૂપ બની રહે છે. આમ આ પર્વતમાળાએ ભૌગોલિક દૃષ્ટિએ માત્ર આ બે દેશોના જ નહિ, પરંતુ યુરોપના ઇતિહાસમાં ઘણો જ મહત્વનો ભાગ ભજવ્યો છે. ફ્રાન્સ અને સ્પેન વચ્ચેની લગભગ 450 કિમી. (પર્વતીય પ્રદેશમાં 435 કિમી.) લંબાઈની સરહદરેખા અમુક અપવાદોને બાદ કરતાં બાકીના મોટાભાગનાં તેનાં સર્વોચ્ચ શિખરો પર થઈને પસાર થાય છે. આ પર્વતમાળા પૂર્વ છેડે લગભગ 96 કિમી. અને મધ્ય ભાગે લગભગ 160 કિમી. જેટલી પહોળાઈ ધરાવે છે. આ પર્વતમાળા કુલ 5,20,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. સમગ્ર પર્વતમાળાના સંદર્ભમાં જોતાં, તેની સરેરાશ ઊંચાઈ 1,070 મીટર જેટલી થાય છે. મધ્ય ભાગમાં 3,000 મીટરની ઊંચાઈવાળાં શિખરો આવેલાં છે. ઉત્તર ઢોળાવો પર હિમનદીઓ પણ છે. આ પર્વતમાળાનું સ્પેનની હદમાં રહેલું સર્વોચ્ચ શિખર પિક દ ઍનેટો (Pic de Aneto) મધ્ય ભાગમાં આવેલું છે અને તે 3,404 મીટરની ઊંચાઈ ધરાવે છે. અન્ય મુખ્ય શિખરોમાં વિગ્નેમાલે (Vignemale) તથા મૉન્ટસેની (Montceny) અનુક્રમે 3,298 મીટર અને 2,883 મીટર ઊંચાઈવાળાં છે.

હિમનદીઓ અને સદાહરિત વૃક્ષોથી છવાયેલા ઢોળાવોવાળી પીરેનીસ પર્વતમાળા

પર્વતમાળાના પશ્ચિમ ભાગનાં થોડાંક સ્થળોએ આશરે 1,980 મીટરની ઊંચાઈએ આવેલા ઘાટોમાં થઈને તેને પાર કરી શકાય છે. ઇટાલી જવા માટે ઈ. પૂ. 218માં હૅનિબાલે આ પર્વતમાળાને પસાર કરી હતી. ફ્રાન્સ અને સ્પેન વચ્ચેની આ અવરોધક પર્વતમાળાને કારણે સદીઓ સુધી વેપાર જળમાર્ગે થતો હતો. પર્વતો પર થઈને રસ્તાઓ તો ઘણા જાય છે, બે રેલમાર્ગો પણ તેની આરપાર પસાર થાય છે. ફ્રાન્સના પાઉ (Pau) અને સ્પેનના સારાગોસા (Saragossa) વચ્ચેનો એક રેલમાર્ગ કૅનફ્રૅન્ક (Canfranc) બુગદા મારફતે પસાર થાય છે. બીજો રેલમાર્ગ ફ્રાન્સના તૌલોસ (Toulouse) અને સ્પેનના બાર્સિલોના વચ્ચે આવેલો છે, જે 1,580 મીટરની ઊંચાઈ પર થઈને પસાર થાય છે. પીરેનીસને વીંધતાં 92 કિમી લંબાઈમાં 40થી વધુ બુગદાં આવેલાં છે.

ઉત્પત્તિસ્થિતિ – પ્રાપ્તિસ્થિતિ : પ્રથમ જીવયુગ(પેલિયોઝૉઇક)ની કાર્બોનિફેરસ-પર્મિયન રચનાઓના સંક્રાન્તિકાળ (આશરે 30-25 કરોડ વર્ષ અગાઉનો ગાળો) દરમિયાન ઉત્તર ગોળાર્ધના મોટા ભાગના ખંડોમાં હર્સિનિયન (વેરિસ્કન) ગિરિનિર્માણ થયેલું. તેમાં યુરોપના ઘણા વિસ્તારો પૈકી આ પ્રદેશ પણ સંડોવાયો હતો. પરિણામે અહીં ગેડપર્વતો ઊંચકાઈ આવેલા. તેમાં ઘણી વાર ઊર્ધ્વગમન અને અવતલનની ક્રિયાઓ અને અસરો થયેલી છે. આજ સુધીના 25 કરોડ વર્ષના કાળગાળા દરમિયાન તેમાં મોટા પાયા પરની ઘસારા અને ધોવાણની અસરોથી તે નીચો આવ્યો છે. અહીં ઊંડાઈએ આવેલા ગ્રૅનાઇટ ઉપરાંત ઉત્પત્તિ દરમિયાનની ખડકરચનાઓ પર ઉષ્ણતા અને દાબની વિકૃતિથી રૂપાંતરિત થયેલા સ્લેટ અને શિસ્ટ જેવા વિકૃત ખડકો જોવા મળે છે. ઠેકઠેકાણે સ્તરભંગો તેમજ ગેડરચનાઓ પણ જોવા મળે છે. મૂળ હર્સિનિયન ઉચ્ચપ્રદેશ જૂથ(massif)ની ઉત્તર અને દક્ષિણમાં જે બે સમાંતર પર્વતમાળાઓ ઊપસી આવી, તે પીરેનીસ પર્વતમાળા તરીકે આજે ઓળખાય છે.

પ્લાયસ્ટોસીન કાળખંડ (આશરે 20 લાખ વર્ષ અગાઉથી 10,000 વર્ષ અગાઉ વચ્ચેનો ગાળો) દરમિયાન પ્રવર્તેલા હિમયુગની અસરને પરિણામે મધ્ય અને પૂર્વ પીરેનીસના આશરે 2,987 મીટરની ઊંચાઈ પર આજે લગભગ 33 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલા જોવા મળતા હિમક્ષેત્રમાંથી હિમનદીઓ વહે છે. લાંબા સમયથી થતા રહેલા ઘસારાને કારણે પર્વતમાળામાં ‘U’ આકારની ખીણો, ઝૂલતી ખીણો (hanging valleys) અને હિમાગાર (cirque) જેવાં ભૂમિ-સ્વરૂપો કંડારાયેલાં જોવા મળે છે. અહીં ઊંચા ભાગો પર વૈજ્ઞાનિક સંશોધન-અભ્યાસ માટે કેટલાંક સ્થળો પસંદ કરવામાં આવ્યાં છે. આશરે 2,868 મીટરની ઊંચાઈએ એક વેધશાળા સ્થાપવામાં આવી છે; ફૉન્ટ રોમૉ (Font Romeau) ખાતે સૌરભઠ્ઠી પણ છે.

પીરેનીસ પર્વતમાળા ફ્રાન્સ અને સ્પેન બંને દેશો માટે જળવિભાજક બની રહેલી છે. તેમાં અનેક નદીઓનાં મૂળ આવેલાં  છે. સ્પેનતરફી ઢોળાવો પરથી મુખ્યત્વે આરાગોન, ગાલેગો, એસેરા, સેજરે, તેર વગેરે નદીઓ નીકળે છે; જ્યારે ફ્રાન્સતરફી ઢોળાવો પરથી મુખ્યત્વે ઍડૉર, ગૅરોન્ને, ઔડે વગેરે નદીઓ નીકળે છે. આ પૈકીની કેટલીક નદીઓના જળપ્રવાહમાં વસંત ઋતુ દરમિયાન લાકડાં તરતાં મૂકી તેમને લાકડાં વહેરવાની મિલો સુધી પહોંચાડવામાં આવે છે. કેટલીક નદીઓ પર બંધ બાંધી સિંચાઈ તથા જળવિદ્યુત યોજનાઓ તૈયાર કરવામાં આવી છે.

પર્વતોના કેટલાક નબળા ફાટયુક્ત વિભાગોમાંથી ગંધક અને ક્ષારયુક્ત ગરમ પાણીના ઝરા ફૂટી નીકળે છે, જે રોમન યુગથી આર્થિક દૃષ્ટિએ ઉપયોગમાં લેવાય છે. ફ્રાન્સની બાજુએ 20 કરતાં વધુ ઝરા છે, જ્યારે સ્પેન તરફ તો ઘણા ઝરા છે. જે ઝરાઓનો ઉપયોગ થાય છે, તેમનું જરૂરી સગવડોને અનુલક્ષીને આધુનિકીકરણ કરવામાં આવ્યું છે.

આ પર્વતમાળાના વધુ ઊંચાઈવાળા ભાગોમાં શિયાળાનું તાપમાન 00 સે.થી પણ નીચે જાય છે. ઊંચાઈની અસરને કારણે પહાડી ક્ષેત્રોની આબોહવા એકંદરે શીતળ અને ખુશનુમા રહે છે. પૂર્વ-પશ્ચિમે આવેલા ભૂમધ્ય સમુદ્ર અને ઉપસાગરનો પ્રભાવ પણ તેની આબોહવા પર પડે છે. ભૂમધ્ય સમુદ્ર તરફથી વાતા ભેજવાળા પવનો તેના અગ્નિ-ઢોળાવો પર સારો વરસાદ આપે છે. ફ્રાન્સમાં આવેલા કેટલાક વિસ્તારો ભૂમધ્ય સમુદ્ર-પ્રકારની આબોહવાની લાક્ષણિકતાઓ ધરાવે છે.

પીરેનીસની તળેટીના વિસ્તારો પાનખર-વૃક્ષોથી તથા મધ્યમ ઊંચાઈના વિસ્તારો સદાહરિત પાનવાળાં વૃક્ષોથી આચ્છાદિત રહે છે. 1,585 મીટરની ઊંચાઈએ શંકુદ્રુમ જંગલો તેમજ 1,980થી 2,378 મીટર વચ્ચે આલ્પાઇન ઘાસના વિભાગો જોવા મળે છે. પૂર્વ તરફના વધુ વરસાદવાળા ભાગોમાં પાનખર-બીચનાં વૃક્ષોવાળાં જંગલો આવેલાં છે. 1,783 મીટરની ઊંચાઈએ શંકુદ્રુમ જંગલો અને આલ્પાઇન ઘાસનું મિશ્રણ જોવા મળે છે. ઊંચાઈવાળાં પહાડી ક્ષેત્રોમાં પશુસંવર્ધનપ્રવૃત્તિનો ઘનિષ્ઠ વિકાસ કરવામાં આવ્યો છે, પરંતુ તે પ્રવૃત્તિ માત્ર ત્રણ માસના ટૂંકા સમયગાળા પૂરતી મર્યાદિત રહે છે. જંગલોમાંથી મળતાં લાકડાં મુખ્યત્વે બળતણ, બાંધકામ અને રાચરચીલા માટે ઉપયોગમાં લેવાય છે.

મધ્ય પીરેનીસના દક્ષિણ ઢોળાવો પર ફ્રાન્સ-સ્પેનની વચ્ચે આશરે 840 મીટરથી 2,946 મીટરની ઊંચાઈએ ‘ઍન્ડોરા’ (Andora) નામનું નાનકડું સ્વાયત્ત રાષ્ટ્ર (માત્ર 464 ચોકિમી. વિસ્તારવાળું) આવેલું છે, જેમાં બે ફળદ્રૂપ ખીણો આવેલી છે. વૅલિરા (Valira) નદી પરનાં જળવિદ્યુતમથકો દવારા ઉત્પન્ન થતી જળવિદ્યુતના અર્ધા ભાગની અહીંથી નિકાસ કરવામાં આવે છે.

સ્પેનના બિલ્બાઓ નજીક, બિસ્કેના ઉપસાગરના દક્ષિણ છેડા પર આવેલી વિપુલ લોહખનિજ ધરાવતી ખાણો અહીંના સમૃદ્ધ ઉદ્યોગને નિભાવે છે. આ ઉપરાંત સીસા, ચાંદી અને કોબાલ્ટનાં ખનિજો પણ મળે છે. આ દેશના આશરે 41 % ભૂમિભાગમાં પાઇન, ફર, ઓક, બર્ચ, બૉક્સ-ટ્રીનાં જંગલો આવેલાં છે; 44 % ભૂમિભાગમાં ગોચરો છે; બાકીના પૈકી 6.5 % ભૂમિભાગમાં ખેતી કરવામાં આવે છે. પહાડી જમીનોમાં મુખ્યત્વે બટાકા અને ખીણોમાં તમાકુનું વાવેતર થાય છે. આ દેશનું અર્થતંત્ર પ્રવાસન, વ્યાપાર, તમાકુ, બાંધકામ અને વનપ્રવૃત્તિ પર આધારિત છે. દેશની આવકનો મુખ્ય સ્રોત પ્રવાસન-ઉદ્યોગ છે. વર્ષેદહાડે અનેક પર્યટકો આ દેશની મુલાકાત લે છે. પહાડી ઢોળાવો પર પાંચ જેટલાં વિહારધામો સ્થાપવામાં આવ્યાં છે. બરફ પર સરકવાની રમત (skiing) માટે આશરે 37 કિમી. લાંબો માર્ગ બનાવવામાં આવ્યો છે. હમણાં હમણાં આ દેશમાં કાપડ, છાપકામ અને પ્રકાશન, ચામડાં, ખનિજ-જળ, ફર્નિચર, સિગાર/સિગારેટને લગતા ઉદ્યોગોનો સારો વિકાસ થયો છે.

પશ્ચિમ પીરેનીસમાં વધુ વરસાદ પડતો હોવાથી ત્યાં સિંચાઈની જરૂરિયાત રહેતી નથી. ત્યાં બટાકા, મકાઈ અને ઘાસચારાના પાક લેવાય છે; જ્યારે પૂર્વ પીરેનીસમાં સિંચાઈ દવારા મુખ્યત્વે ઑલિવ, દ્રાક્ષ તથા બીજાં ફળો, કઠોળ વગેરેની ખેતી કરવામાં આવે છે. પીરેનીસમાં જળ, જંગલો અને પશુપાલન – આ ત્રણ પાયાના આર્થિક સ્રોતો છે.

બીજલ પરમાર