પીરમ ટાપુ

January, 1999

પીરમ ટાપુ : સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના પૂર્વ છેડા પર ભાવનગર નજીક આવેલો ટાપુ. તે ઘોઘાથી દક્ષિણે 7 કિમી.ને અંતરે, પરંતુ કિનારાથી સીધેસીધા 4 કિમી.ને અંતરે, 21o 35′ ઉત્તર અક્ષાંશ અને 72o 34′ પૂર્વ રેખાંશ પર ખંભાતના અખાતમાં આવેલો છે. તે આમલીના કાતરા આકારનો 2.5 કિમી. લાંબો અને 800 મીટર પહોળો છે. તેના દક્ષિણ ભાગના અપવાદને બાદ કરતાં આખોય ટાપુ ખડકોના ખરાબાથી તેમજ ઊડી આવેલી રેતીથી બનેલો છે. સમુદ્રસપાટીથી તે માત્ર થોડીક જ ઊંચાઈ ધરાવે છે અને જળ નીચેના તેના ઢોળાવો 20થી 22 મીટરની ઊંડાઈ સુધી વિસ્તરે છે. દરિયાઈ મોજાં તેની ભૂમિસપાટી પર જોશથી સતત અથડાયા કરે છે, તેથી ટાપુ નજીકથી પસાર થતી વખતે હોડીઓને કાળજીપૂર્વક હંકારવી પડે છે, તેમ છતાં ક્યારેક તેનાથી નુકસાન થાય છે. ઘોઘા અને દહેજ બંદર વચ્ચે અવરજવર માટેની સેવા આપતી હોડીઓ પીરમ થઈને જાય છે. 6થી 10 મીટરની ઊંચાઈ ધરાવતો તેનો પશ્ચિમ કિનારો કોંગ્લૉમરેટ અને મૃણ્મય ખડકબંધારણવાળો હોવાથી મોટા પ્રમાણમાં ખંડિત બનેલો છે, જ્યારે પૂર્વ કિનારો લગભગ સમથળ છે. પૂર્વ-પશ્ચિમ કિનારા સિવાયનો ટાપુનો બાકીનો ભાગ રેતીથી બનેલી ટેકરીઓની હારમાળાથી રચાયેલો છે, જેની ઊંચાઈ સ્થાનભેદે 20થી 50 મીટર વચ્ચે બદલાતી રહે છે. પૂર્વ વિભાગમાં બાજરી અને તલનું વાવેતર થઈ શકે છે. ભારત સ્વતંત્ર થયા બાદ અહીં નાળિયેરીનું વાવેતર કરવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. આ ઉપરાંત, ખંભાતના અખાતના એક ભાગ રૂપે અહીં તેલખોજ માટે પણ પ્રયાસ થયેલો છે.

ખંભાતના અખાતમાં પીરમ ટાપુનું ભૌગોલિક સ્થાન

ભૂસ્તરીય દૃષ્ટિએ જોતાં પીરમનો ટાપુ એક નવવિવૃતિ (outlier) છે. 1836માં કરવામાં આવેલા ઉત્ખનન દરમિયાન અહીંથી વિપુલ પ્રમાણમાં જીવાવશેષો મળી આવેલા. ત્યારથી આ ટાપુ તૃતીય જીવયુગના સસ્તન પ્રાણીઓના જીવાવશેષોના કુદરતી સંગ્રહ તરીકે ખૂબ જ જાણીતો બની રહ્યો છે. ભૂતકાળમાં વિલુપ્ત થયેલી ચતુષ્પાદ પ્રાણીઓની કેટલીક જાતિઓના સંપૂર્ણ જીવાવશેષોના અસંખ્ય નમૂના મળી આવેલા છે. સખત અસ્થિયુક્ત કોંગ્લૉમરેટ અહીંનો પ્રાદેશિક ખડક છે. તેમાં મધ્ય તેમજ ઊર્ધ્વ તૃતીય જીવયુગ(માયોસીનથી પ્લાયોસીન કાળ)નાં બકરાં (capra) અને ડુક્કર (sus); ડાઇનોથેરિયમ, મૅસ્ટોડૉન જેવી હાથીની જાતિઓ; રાઇનોસિરસ, હિપોપૉટેમસ, બ્રહ્માથેરિયમ, શિવાથેરિયમ, ઘોડા, બળદ, સાબરના અને મગરનાં જુદાં જુદાં સ્વરૂપોના, સ્વચ્છ જળના કાચબાના અને ઘણા મોટા કદની માછલીઓના અવશેષો અને તે ઉપરાંત ખોપરીઓ, અંગોપાંગોનાં અસ્થિઓ, જડબાં અને દાંત વગેરે જોવા મળે છે. આ પૈકીના ઘણા અવશેષો તો ટાપુના અગ્નિકોણના કિનારાના કોંગ્લૉમરેટ પર થયેલી મોજાંની ક્રિયા દવારા રચાયેલા સમુદ્રતટીય નિક્ષેપોમાં જડાયેલા જોવા મળે છે. ભાવનગરનું પ્રકૃતિમંડળ જ્યારે જ્યારે આ ટાપુની મુલાકાત ગોઠવે છે ત્યારે આ અવશેષોના વિસ્તારમાં લઈ જાય છે.

ઇતિહાસ : પીરમનો ટાપુ દિલ્હીના કોઈ એક શહેનશાહે એક કાળે ઘોઘાના કસબાતીઓને સોંપેલી મિલકતનો એક ભાગ ગણાતો હતો. ચૌદમી સદીની શરૂઆત સુધી તે બારિયા કોળીના કબજામાં હતો. 1325માં તે ઉમરાળાના મોખડાજી ગોહિલના કબજામાં આવેલો. પોતાનું સ્થાન મજબૂત બનાવવા માટે ટાપુ પર બાંધેલા કિલ્લામાં રહીને મોખડાજીએ આજુબાજુનાં બંદરો પર ધાક બેસાડેલી. ટાપુ નજીકથી પસાર થતાં બધાં જ વહાણો પાસેથી તે વેરો વસૂલ કરતો હતો. ખંભાતનો એક વેપારી પોતાના વહાણમાં ‘તેજમતુરી’ (સુવર્ણરજવાળી માટી) ભરીને જતો હતો, તેની પાસે દાણ માગતાં, વહાણમાં માત્ર રેતી જ છે તેમ જણાવ્યું. તપાસ કરતાં તે સુવર્ણરજવાળી માટી હોવાથી વહાણ જપ્ત કર્યું. તેનો બદલો લેવા વેપારીએ દિલ્હી જઈ મહમ્મદ તુગલુકને ફરિયાદ કરી. મહમ્મદ તુગલુકે પીરમ પર છાપો માર્યો. ધીંગાણામાં મોખડાજી મરાયો. તે પછી આ ટાપુ નિર્જન બન્યો. ઘોઘાથી કોળિયાકના માર્ગ પર એક ટેકરી પર મોખડાજીની દેરી આવેલી છે. તે અરસામાં ત્યાં દર્શનાર્થે જતા ખલાસીઓ ત્યાં બેસીને મોખડાની યાદમાં અફીણનો કસુંબો ખાસ લેતા. ખંભાતના અખાતમાંથી પસાર થતા હિંદુ ખલાસીઓ આજે પણ મોખડાજીને યાદ કરે છે. કહેવાય છે કે મોખડાજી ગોહિલે કિનારાની મુખ્ય ભૂમિથી પીરમ સુધી જવા-આવવા માટે સેતુ બાંધેલો, જેનો પાયો કદાચ મજબૂત ન હતો, તેથી સમય જતાં મોજાંના મારથી તે તૂટતો ગયો, દબાતો ગયો અને ખરાબામાં ફેરવાઈ ગયો. આજે તેના ખંડિત અવશેષો જ માત્ર નજરે પડે છે. ચૌદમી સદીથી અઢારમી સદીના અંત સુધી એટલે કે મુઘલોના શાસનનો અંત આવ્યો ત્યાં સુધી આ ટાપુ પર કોઈ ખાસ વસ્તી નભી શકી નહિ. તે પછી સૂરતના મુલ્લા મુહમ્મદ અલી નામના કોઈ એક વેપારીએ પોતાનું વ્યક્તિગત વર્ચસ્વ જમાવવાના ઇરાદાથી પીરમ પર કિલ્લો બાંધ્યો, પરંતુ અહીંનું હવામાન માફક ન આવવાથી તેના માણસો તેને છોડીને નાસી ગયા. મુલ્લાએ પીરમનો ટાપુ છોડી દીધો. આ કિલ્લાના ખંડિયેરના અવશેષોમાંથી દીવાદાંડી બાંધવામાં આવી, જેનું કેટલાક વખત અગાઉ સમારકામ પણ કરવામાં આવેલું છે. મંદિરોના કેટલાક અવશેષો ઉપરાંત, 1836માં અહીંથી બુદ્ધની આસનસ્થ પ્રતિમા મળી આવેલી છે. કર્મચારીઓનાં મકાનોનું બાંધકામ કરવા માટે થયેલા ઉત્ખનન દરમિયાન 1.25 મીટર ઊંચાઈવાળી અને 50 સેમી. પહોળાઈવાળી કાળભૈરવની મૂર્તિ પણ મળી આવેલી છે.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ