પીર કમાલુદ્દીન સૈયદ

January, 1999

પીર કમાલુદ્દીન સૈયદ (. .ની પંદરમી સદી) : ચિશ્તિયા સંપ્રદાયના ફારસી ભાષાના લેખક. સૈયદ કમાલુદ્દીને ઈરાનના કઝવીન શહેરમાંથી હિજરી સંવત નવમા સૈકામાં ગુજરાતમાં ભરૂચ આવીને વસવાટ કર્યો હતો. તેઓ કઝવીન શહેરના હોવાથી ઇસ્લામી પરંપરામાં કઝનવી (રહ.) તરીકે પ્રસિદ્ધ છે. તેમના પિતાનું નામ સૈયદ શફીઉદ્દીન હતું, જેઓ હુસૈની સૈયદ હતા. તેઓ દક્ષિણ ભારતના ગુલબર્ગા શહેરના વિખ્યાત સંત હજરત સૈયદ મહંમદ ગેસૂદરાઝના શિષ્ય બન્યા હતા અને ચિશ્તિયા સિલસિલાની ખિલાફત પ્રાપ્ત કરી હતી. તેમને સમાઅનો એટલે કે સૂફી સંગીતનો ઘણો શોખ હતો. તેમણે એ વિષયમાં ‘મઝહરુલ હક ફી બયાની ઇબાહતિસ્સિમાઅ’ નામનું પુસ્તક લખ્યું છે, જેની હસ્તપ્રત મુંબઈની જામી મસ્જિદના કિતાબખાનામાં છે. આ ઉપરાંત તેમણે ‘બાઝારે મુસ્તફા વ ખરીદારે ખુદા’ નામનો ‘રિસાલો’ પણ લખ્યો છે. મુસ્લિમ તવારીખકારોના જણાવ્યા પ્રમાણે તેમનો તકિયો વિદવાનો અને સૂફીઓથી ભરેલો રહેતો હતો. તેમનો મજાર ભરૂચમાં વેજલપુર ખાતે નનામિયાંના કબ્રસ્તાનમાં આવેલો છે. તેમનું નામ ગુજરાતના ચિશ્તિયા સંપ્રદાયમાં ઘણું જાણીતું છે.

ચીનુભાઈ નાયક