પીપ : મોટું ઊભું મજબૂત નળાકાર આકારનું પાત્ર. સામાન્યત: તે લાકડા અથવા ધાતુમાંથી બનાવવામાં આવે છે. લાકડાનાં પીપો હવે બહુ પ્રચલિત નથી.

સૂકી વસ્તુઓ ભરવા માટે વપરાતાં પીપો પોચા લાકડામાંથી બનાવવામાં આવે છે ને તેમને બનાવવા માટે, નિષ્ણાત કારીગરોની જરૂર રહેતી નથી; જ્યારે પ્રવાહી ભરવા માટે વપરાતાં પીપ, ઊંચા પ્રકારના લાકડામાંથી નિષ્ણાત કારીગરોની મદદથી બનાવાય છે.

પીપનાં પાટિયાં અને છેડા એક વર્ષ સુધી રાખીને તેમને હવાની મદદથી ભેજમુક્ત કરવામાં આવે છે અને ત્યાર બાદ 10થી 20 દિવસ સુધી, ભઠ્ઠીની ગરમીની મદદથી તેમનો રહ્યોસહ્યો ભેજ દૂર કરવામાં આવે છે. પીપનાં પાટિયાંઓને જોડવા માટે ઘણી જ નિપુણતાની જરૂર પડે છે – ખાસ કરીને છેડાઓના જોડાણમાં. પાટિયાંના જોડાણમાંથી પ્રવાહી બહાર આવે નહિ અને પ્રવાહીના ભરવાથી થતા લાકડાના કદ-વધારાની અસર રહે નહિ તેની તકેદારી રાખવી પડે છે.

પીપ ઘણાં જ ટકાઉ હોય છે અને તેના આકારને લઈને તે વાપરવા માટે વધુ અનુકૂળ થાય છે; પરંતુ તે વજનદાર હોય છે અને મોંઘાં પણ પડે છે. ચિનાઈ માટી, લોખંડ, ઍલ્યુમિનિયમ ઉપરાંત મિશ્ર ધાતુના પીપનો આજે ઉપયોગ થાય છે.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ