પીપ (drum) : ઉદવાહક (hoisting) ને ઉત્થાપક (lifting) યંત્રોમાં બેસાડેલો નળાકાર ભાગ. હાથથી વપરાતાં ઉદવાહકોમાં સમતલ ડ્રમ વપરાય છે. નાની શક્તિવાળાં ઉદવાહકોમાં પણ આ જ પ્રકારનાં ડ્રમ વપરાય છે. મોટી શક્તિવાળાં ઉદવાહકોમાં ખાંચાવાળાં ડ્રમ વપરાય છે. ડ્રમને વેલ્ડિંગ કરીને અથવા ઢાળી(cast)ને બનાવવામાં આવે છે અને તેની પસંદગી ઉત્પાદનની ગુણવત્તા ઉપર આધારિત છે. મોટા જથ્થામાં બનાવવામાં આવે તો ઢાળીને બનાવેલાં ડ્રમ સસ્તાં પડે છે. ડ્રમનો પરિકક્ષ (shell) સ્ટીલની પ્લેટમાંથી બનાવવામાં આવે છે અને પછી છેડાની પ્લેટ સાથે વેલ્ડિંગ કરીને જોડવામાં આવે છે. ઢાળેલાં ડ્રમ કરતાં આ જાતનાં ડ્રમ વધુ મજબૂત, સંતુલિત (balanced) અને આંતરિક ખોડ(defect)થી મુક્ત હોય છે. આવી જાતનાં ડ્રમની જાડાઈ પણ ઓછી હોઈ પ્રવેગ-આધારિત બળો ઘટી જાય છે. ડ્રમ અને વાયર-રોપ  બંનેનું આયુષ્ય વધારવા માટે, ડ્રમનો અંતરાલવૃત્ત વ્યાસ (pitch circle diameter) રોપના વ્યાસ કરતાં 20ગણો રાખવામાં આવે છે. લાંબા આયુષ્ય માટે આ માપ 45થી 60 ગણું પણ રાખવામાં આવે છે. ડ્રમની ઉપર રોપને બેસાડવા ઢાળેલા ડ્રમમાં ખાંચા પાડવામાં આવે છે. આ સિવાય અન્ય રીતો પણ ઉપલબ્ધ છે, જેથી રોપને ડ્રમ ઉપર બરાબર બેસાડી શકાય.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ