પીપાજી (14મી સદીનો ઉત્તરાર્ધ) : રામાનંદની શિષ્યપરંપરાના સંત. કબીર અને રૈદાસે પણ એમનો ઉલ્લેખ કરેલો છે. ભક્તમાલના ટીકાકાર પ્રિયદાસે ‘પીપાજી કી કથા’ નામે કાવ્ય લખીને પીપાજીના જીવન વિશે માહિતી આપી છે. તેઓ ગાગારૌનગઢ()ના ખીમી ચૌહાણ વંશના ચોથા રાજા હતા. મૂળમાં તેઓ શાક્ત ધર્મના પાલક અને કાલીના પૂજક હતા. એક વાર ધીરમાં આવેલા વૈષ્ણવ સાધુનું ઉચિત સમ્માન નહિ કરવાને કારણે કૃષ્ણભક્ત વૈષ્ણવ સાધુએ દેવી કાલીને એવી પ્રાર્થના કરીને વિનંતી કરી કે રાજાના મનમાંથી તેઓ કાલી અને કૃષ્ણ વચ્ચેનો ભેદભાવ જતો રહે. દેવીની કૃપાથી રાજાના મનમાં કૃષ્ણભક્તિના અંકૂર ફૂટ્યા અને કાશી જઈને મહાત્મા રામાનંદ પાસે દીક્ષા લીધી. ત્યારબાદ પોતાની છોટી રાણી સીતા રાથે દ્વારકાની યાત્રા કરી. ત્યાંથી તીર્થાટન પર નીકળી પડ્યા. વૃંદાવનમાં તેઓએ એક દરિદ્ર બ્રાહ્મણને ત્યાં મુકામ કર્યો. બ્રાહ્મણ પત્નીએ પોતાની પહેરેલી ઓઢણી અને સાડી વેચીને એમનો સત્કાર કર્યો. આ વાતની ખબર પડતાં સીતાદેવીએ પોતાનાં અડધાં વસ્ત્ર બ્રાહ્મણીને આપી એની લજ્જાનું રક્ષણ કર્યું. રાજાને આ ઘટનાથી ખૂબ ગ્લાનિ થઈ અને બ્રાહ્મણનું દારિદ્ય દૂર કરવા શ્રીકૃષ્ણને અંતરથી પ્રાર્થના કરી પોતે ત્યાંથી પ્રસ્થાન કર્યું. ‘હરિકો ભજે સો હરિકા હોઈ’નું રામાનંદનું સૂત્ર લઈને ઘૂમનારા શિષ્યોમાં પીપાજીની ગણના થવા લાગી. તેમણે રચેલાં થોડાં પદો સિવાય કોઈ સ્વતંત્ર કૃતિ રચ્યાનું જાણમાં નથી.
પ્રવીણચંદ્ર પરીખ