પીપળો : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના મોરૅસી (વટાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus religiosa Linn. (સં. અશ્વત્થ, પિપ્પલ, ચલપત્ર, બોધિદ્રુ, કુંજરાશન, ચૈત્યવૃક્ષ, બોધિવૃક્ષ; હિં. પીપલ,  પીપ્લી, બં. અશ્વત્થ, આશુદ; મ. પીંપળ, અશ્વત્થ; ગુ. પીપળો, તા. અશ્વત્થમ, અરસુ; તે. અશ્વત્થમુ, બોધિ; મલ. અશ્વત્થમ્, અરચુ, આયલ; ક. અશ્વત્થ, અરબીમાળા; ફા. દરખ્તે લર્જા; અ. શજ્રતુલ મુર્તઅશ; અં. સેક્રેડ ફિગ, પોપ્લર લિવ્ડ, ફીગ ટ્રી) છે.

પ્રસ્તાવના : પીપળાને હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં ગૌતમ બુદ્ધને આ વૃક્ષ હેઠળ બોધિજ્ઞાન થયેલું હોવાથી તેને ‘બોધિવૃક્ષ’ કહે છે. જૈન ધર્મમાં ચૌદમા તીર્થંકર અનંતનાથને આ વૃક્ષ નીચે કેવળજ્ઞાન થયેલું, તેથી તેને ‘ચૈત્ય વૃક્ષ’ કહે છે. પીપળો શ્રીકૃષ્ણ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. ભગવદ્ગીતામાં તેઓ કહે છે, ‘વૃક્ષોમાં હું અશ્વત્થ છું…..’ કૃષ્ણનું મૃત્યુ પણ આ વૃક્ષ હેઠળ થયું હોવાનું મનાય છે. સ્કંધ પુરાણમાં પીપળાને વિષ્ણુનું પ્રતીક ગણવામાં આવ્યું છે. કેટલાક માને છે કે આ વૃક્ષમાં ત્રિમૂર્તિનો નિવાસ છે. મૂળમાં બ્રહ્મા, થડમાં વિષ્ણુ અને પર્ણોમાં શિવજીનો વાસ છે.

વિતરણ : પીપળો ભારતનું મૂળવતની વૃક્ષ છે. તેનો ઉદભવ ઉત્તર અને પૂર્વ ભારતમાં થયો હોવાનું માનવામાં આવે છે, જ્યાં તે ઉચ્ચભૂમિઓ અને મેદાનોમાં તથા 1650 મી.ની ઊંચાઈ સુધી પહાડી વિસ્તારોમાં બહોળા પ્રમાણમાં થાય છે. તે ભારતીય ઉપખંડ અને દક્ષિણ એશિયામાં સર્વત્ર થાય છે. તેને હિંદુ મંદિરોમાં, બૌદ્ધ મઠોમાં, તીર્થસ્થાનોમાં અને રસ્તાની બંને બાજુએ ઉગાડવામાં આવે છે. તેને ઘણા ઉષ્ણ પ્રદેશોમાં દક્ષિણ આફ્રિકાથી હવાઈ અને ફ્લોરિડા સુધી ઉછેરવામાં આવે છે, પરંતુ તેના ભારતીય વતનથી દૂર તેનું પ્રાકૃતીકરણ થઈ શક્યું નથી; કારણ કે તે Blastophaga quadraticeps નામના પરાગવાહક (pollinator) ફૂદા ઉપર પરાગનયન માટે આધાર રાખે છે. ઇઝરાયલ એક અપવાદ છે, જ્યાં આ ફૂદાનો સફળતાપૂર્વક પ્રવેશ થઈ શક્યો છે.

બાહ્યાકારવિદ્યા (Morphology) : તે અતિમોટું (ઊંચાઈ 30 મી. સુધી અને થડનો વ્યાસ 3 મી. સુધીનો), અતિદીર્ઘાયુ, અર્ધસદારહિત (semievergreen) વૃક્ષ છે. છાલ બદામી કે ભૂખરા રંગની, 1.0-2.5 સેમી. જાડી, ત્વક્ષા(cork)ના અપશલ્કન(exfoliation)ને કારણે બહારની સપાટી અસમ; અંદર સપાટી લીસી, બદામી રંગની રેસામય, સ્વાદ કષાય (astringent) હોય છે. પર્ણો સાદાં, એકાંતરિત, ચળકતાં, હૃદયાકાર, પર્ણાગ્ર લાંબું અને અણીવાળું, 10-17 સેમી. લાંબા અને 8-12 સેમી. પહોળા અને પર્ણદંડ 6-10 સેમી. લાંબો હોય છે. પર્ણો 6-8 જોડ પાર્શ્ર્વશિરાઓ ધરાવે છે.

પીપળો : પાન અને ફળ સાથેની ડાંખળી

પુષ્પો ઉદુમ્બરક (hypanthodium) પ્રકારના ગોળાકાર પુષ્પવિન્યાસમાં ગોઠવાયેલાં હોય છે. ગોળ પુષ્પવિન્યાસના પોલાણમાં અંદરની દીવાલ ઉપર નર પુષ્પો, માદા પુષ્પો અને વંધ્યપુષ્પો (gall flowers) આવેલાં હોય છે. બીજ નિર્માણની ક્રિયાનો આધાર Blastophaga quadraticeps નામના પરાગવાહક ફૂદા પર રહેલો છે. પુષ્પનિર્માણ ફેબ્રુઆરીમાં થાય છે.

ફળનિર્માણ મે-જૂનમાં થાય છે. ફળ સંયુક્ત, ઉદુમ્બરક પ્રકારનું, ગોળાકાર છતાં ટોચેથી ચપટું અને 12-13 મિમી. વ્યાસવાળું હોય છે. ફળમાં અસંખ્ય નાની ફલિકાઓ હોય છે. પ્રત્યેક ફલિકા ચર્મફળ (achene) પ્રકારની હોય છે. ફળના તલ ભાગે ત્રણ નિપત્રો (bracts) આવેલાં હોય છે. શરૂઆતમાં તેઓ લીલાં અને પાકે ત્યારે ઘેરા જાંબલી રંગનાં હોય છે. ફળો પાકતાં ઘણાં પક્ષીઓ અને પ્રાણીઓનો આહાર બને છે.

પીપળો સૌથી વધારે દીર્ઘાયુ ધરાવતાં વૃક્ષો પૈકી એક છે. શ્રીલંકામાં એક પીપળાનું આયુષ્ય 1000 વર્ષ કરતાં વધારે આંકવામાં આવ્યું છે.

વનસ્પતિરસાયણ (phytochemistry) : તેના શુષ્ક ફળના એક રાસાયણિક વિશ્લેષણ મુજબ, તેમાં ભેજ 9.9 %, આલ્બુમિનૉઇડ્ઝ 7.9 %, મેદીય દ્રવ્ય 5.3 %, કાર્બોદિત 34.9 %, રંગીન દ્રવ્ય 7.5 % ભસ્મ 8.3 %, સિલિકા 1.85 % અને ફૉસ્ફરસ (P2O5) 0.69 % હોય છે.

તેનાં શુષ્ક પર્ણોના એક રાસાયણિક વિશ્લેષણ મુજબ, તે અશુદ્ધ પ્રોટીન 13.99 %, ઈથર-નિષ્કર્ષ 2.71 %, અશુદ્ધ રેસા 22.36 %, નાઇટ્રોજન-મુક્ત નિષ્કર્ષ 46.02 %, કુલ ભસ્મ 15.06 %, ચૂનો (CaO) 4.64 % અને ફૉસ્ફરસ (P2O5) 0.52 % ધરાવે છે. તેનાં પર્ણોમાં પ્રોટીન ઘાસ કરતાં 2થી 3ગણું અને શિંબી વનસ્પતિઓ કરતાં 2થી 3ગણું ચૂનાનું પ્રમાણ હોય છે. આમ તેમાં પર્ણો પોષક તત્ત્વોથી ભરપૂર હોવા છતાં તેનો પાચક-આંક નીચો હોય છે.

સારણી1 : પીપળાના વિવિધ ભાગોમાંથી પ્રાપ્ત થયેલાં રાસાયણિક ઘટકો

ક્રમ વનસ્પતિનું અંગ રાસાયણિક અંગો
ટૅનિન, મીણ, સેપોનિન, લ્યુકોઍન્થોસાયેનિનોના* ત્રણ મિથાઇલ ઈથર, ડેલ્ફિનિન્ડીન-3-0-α-L-ર્હૅમ્નોસાઇડ II, પૅલાર્ગોનિડિન-3-0-α-L-રહેમ્નોસાઇડ
1 મૂળ લ્યુકોસાયેનિડીન-3-0-β-D-ગેલૅક્ટોસિલ-સેલોબાયોસાઇડ (III), લ્યુકોઍન્થોસાયનિનોના-20-ટેટ્રાટ્રાઇએકોન્ટેન-2-ઓન, પેન્ટાટ્રાઇએકોન્ટેન-5-ઓન, 6-હેપ્ટાટ્રાઇએકોન્ટેન-10-ઓન, મેસોએનાઇસો સિટલ ફિનોલો, ટૅનિનો, સ્ટેરૉઇડો, આલ્કેલૉઇડૉ, ફ્લેવોનૉઇડો, β-સિટોસ્ટેરીલ-D-ગ્લુકોસાઇડ, વિટામિન K
2 છાલ

n-ઓક્ટેકોસેનૉલ, મિથાઇલ ઑલીએનોલેટ, લેનોસ્ટેરૉલ, સ્ટિગ્મેસ્ટેરૉલ, લ્યુપેન-3-ઓન પ્રોટીન (4.9 %), આવશ્યક ઍમિનોઍસિડો (આઇસોલ્યુસીન અને ફીલીન એલેનીન), ફ્લેવૉનો (કૅમ્પ્ફેરૉલ,ક્વિર્સેટિન, માયરિસેટિન), કુલ ફીનૉલીય દ્રવ્યો, કુલ ફ્લેવોનૉઇડો, લિનોલેઇક ઍસિડ, ઍસ્પર્જિન

3. ફળો ટાયરોસીન, અન્ડેકેન, ટ્રાઇડેકેન, ટેટ્રાડેકેન, (e)-β-ઓસિમીન, α-થુજીન, α-પિનીન, β-મિનીન, α-ટર્પિનીન, લિમોનીન, ડેન્ડ્રોલેસીન, α-લેન્ગીન, α-કોપીન, β-બાઉર્બોનીન, β-કેર્યોફાયલીન, α-ટ્રાન્સબર્ગેમોટીન, એરોમેડેન્ડ્રીન, α-હ્યુમ્યુલીન, એલોએરોમેડેન્ડ્રી, જર્માક્રીન, δ-કેડિનીન, ϒ-કેડિનીન ફાયટોસ્ટેરોલીન, β-સિટોસ્ટેરૉલ અને તેનો ગ્લાયકોસાઇડ
4 બીજ આલ્બુમિનૉઇડો,  કાર્બોહાઇડ્રેટો, મેદ દ્રવ્ય, રંગીન દ્રવ્ય, કૂચુક 0.7-1.5 %, કૅમ્પેસ્ટ્રૉલ સ્ટિગ્મેસ્ટેરૉલ, આઇસોફ્યુ-કોસ્ટેરૉલ, α-ઍમાયરિન, લ્યુપિઑલ, ટૅનિકઍસિડ, આર્જિનીન, સેરીન,
5 પર્ણો ઍસ્પાર્ટિક ઍસિડ, ગ્લાયસીન, થ્રિઓનીન, એલેનીન, પ્રોલીન, ટ્રીપ્ટોફેન, ટાયરોસીન, મેથિઓનીન, વેલાઇન, આઇસોલ્યુસીન, લ્યુસીન, n-નોનએકોસેન, n-હેન્ટ્રાઇઍકોન્ટેન, હેક્ઝા-કોસેનૉલ

* લ્યુકોઍન્થોસાયનિનોના આ મિથાઇલ ઈથર પ્રકાંડની છાલમાં પણ હોય છે.

પ્રણાલિકાગત ઉપયોગો : પીપળાના પ્રણાલિકાગત ઉપયોગો આ પ્રમાણે છે : (1) પર્ણો રેચક અને બલ્ય છે. તેઓ શરદીમાં તાવ જેવી થતી લાગણીમાંથી મુક્ત કરે છે. તે સ્રાવ અથવા રક્તસ્રાવને અટકાવવામાં ઉપયોગી છે. આવા કિસ્સાઓમાં તાજાં પર્ણોનો 50 મિલી. રસ અથવા સૂકાં પર્ણોનું ચૂર્ણ એક ચમચી પાણી સાથે લેવામાં આવે છે. (2) પીપળાનાં પર્ણોનો હૃદયના રોગોની ચિકિત્સામાં ઉપયોગ થાય છે. દિવસમાં ત્રણ વાર 15 મિલી. આસવ (infusion) હૃદયની ધડકનો (palpitations) અને હૃદયની નબળાઈમાં ખૂબ અસરકારક હોય છે. (3) પીપળાનાં પર્ણો છાયામાં સૂકવી તેનું ચૂર્ણ બનાવી તેમાં સૂવા અને ગોળનું દ્રાવણ ઉમેરી ગુટિકાઓ વાળવામાં આવે છે. તે જ રીતે ફળો સૂકવી તેનું સાકર સાથે સમપ્રમાણમાં મિશ્રણ કરી રાત્રે સૂતી વેળા 4-6 ગ્રામ દૂધ સાથે લેવાથી તે પછીની સવારે ખુલાસીને મળ થાય છે. (4) પીપળાનાં પર્ણો ઘીમાં વાટી ગરમ કરી સોજાવાળા ભાગ ઉપર કે ગાલપચોળા ઉપર લગાડવાથી રાહત થાય છે. તે ગૂમડા ઉપર લગાડવાથી ગૂમડું ફાટે છે અને જો પ્રાથમિક અવસ્થામાં હોય તો મટી જાય છે. (5) યોનિના ઘણા રોગોમાં યોનિને સ્વચ્છ કરવા છાલના ક્વાથનો પ્રક્ષાલક તરીકે  ઉપયોગ કરવામાં આવે છે. પીપળ અને આમલીની છાલનો ક્વાથ અથવા તાજો નિષ્કષિત રસ મુશ્કેલરૂપ આર્તવ અને અનાર્તવમાં પિવડાવવામાં આવે છે. ગર્ભપાતના ભય કે વલણ ધરાવતી સગર્ભા સ્ત્રીઓને 6 ગ્રા. જેટલું છાલનું ચૂર્ણ નારંગીની છાલના ક્વાથ સાથે એક અઠવાડિયા માટે દિવસમાં 3-8 વાર આપવામાં આવે છે. (6) ઉદરમાં થતી અસહ્ય ઉગ્ર વેદના  છાલનો મીઠા અને ગોળ સાથેનો ક્વાથ લેવાથી મટે છે. વૃક્ષની આંતરછાલથી ઉગ્ર અને વારંવાર થતી ઊલટીઓ શાંત થાય છે. છાલનું ચૂર્ણ 480-960 મિગ્રા.ની માત્રા મધ સાથે આપવાથી કફને કારણે થતી ઊલટીઓ મટે છે.  પીપળની છાલ બાળી પાણી સાથે આપવાથી અનિયંત્રિત તૃષા છિપાય છે. દૂધમાં રાંધેલા વૃક્ષના અંકુરોને ગાળી બસ્તિ આપવાથી મરડો, મળાશય ભ્રંશ (rectal prolapse), રક્તસ્રાવ અને જ્વર મટે છે. (7) પીપળ જ્વરમાં અસરકારક છે; કારણ કે તે શીત ગુણધર્મ ધરાવે છે. પાંચ લિટર પાણીમાં 50 ગ્રા. છાલ લઈ તેને 100 મિલી. જેટલું પ્રવાહી રહે ત્યાં સુધી ઉકાળી, ગાળી તેમાં થોડું મધ ઉમેરી સવાર-સાંજ અર્ધું અર્ધું લેવાથી ઉગ્ર આમવાત (rheumatism) શાંત થાય છે. (8) દમના રોગીને શુષ્ક ફળનું ચૂર્ણ પાણી સાથે આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારના કફમાં તે મધ સાથે લેવાથી કફમાં રાહત થાય છે. તે સ્વરની સુધારણા કરે છે. બાળકોને ઉટાંટિયામાં પીપળની લાખ 360 મિગ્રા., 3 ગ્રામ માખણ સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી લાભ થાય છે. (9) ખૂજલી (itch) અને ખરજવા(eczema)ના દર્દીને પીપળાની છાલનો ક્વાથ પીવાની સલાહ આપવામાં આવે છે. ફોલ્લાઓ ઉપર પાણી સાથે છાલ ઘસી તેની પેસ્ટ લગાડવામાં આવે છે. જૂના પીપળાની છાલ ઉપર કાગળ જેવું પાતળું આવરણ ઉત્પન્ન થાય છે. તે સૂકવી સૂક્ષ્મ ચૂર્ણ બનાવાય છે. વ્રણ ઉપર તલના તેલનું પાતળું સ્તર કરી તેના ઉપર આ ચૂર્ણ છાંટવામાં આવે છે. જો વ્રણમાંથી સ્રાવ થાય તો ફરીથી તેલ લગાડી તેના ઉપર ફરીથી ચૂર્ણનો જાડો થર કરવાથી ઉગ્ર વ્રણનું વિરોહણ સરળતાથી થાય છે. (10) છાલનો ક્વાથ કે શીતળ આસવ દાંતનાં પેઢાં મજબૂત બનાવે છે અને દાંતની ઉગ્ર પીડામાં આરામ આપે છે. તરુણ પર્ણોને તલના તેલમાં દળી ધીમા તાપે તેને ગરમ કરી પીડાદાયી કાનમાં તેનાં ટીપાં નાખવાથી દર્દ દૂર થાય છે.

ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો : પીપળાના ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મો આ પ્રમાણે છે :

(1) વ્રણરોધી (antiulcer), (2) પ્રતિઆક્ષેપક (anticonvulsant), (3) શ્વસની આકર્ષ (bronchospasm), (4) પ્રતિઉપચાયી (anti-oxidant), (5) શોથહર (anti-inflammatory), (6) પ્રતિસૂક્ષ્મજીવીય (antimicrobial), (7) કૃમિહર (anthelmintic), (8) ચિંતાહર (anti-anxiety), (9) પ્રતિકૅન્સર (anti-cancer), (10) મધુપ્રમેહરોધી (antidiabetic), (11) અમનસ્કતારોધી (anti-amensic), (12) દમરોધી (anti-asthamatic), (13) કંપવા/પાર્કિન્સનરોધી (anti-parkinsons), (14) પ્રતિપરજીવીય (antiparasitic), (15) એસિટાઇલ કોલીનએસ્ટરેઝ પ્રતિરોધક, (16) યકૃત – વૃક્ક અને ત્વચાસંરક્ષી (hepato-, nephro- and dermato-protective), (17) વેદનાહર (analgesic), (18) કોષવિષાળુ (cytotoxic), (19) પ્રોટીનલયી (proteolytic), (20) પ્રતિરક્ષાસમાયોજક (immunomodulatory), (21) ફૂગરોધી (antifungal).

ચિરપ્રતિષ્ઠિત (classical) વર્ગીકરણ : ચરક પીપળાને મૂત્રસંગ્રહણીય અને કષાય સ્કંધમાં; સુશ્રુત અને વાગ્ભટ ન્યગ્રોધાદિ ગણમાં, ભાવપ્રકાશ વાતાદિ વર્ગમાં; ધન્વન્તરિ અને રાજનિઘંટુઓ અમરાદિ વર્ગમાં અને કૈયદેવ નિઘંટુ ઔષધિ વર્ગમાં મૂકે છે.

આયુર્વેદીય ગુણધર્મો

ગુણ
ગુણ – ગુરુ, રુક્ષ રસ – કષાય, મધુર
વિપાક – કટુ વીર્ય – શીત
કર્મ

તે કફપિત્તશામક; વર્ણ્ય, વ્રણરોપણ, વેદનાસ્થાપન, શોથહર, રક્તશોધક, છાલ સ્તંભન, પાકું ફળ મધુર હોવાથી સ્નેહન, અનુલોમન અને મૃદુરેચન, રક્તપિત્તશામક, છાલ કફઘ્ન અને ફળ શ્ર્વાસહર, છાલ, મૂળ, ફલ અને ત્વક્ ગર્ભસ્થાપન અને વાજીકરણ તથા મૂત્રસંગ્રહણીય છે.

પ્રયોગ : તેનાં પાકાં ફળ હૃદ્ય અને શીતળ છે. તે ઉપદંશ, હેડકી, ઊલટી, રક્તઅશુદ્ધિ, ખસ, ફોલ્લીઓ, મોઢામાં પડતી ચાંદીઓ, ક્ષતકાય અને ઉર:ક્ષતક્ષય, દાહજ્વર, અગ્નિવ્રણ, સ્તનરોગ, રક્તાતિસાર, ક્ષય, નીલમેહ, હનુગ્રહ, રક્તપિત્ત, પ્રદર, દમ, ઉધરસ અને અફીણના વિષ પર દવા તરીકે કામ આવે છે. તેના મૂળની છાલનો ક્વાથ મધ સાથે પીવાથી ત્રિદોષજન્ય દારુણ વાતરક્ત મટે છે. તેની છાલનું સૂક્ષ્મ ચૂર્ણ ઘા ઉપર છાંટવાથી જલદી રૂઝ આવે છે. તેનાં ફળ, મૂળ, છાલ અને શૃંગ – આ બધાંથી પકાવેલું દૂધ, સાકર અને મધ નાંખીને પીવાથી વાજીકરણ થાય છે. તેની કોમળ છાલ અસ્થિભંગમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનાં પાન ઉપર તેલ અને સિંધાલૂણ ચોપડીને પુટપાક-વિધિથી તેને પકવવામાં આવે છે અને તેનો રસ કાનમાં નાખતાં કાનના રોગો મટે છે.

તેના પર થતા વાંદાને દૂધમાં ઉકાળીને તે દૂધ પીવાનું અથર્વવેદમાં જણાવવામાં આવ્યું છે. તેની સૂકી છાલને બાળીને તેની રાખ પાણીમાં મેળવી તે પાણીને ઠરવા દેવામાં આવે છે. એ પછી તેને ગાળીને પીવાથી ગમે તેવી ઊલટી મટી જાય છે. તેની સૂકી છાલનું સૂક્ષ્મ ચૂર્ણ શરીરનો જે ભાગ દાઝ્યો હોય ત્યાં છાંટવામાં આવે છે. તેથી રાહત થાય છે. તેનાં લીલી છાલ અને પર્ણોને ખૂબ બારીક પીસી, તેમાં મધ મેળવી મોં આવ્યું હોય ત્યારે ચોપડવામાં આવે છે.

વળી સર્પવિષ દૂર કરવામાં પીપળાનાં પાનનો પ્રયોગ ચમત્કારિક પરિણામ લાવનારો હોવાનુંયે કેટલાક માને છે.

તેની છાલને કૂટી, તેને પાણીમાં ઉકાળી તે પાણીથી કોગળા કરવાથી દાંતનું કળતર મટે છે અને દાંતમાંથી નીકળતું લોહી દૂર થાય છે.

પ્રકાશસંશ્લેષણની દૃષ્ટિએ પીપળો વિશિષ્ટ વનસ્પતિ છે. મોટે ભાગે લીલી વનસ્પતિઓ દિવસે પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન CO2 શોષે છે અને O2 બહાર કાઢે છે, તથા રાત્રે શ્વસન દરમિયાન O2 લઈ CO2 બહાર કાઢે છે. પરંતુ પીપળો રાત્રે પણ  CO2 ગ્રહણ કરી ક્રેસ્યુલેશિયન ઍસિડ ચયાપચય (Crassulacean Acid Metabolism) પ્રકારનું પ્રકાશસંશ્લેષણ કરે છે. પીપળો અર્ધ પરરોહી (hemiepiphyte) છે. તેનું બીજ અન્ય વૃક્ષ કે આધાર (દા. ત., દીવાલ) ઉપર અંકુરણ પામી પરરોહી તરીકે જીવન ગુજારે છે. તેનાં મૂળ ભૂમિના સંપર્કમાં આવતાં પીપળો ભૂમિમાં સ્થાપિત થાય છે. એવું માનવામાં આવે છે કે તે પરરોહીજીવન દરમિયાન CAM ચક્ર દવારા કાર્બોદિતો ઉત્પન્ન કરે છે, જ્યારે તે ભૂમિમાં સ્થાપિત થાય છે ત્યારે C3 ચક્ર દવારા પ્રકાશસંશ્લેષણ કરે છે.

પીપળો દિવસ અને રાત CO2 લઈ ઑક્સિજન બહાર ફેંકે છે. તેથી તે વાયુપ્રદૂષણ દૂર કરવામાં ઉપયોગી છે. તે દર કલાકે 1700 કિગ્રા. ઑક્સિજન કાઢે છે, એવું તાજેતરમાં વૈજ્ઞાનિક પ્રયોગો દવારા સિદ્ધ થયું છે.

ઔષધ તરીકે ઉપયોગી – છાલ, કોમળ પર્ણો, ક્ષીરરસ, ફળ, શૃંગ

અંગ

માત્રા – ચૂર્ણ – 3-5 ગ્રા.

       ક્વાથ – 50-100 મિલી.

વિશિષ્ટ ઔષધોમાં પીપળો એક ઘટક તરીકે :

નલ્પમરાદિ તૈલમ, અરિમેદાદિ તૈલમ્, સારિવાહ્યાસવ, પચવલ્કાદિ તૈલમ્.

पिप्पलो दुजर: शीत: पित्तश्लेष्मव्रणास्रजित् ।

गुरुस्तुवरको रुक्षो वर्ण्यो योनिशोधन: ।।

ભાવ પ્રકાશ

पिप्पल: सुमधुरस्तु कषाय: शीतलश्च कफपित्तविनाशी ।

रक्तदाहशमन: स हि सधो योनिदोषहरण: किल पक्व: ।।

अश्वत्थवृक्षस्य फलानि पक्वान्यतीवह्यधानि चं शीतलार्नि ।

कुर्वन्ति पित्तास्रविषार्तिद्दाहविच्छर्दिशोषारुचिदोषनाशम् ।।

રાજનિઘંટુ

મ. ઝ. શાહ

મૃગેન્દ્ર વૈષ્ણવ

આદિત્યભાઈ છ. પટેલ