પીણાં (beverages) (આયુર્વિજ્ઞાન) : સ્ફૂર્તિ માટે પિવાતાં પીણાં. જરૂર પડ્યે કેટલીક વાર તે પાણીની અવેજીમાં પણ લેવાય છે. સામાન્ય રીતે તે સામાજિક રીતભાત અને મિલન મુલાકાતોમાં સંપર્ક અને ચર્ચા વધારવા નિમિત્તે વપરાય છે. તેમાં ચા, કૉફી, ફળોના રસ, ઉત્તેજક પાનકો (cordials) અને વાતાન્વિત જલ(aerated water)નો સમાવેશ થાય છે. મદ્યપાનમાં વપરાતા પેય પદાર્થો પણ સામાજિક રીતભાત સાથે સંકળાયેલા જોવા મળે છે.
ચામાં થેઇન નામનું દ્રવ્ય છે જે કૅફીન જેવું કાર્ય કરે છે. આ ઉપરાંત તેમાં ટૅનિન અને સુગંધ ઉત્પન્ન કરતું એક વિશિષ્ટ તેલ હોય છે. કૅફીન એક પ્રકારનું ઝેન્થિન જૂથનું રસાયણ છે. તે ચાની પત્તી, કૉફીના દાણા, કોલા-નટ અને કોકોના દાણામાં હોય છે. તે હૃદય, મગજ તથા ચેતાતંત્ર તેમજ મૂત્રપિંડના કાર્યને વધારે છે. મોં વાટે લેવાયા પછી તે ઝડપથી લોહીમાં પ્રવેશે છે. ચાની પત્તીમાં કૅફીનનું પ્રમાણ લગભગ 3 % જેટલું હોય છે. ચા, કૉફી, કોકો વગેરેમાંનું કૅફીનનું પ્રમાણ તેમની કક્ષા પર આધારિત છે. પાણીમાં જેટલો વધુ સમય ચાની પત્તી રાખી હોય તેટલા વધુ પ્રમાણમાં ચાના પીણામાં કૅફીન વધે છે. વળી ગરમ પાણી કરતાં ઊકળતા પાણીમાં પણ તેનું પ્રમાણ વધે છે. જો 5 મિનિટ સુધી ચાની પત્તીને ઊકળતા પાણીમાં રાખવામાં આવે તો 1 ચાના પ્યાલામાં 60થી 120 મિ.ગ્રા. જેટલું કૅફીન ઉમેરાય છે. તેને કારણે નાનાં બાળકોમાં તેની ઝેરી આડઅસરો જોવા મળે છે. ચામાં 7 %થી 14 % ટૅનિન હોય છે. 5 મિનિટ સુધી પાણીમાં ચાની પત્તી ઉકાળવામાં આવે તો 60થી 275 મિ. ગ્રા. ટૅનિન 1 પ્યાલા જેટલી બનાવેલી ચામાં હોય છે. જો ચાને ઠરવા દેવામાં આવે તો તેનું પ્રમાણ વધે છે. ચામાં દૂધ ઉમેરવાથી ટૅનિનની અસર ઘટે છે. ધાતુના પાત્રમાં ચા બનાવાય કે ભરવામાં આવે તો તેમાંનું ટૅનિન ધાતુ પર અસર કરે છે. તેથી ઘણે સ્થળે ચિનાઈ માટીનાં પાત્રોમાં ચા બનાવાય છે અને પીરસવામાં આવે છે. ચાને ‘કડક’ કરવા માટે વધુ પત્તી નાંખીને 5 મિનિટમાં કાઢી નાંખવી એ વધુ સલાહભર્યું છે; કેમ કે થોડી પત્તીને વધુ સમય રાખવાથી તેમાંનું ટૅનિન પણ ચાના પીણા સાથે આવે છે. તેવી જ રીતે ચાની પત્તી સાથે પાણીને ઉકાળવાને બદલે ચાને ગરમ પાણીમાં નાંખવી વધુ હિતાવહ છે, કેમ કે ચાની પત્તીને ઉકાળવાથી તેમાં ટૅનિનનું પ્રમાણ વધે છે. જો ચાની સાથે ખોરાક લેવામાં આવે તો ખોરાકમાંના લોહ સાથે તે અદ્રાવ્ય ક્ષાર બનાવે છે; જેથી લોહની ઊણપ સર્જાય છે. જોકે મહત્તમ થેલેસિમિયાના દર્દી માટે તે લાભકારક ગણાય છે. કૉફી પણ આ જ રીતે ઉપયોગી છે. 100 ગ્રામ ચામાં 10 ગ્રામ ફ્લોરાઇડ હોય છે. લીંબુ-ચાનું મિશ્રણ જો પૉલિસ્ટાયરિનના પાત્રમાં પીવામાં આવે તો તે દ્રવ્ય ચામાં ઓગળે છે અને તેથી આરોગ્ય માટે હાનિકારક પણ બને છે.
કૉફીમાં પણ કૅફીન, ટૅનિન અને સુગંધિત તેલ હોય છે; તેથી તેને માટે પણ ઉપર જણાવેલી માહિતી વત્તેઓછે અંશે લાગુ પડે છે. કૉફી જુદી જુદી રીતે બનાવાય છે. વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા તત્કાલ (instant) કૉફી અથવા દ્રાવ્ય કૉફી બનાવાય છે. કૉફીના દાણાને દળવામાં આવે તો તેમાંનું સુગંધિત તેલ ઝડપથી ઊડી જાય છે; માટે તેને કાં તો તાજી દળીને વપરાય છે, થોડા થોડા પ્રમાણમાં ખરીદાય છે અથવા હવાચુસ્ત પાત્ર(airtight container)માં ભરી રાખવામાં આવે છે. 2 ચમચી કૉફીના ભૂકા વડે બનાવેલી કૉફીમાં 60થી 120 મિ. ગ્રા. કૅફીન અને 200થી 240 મિગ્રા. ટૅનિન હોય છે. દિવસમાં 2 કે 3 કપ ચા કે કૉફી લેવાય તો તેને મધ્યમસરનું સેવન ગણાય છે.
ચા કે કૉફી છોડી દેવાને કારણે વિયોગજન્ય તકલીફો (withdrawal symptoms) થઈ આવે છે; જેમ કે માથું દુખવું, થાક લાગવો, ઢીલાશ લાગવી, સ્નાયુમાં દુખાવો કે શિથિલતા આવવી, મનોદશા(mood)માં ફેરફાર થવો વગેરે. શસ્ત્રક્રિયા પછી ઘણી વાર માથાનો દુખાવો થાય છે તેનું કારણ ચા કે કૉફી ન મળે તેવી સ્થિતિ હોય છે. કૅફીન વગરની કૉફી મળે છે. જેમને કૅફીનને કારણે આડઅસરો થતી હોય તેમને તે લાભકારક થાય છે. તેનો કોઈ અન્ય ફાયદો નથી. કૉફીનો ભાવ વધુ હોવાથી તેમાં શેકેલા વટાણા, અનાજ, કેટલાંક બીજ કે ચિકોરીની ભેળસેળ કરાય છે.
સવારે ચા કે કૉફી પીવાથી સ્ફૂર્તિ આવે છે તથા જઠર-સ્થિરાંત્રી ચેતા – પરાવર્તિત ક્રિયા(gastro-colic reflex)ને કારણે મળત્યાગની હાજત પણ ઉદ્ભવે છે. તેના દ્વારા પાણી મળે છે. તે ઝાડા થયા હોય ત્યારે પણ કામ આવે છે. તેનાથી પેશાબનું પ્રમાણ વધે છે. કડક ચા કે કૉફી વડે ક્યારેક દર્દીને થોડી રાહત પણ મળે છે. ચેતાતંત્રના અતિઉત્તેજનને કારણે નાનાં બાળકો માટે તે વર્જ્ય ગણાય છે. ભૂખ્યા પેટે લેવામાં આવે ત્યારે તેમની આડઅસરો સૌથી વધુ જોવા મળે છે. સામાન્ય માત્રામાં લેવાય તો હૃદયના ધબકારાની ખાસ કોઈ અનિયમિતતા જોવા મળતીં નથી; પરંતુ વધુ પ્રમાણમાં લેવાય તો તે મનોવિકારી ચિંતા જેવાં લક્ષણો પેદા કરે છે; જેમાં દર્દી આશંકિત થાય છે, તેના છાતીના ધબકારા વધે છે, નાડી ઝડપી અને અનિયમિત બને છે, તેની ઊંઘ ઊડી જાય છે તથા વારંવાર પેશાબ માટે જવું પડે છે. નાનાં શિશુઓના શરીરમાંથી કૅફીન ઝડપથી નીકળતું ન હોવાથી પોતાના બાળકને સ્તન્યપાન (breast feeding) કરાવતી માતાને કૉફી ન પીવાની કે ઓછી પીવાની સલાહ અપાય છે. આવી જ રીતે જેમને તે લીધા પછી ઊંઘ ન આવતી હોય તેમને પણ સાંજના તે ન લેવાનું સૂચવાય છે. વધુ ખાંડવાળાં કૉફી, ચા, ફળો કે વાતાન્વિત પ્રવાહીઓ લેવાથી ઝાડાનું પ્રમાણ વધે છે; માટે તેઓમાં પાણી ઉમેરીને તેમની સાંદ્રતા ઘટાડાય છે. ગાળેલી કૉફી વાપરવામાં આવે તો કોલેસ્ટેરૉલનું પ્રમાણ વધતું નથી. કૉફીને કારણે સ્વાદુપિંડનું કૅન્સર થાય છે એવું સાબિત થયેલું નથી. સગર્ભા માતા દ્વારા દિવસના 7 પ્યાલા જેટલી કૉફી પીવાથી ગર્ભપાત, મૃતશિશુજન્મ (still birth), કાલપૂર્વજન્મ (premature birth) કે જન્મજાત કુરચનાઓનું પ્રમાણ વધે છે.
ચા અને કૉફીમાંનાં ખાંડ અને દૂધ દ્વારા પોષક દ્રવ્યો મળે છે. જો વ્યક્તિ 3 ચમચી ખાંડ અને 2 ચમચી દૂધવાળા 8 પ્યાલા ચા કે કૉફી લે તો તે દિવસમાં 650 કૅલરીથી વધુ ઊર્જા મેળવે છે, જે તેની દૈનિક જરૂરિયાતનો ત્રીજો અથવા ચોથો ભાગ હોઈ શકે. માટે મધુપ્રમેહના દર્દીઓને ખાંડ વગરની ચા/કૉફી લેવાનું સૂચવાય છે. કૉફીમાંથી નિયાસિન નામનું વિટામિન-બી જૂથનું એક વિટામિન પણ મળે છે.
કોકોના બીજમાં ચરબી (તેલ), પ્રોટીન, સ્ટાર્ચ તથા 1 %થી 2 % થિયૉબ્રોમીન હોય છે. થિયૉબ્રોમીન કૅફીનના જૂથનું જ દ્રવ્ય છે અને તેની અસરો પણ તેવી જ છે. તેમાં કૅફીન પણ છે. તેમાં ટૅનિન નહિવત્ છે. તેનાથી ઓછી ઉત્તેજના થતી હોવાથી તે બાળકોને આપી શકાય છે. 2 ચમચી કોકોમાં 30થી 40 કૅલરી જેટલી ઊર્જા હોય છે. તેથી કોકોના દ્રાવણમાંથી મળતી ઊર્જા મુખ્યત્વે ખાંડ અને દૂધમાંથી મળે છે.
વાતાન્વિત પ્રવાહીઓ : તે માટે પાણીમાં ભારે દબાણ હેઠળ કાર્બનડાયૉક્સાઇડ વાયુ(અંગારવાયુ)ને ઓગાળવામાં આવે છે. તેથી જ્યારે બાટલીનું મોં ખોલવામાં આવે ત્યારે તેમાંથી પરપોટા રૂપે અંગારવાયુ બહાર આવે છે. સૌથી વધુ પ્રચલિત પીણું ‘સોડાવૉટર’ છે. વિવિધ પ્રકારનાં વાતાન્વિત પીણાં મળે છે. જેમને વાયુપ્રકોપ કે અજીર્ણ હોય તેઓ આ પ્રકારનાં પીણાંને પસંદ કરે છે. તાપમાં ગરમ થયેલી કે અતિશય હલાવેલી કાચની બાટલી ક્યારેક તૂટે છે માટે તેને ચહેરાથી દૂર રાખવી જરૂરી હોય છે. તેમાં ખાંડનું પ્રમાણ વધારે હોય તો તે ઝાડાના દર્દીમાં ઝાડાનું પ્રમાણ વધારે છે. ક્યારેક આવાં પીણાંને પારદર્શક દેખાડવા માટે તેમાં બ્રોમિનયુક્ત વનસ્પતિજ તેલ(brominated vegetable oil, BVO)નું તૈલનિલંબિત (emulsified) દ્રાવણ ઉમેરાય છે. આ દ્રવ્ય કૅન્સર કરે છે માટે તેના પર પ્રતિબંધ લાદવામાં આવે છે. નીચેની સારણીમાં વિવિધ પીણાંઓનું પોષણમૂલ્ય દર્શાવેલું છે :
વિવિધ પીણાંનું પોષણમૂલ્ય
પીણું |
કદ |
વજન (ગ્રામ) |
પ્રોટીન (મિગ્રા.) |
ચરબી (મિગ્રા.) |
કાર્બોદિત પદાર્થો (મિગ્રા.) |
કિલો/ કૅલરી ઊર્જા |
ચા-2 ચમચી ખાંડ | 1 પ્યાલો | 200 | 900 | 1100 | 11400 | 60 |
2 ચમચી દૂધ | ||||||
કૉફી-2 ચમચી ખાંડ | 1 પ્યાલો | 200 | 900 | 1100 | 14400 | 60 |
2 ચમચી દૂધ | ||||||
બોર્નવિટા – 2 | 1 પ્યાલો | 230 | 10200 | 11100 | 28800 | 265 |
ચમચી દૂધમાં | ||||||
કોકો – 1 | 1 પ્યાલો | 215 | 9900 | 12300 | 14500 | 224 |
ચમચી દૂધમાં | ||||||
હૉર્લિક્સ | 2 ચમચા | 30 | 4100 | 2300 | 20100 | 113 |
ઑલટાઇમ – 1 | 1 પ્યાલો | 215 | 900 | 1000 | 2000 | 215 |
ચમચી દૂધ સાથે | ||||||
ચૉકલેટ દૂધ | 1 ઔંસ | 30 | 2000 | 9000 | 19000 | 160 |
લીંબુનું શરબત – 3 | 1 પ્યાલો | 240 | 17400 | 73 | ||
ચમચી ખાંડ અને 2 ચમચી રસ |
||||||
સફરજનનો રસ | પ્યાલો | 100 | 100 | 12500 | 50 | |
અનનાસનો રસ | 1 પ્યાલો | 200 | 800 | 200 | 26800 | 106 |
ટામેટાંનો રસ | પ્યાલો | 100 | 800 | 3000 | 14 | |
શાકભાજીનો રસ | પ્યાલો | 100 | 900 | 100 | 4300 | 18 |
નારિયેળનું પાણી | 1 પ્યાલો | 240 | 200 | 200 | 10800 | 46 |
કોકાકોલા નિયમિત | 12 પ્રવાહી | 370 | 100 | 40000 | 154 | |
ઔંસ | ||||||
ડાયેટ | 12 પ્રવાહી | 350 | 500 | 1 | ||
ઔંસ | ||||||
પેપ્સી નિયમિત | 12 પ્રવાહી | 360 | 39600 | 160 | ||
ઔંસ | ||||||
ડાયેટ | 12 પ્રવાહી | 360 | 200 | 1 | ||
ઔંસ | ||||||
સેવન અપ નિયમિત | 12 પ્રવાહી | 360 | 36200 | 144 | ||
ઔંસ | ||||||
ડાયેટ | 12 પ્રવાહી | 360 | 0 | |||
ઔંસ | ||||||
જિંજર એસ | 12 પ્રવાહી | 370 | 31900 | 124 |
મદ્યાર્કપીણાંનો વ્યાપક ઉપયોગ થાય છે. મદ્ય (દારૂ) એક રંગવિહીન, બાષ્પસંભવી (volatile) પ્રવાહી છે. તેનાં ગંધ અને સ્વાદ વિશિષ્ટ છે. સાદા તાપમાને તે ઝડપથી બાષ્પમાં ફેરવાઈ જાય છે, માટે તેને બાષ્પસંભવી (volatile) પ્રવાહી કહેવાય છે. સામાન્ય રીતે ગોળ, જવ, ચોળા, મોહવા, મોલૅસિઝ તથા હૉપ્સમાં આથો આવવાથી થાય છે. તેની વિશિષ્ટ ઘનતા 0.8 હોય છે અને 100 મિલિ. પ્રવાહીમાં ‘કદ/કદ’ પ્રમાણે કેટલા મિલી. આલ્કોહૉલ છે તે આધારે તેને ટકાવારીના રૂપે દર્શાવાય છે. વનસ્પતિના કોષોની દીવાલમાં કોષશર્કરા (cellulose) હોય છે. તેનાથી આથા વડે મિથાયલ આલ્કોહૉલ મેળવાય છે. તે ઘણું ઝેરી પ્રવાહી છે. ઘણી વખત અશુદ્ધ ‘લઠ્ઠા’ના નામે ઓળખાતા દારૂમાં તે હોય છે. દારૂ વ્યસનાસક્તિ (addiction) કરે છે. વિવિધ પ્રકારના દારૂવાળાં પીણાં મળે છે; જેમ કે, બિયર, બ્રાન્ડી, જિન, રમ, શેરી, ટોડિ, વ્હિસ્કી વગેરે. તેનું એક એકમ માપ સામાન્ય રીતે 70થી 140 કૅલરી ઊર્જા આપે છે. તે યકૃતમાંના કેટલાંક ઔષધોનો ચયાપચય કરતા ઉત્સેચકોને અસર કરે છે. તેથી વિવિધ દવાઓની આડઅસરો થાય છે. દારૂની લતવાળી વ્યક્તિ પેરાસિટેમૉલ લે તો ક્યારેક યકૃતને ઘણી જોખમી ઝેરી અસર થઈ આવે છે. દારૂની લત છોડવા માટે વિવિધ ઉપચારો સાથે ક્યારેક ડિસલ્ફિરામ નામની દવાનો ઉપયોગ કરાય છે. બધા દેશોમાં દારૂ પીને વાહન ચલાવવા પર મનાઈ છે. તે માટેનું સ્વીકૃત સ્તર છે લોહીમાં 2થી 8 મિગ્રા./ગ્રામ અથવા 10થી 80 મિગ્રા./મિલી. શરીરમાંના દારૂની હાજરી શ્ર્વસન-કસોટી વડે પણ મપાય છે. સામાન્યપણે ઉચ્છ્વાસમાં 0.10થી 0.40 મિગ્રા./લિટર જેટલું દારૂનું પ્રમાણ સ્વીકાર્ય ગણાય છે. સગર્ભા સ્ત્રી દારૂ પીએ તો ગર્ભપાત, ઓછા વજનનું શિશુ, જન્મજાત કુરચના વગેરે થવાનો સંભવ રહે છે. તેને ગર્ભશિશુનું મદ્યસર્જિત સંલક્ષણ (foetal alcoholic syndrome) કહે છે. જે સગર્ભા સ્ત્રી દારૂ પીએ તેના શરીરમાં જસતની ઊણપ સર્જાય છે. ગર્ભના વિકારનું કારણ જસતની ઊણપ મનાય છે. પિતાના દારૂના વ્યસનની ગર્ભ પર શી અસર થાય છે તે જાણમાં નથી. ધૂમ્રપાન અને મદ્યપાન બંને હોય તો વધુ તીવ્ર અસર થતી નોંધવામાં આવેલી છે.
શિલીન નં. શુક્લ