પીણાં-ઉદ્યોગ

January, 1999

પીણાંઉદ્યોગ : ઉત્તેજના અને તાજગી પ્રાપ્ત કરવા માટે ઉપભોક્તા દ્વારા ઉપયોગમાં લેવાતા પેય પદાર્થો તૈયાર કરવાનો અને તેનું વિતરણ કરવાનો ઉદ્યોગ. પીણાંના બિનનશાકારક અને નશાકારક/માદક – એમ બે પ્રકારો છે. ચા, કૉફી, કોકો અને અન્ય હળવાં પીણાં જેવાં કે કોકાકોલા, ફૅન્ટા, ગોલ્ડસ્પૉટ, રસના, સોડાવૉટર, લેમન, જિંજર વગેરે બિનનશાકારક અને વાઇન, બિયર, વ્હિસ્કી, બ્રાન્ડી, રમ, જિન, દેશી મહુડાંનો દારૂ, તાડી વગેરે પીણાં નશાકારક માદક ગણાય છે. મોટા ભાગનાં પીણાં ખેતપેદાશો ઉપર પ્રક્રમણ કરીને બનાવવામાં આવે છે.

પીણાંઓનો વપરાશ સામાન્ય રીતે જે દેશમાં તેનું ઉત્પાદન થાય છે તે દેશમાં જ થતો હોય છે; પરંતુ ચા અને કૉફી જેવાં કેટલાંક પીણાંનો વપરાશ તેના ઉત્પાદક દેશો કરતાં અન્ય દેશોમાં વધારે થાય છે. ઉદાહરણ તરીકે ચાનો વપરાશ ઉત્પાદક દેશો ભારત અને ચીન કરતાં અને કૉફીનો વપરાશ ઉત્પાદક દેશ બ્રાઝિલ કરતાં અન્ય દેશોમાં વધારે થાય છે.

ભારતમાં નશાકારક પીણાંનો ઉદ્યોગ તેના મૂલ્યના આધાર પર વિશ્વમાં ત્રીજા નંબરે આવે છે. ઉદ્યોગને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. (1) ભારતમાં ઉત્પન્ન કરવામાં આવતો વિદેશી લિકર, (2) બિયર અને (3) ભારતનો સ્વદેશી લિકર.

ભારતમાં પેદા કરવામાં આવતા વિદેશી લિકરમાં વ્હિસ્કીનું ઉત્પાદન સહુથી વધારે છે. દુનિયામાં વ્હિસ્કીનો સહુથી મોટો ઉદ્યોગ ભારતમાં છે. બીજા નંબરે રમ આવે છે. એ પછી જિન અને વોડકા આવે છે. તેમની માંગ શહેરી યુવાનો અને મહિલાઓમાં વિશેષ થાય છે.

દેશમાં મોટે ભાગે આઠ ટકા કે તેથી વધુ શરાબ(આલ્કોહૉલ)નું પ્રમાણ ધરાવતા બિયરનું ઉત્પાદન કરવામાં આવે છે અને તે પણ વિદેશી કંપનીઓના સહયોગમાં. ભારતમાં શરાબનું ઓછું પ્રમાણ ધરાવતા બિયરનું પણ ઉત્પાદન થાય છે પણ ભારતમાં ઉપભોક્તાઓની પસંદગી શરાબનું વધુ પ્રમાણ ધરાવતા બિયર માટેની છે.

ભારતમાં સ્વદેશઈ શરાબનું ઉત્પાદન પ્રાદેશિક ધોરણે થાય છે, દા.ત., કાજુ અથવા કોપરામાંથી બનાવાતો ફેની નામના શરાબનું ઉત્પાદન કેવળ ગોવા રાજ્યમાં થાય છે. આ પ્રકારના શરાબનું ઉત્પાદન નાના પાયા પર થતું હોઈ તેમાં અપવાદી રૂપે જ બ્રાન્ડ(નામ) જોવા મળે છે. આ પ્રકારનો શરાબ ઓછી આવક ધરાવતો મજૂર વર્ગ અને નીચલા મધ્યમ વર્ગમાં સિવાય છે.

દેશમાં શહેરી મધ્ય વર્ગ વિસ્તરતાં અને વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધતાં વાઇનની વપરાશ વધી રહી છે. મોટા ભાગની વાઈનની વપરાશ મુંબઈ, દિલ્હી અને બૅંગાલુરુમાં થાય છે. વાઇન માટે દ્રાક્ષમાં મોટાં ખેતરો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આવેલાં છે. દેશમાં વાઇનની જે વપરાશ થાય છે. તેના લગભગ 25 ટકાની આયાત ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા વગેરે દેશોમાંથી કરવામાં આવે છે. સામે આપણે શરાબની કેટલીક પેદાશોની ઘાના, ઍંગોલા, નાઇજિરિયા વગેરે દેશોમાં નિકાસ પણ કરીએ છીએ.

દેશમાં હળવાં પીણાના ઉદ્યોગમાં 110 જેટલા ઉત્પાદક એકમો છે. તેમના દ્વારા અંદાજે 100 અબજ રૂપિયાના મૂલ્યનાં પીણાં 2019માં બજારમાં મૂકવામાં આવ્યાં હતાં. દેશના બજારમાં વેચાતાં હળવાં પીણાંમાં અમેરિકાની બે કંપનીઓ – કોકા કોલા અને પેપ્સીનો હિસ્સો લગભગ 95 ટકા જેટલો છે. બીજી એક કંપની કૅમ્પા કોલાનો હિસ્સો માત્ર એક ટકા જેટલો છે. બાકીનો હિસ્સો સ્થાનિક ઉત્પાદકોનો છે. હળવાં પીણાંનું બજાર દેશમાં બે વિભાગમાં વહેંચાયેલું છે. કૉલા પીણાં અને બિનકોલા પીણાં. કોલા પીણાંનો હિસ્સો 62 ટકા જેટલો છે. બિનકોલા વિભાગમાં સોડા, લેમન, નારંગી અને કેરીની મહેક ધરાવતાં પીણાં વગેરેનો સમાવેશ થાય છે.

અન્ય કેટલાક વિકાસશીલ દેશોની તુલનામાં ભારતમાં હળવાં પીણાંની વપરાશ ઘણી ઓછી છે. આંકડા થોડા જૂના છે. પણ સૂચક છે. 2010ની આસપાસનાં વર્ષોમાં ભારતમાં હળવાં પીણાંની માથાદીઠ વાર્ષિક વપરાશ પાંચથી છ બોટલ જેટલી હતી, તેની તુલનામાં પાકિસ્તાનમાં તે 17 બૉટલ, શ્રીલંકામાં તે 21 બૉટલ, થાઈલૅન્ડમાં તે 73 બૉટલ, ફિલિપાઈન્સમાં તે 173 બૉટલ અને મેક્સિકોમાં તે 605 બૉટલની હતી. ભારતમાં શહેરી વસ્તીમાં તેમ જ માથાદીઠ આવકમાં વધારો થતાં હળવાં પીણાં માટેનું બજાર વિસ્તરી રહ્યું છે, પણ બજારના વિસ્તારનો દર છ ટકા જેટલો છે. એની તુલનામાં ચીનમાં હળવાં પીણાંનું બજાર 16 ટકાના દરે અને રશિયામાં 24 ટકાના દરે વધી રહ્યું છે.

ભારતમાં ચા અને કૉફીનું બજાર પ્રમાણમાં મોટું છે અને ઝડપથી વિસ્તરી રહ્યું છે. 2013માં એ બે પીણાં બજાર 251.66 અબજ રૂપિયાનું હતું તે વધીને 2017માં 418 અબજ રૂપિયાનું થયું હતું.

1997માં કરવામાં આવેલ એક ગણતરી મુજબ ગુજરાતમાં હળવાં પીણાં આમ વર્ગમાં પણ પ્રિય બનેલ છે.

જયંતિલાલ પો. જાની

બાળકૃષ્ણ માધવરાવ મૂળે