પીડાશામકો (analgesics) : દુખાવો ઘટાડતી દવાઓ. દુખાવો મટાડતી દવાઓ અસરકારક, ઓછી જોખમી અને ઝડપથી કાર્ય કરતી હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેમને વાપરવા માટે ત્રિસોપાની પદ્ધતિ (3 step method) દર્શાવી છે. પ્રથમ પગલારૂપે ઍસ્પિરિન, એસિટાઍમિનોફેન (પેરેસિટેમોલ) અથવા બિનસ્ટિરોઇડી પીડાશામક પ્રતિશોથકારી ઔષધો (nonsteroidal analgesic antiinflammatory drugs, NSAIDs) વપરાય છે. જો પીડા રહે કે વધે તો અફીણજૂથની કોડિન કે પ્રોપૉક્સિફેન જેવી દવા અને/અથવા અન્ય સહચિકિત્સીય ઔષધો (adjunctive agents) ઉમેરાય છે. તેને બીજું પગલું કહે છે. ત્રીજા પગલાં રૂપે મૉર્ફિન ઉમેરાય છે. દવાઓ ચોવીસે કલાક અસર રહે તેમ નિયમિત સ્વરૂપે અપાય છે. જરૂર પડ્યે તો વચ્ચે પણ વધારાની ટૂંકા સમયગાળા માટે કામ કરતી પીડાશામક દવા અપાય છે.
પીડાશમન (analgesia) માટે દુખાવાનો પ્રકાર, તીવ્રતા, સમય, ફેલાવો વગેરે વિવિધ પરિબળોને ધ્યાનમાં લેવાં પડે છે. તેવી જ રીતે દુખાવો વધારતા તથા ઘટાડતા ઘટકો અંગે પણ વિચાર કરાય છે. વ્યક્તિનું લાગણીલક્ષી અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય પીડાના અનુભવને નિશ્ચિત રૂપ આપે છે. પીડાશમનમાં 3 પ્રકારના ઘટકોનો અભ્યાસ કરાય છે : (1) પીડાકારક ઘટક દા.ત., ઈજા, ચેપ વગેરે, (2) રુગ્ણતાજનન (pathogenesis) અથવા પીડાકારક વિકાર કે રોગનો ઉદભવ અને વિકાસ દા. ત., અલ્પરુધિરવાહિતા (ischaemia), શોથ (inflammation) વગેરે, તથા (3) પૂરક ઘટકો દા. ત., જીવનપદ્ધતિમાં તાજેતરમાં આવેલો ફેરફાર વગેરે. કોઈ પેશીમાં લોહીની નસના રોગને કારણે રુધિરાભિસરણ ઘટે તો તેને અલ્પરુધિરવાહિતા કહે છે અને કોઈ પેશીમાં પીડાકારક સોજો થાય તો તેને શોથ કહે છે. સદભાગ્યે, વિવિધ પ્રકારનાં કારણો કે વિકાસોદભવ પ્રણાલીઓ હોવા છતાં ચેપ, ઈજા કે કૅન્સર જેવા અલગ અલગ રોગોમાં પણ સમાન પ્રકારની દવાઓ અને પદ્ધતિઓ દ્વારા પીડાશમન કરી શકાય છે.
1992 અને 1994માં અમેરિકાની આરોગ્ય-સંભાળનીતિ અને સંશોધન સંસ્થા (Agency for Health Care Policy and Research, AHCPR) દ્વારા ઉગ્ર (acute) પીડાની સારવાર અને કૅન્સરજન્ય પીડાની સારવાર પર 2 અલગ અલગ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે. નીચેની સારણીમાં પીડાશમનના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરેલો છે.
પીડાશમન માટેની સારવાર પદ્ધતિ અંગે માર્ગદર્શક સિદ્ધાંતો
અ. | દુખાવા અંગે વારંવાર પૂછવું અને પીડાની સંવેદનાના નિયમસર અંદાજો બાંધવા. તેમાં તેની ગુણવત્તા (quality), વર્ણન, સ્થાન, તીવ્રતા (severity) અને તીક્ષ્ણતા (intensity), વર્ધક અને અલ્પક ઘટકો (promoting ameliorating factors) તથા પ્રતિભાવરૂપ વર્તનનો સમાવેશ કરાય. પીડાશમનનું ધ્યેય અને સારવારની પરિયોજના નિશ્ચિત કરવી. |
આ. | દર્દી તથા તેના પરિવારની પીડા અંગેની ઉદભવ, વિકાસ અને શમન અંગેની માહિતી પર વિશ્ર્વાસ કરવો. |
ઇ. | દર્દી, તેના પરિવાર તથા સંજોગો અનુસાર પીડાશમનની પદ્ધતિ નક્કી કરાય. દવાનાં પ્રકાર, માત્રા, ઔષધમાર્ગ (route of administration), ઉપયોગનિષેધ (contraindications) તથા આડ અસરોને આધારે નિર્ણય કરાય. જરૂર પડ્યે બિનઔષધીય સારવારપદ્ધતિનો ઉપયોગ પણ થાય. |
ઈ. | યોગ્ય સારવારપદ્ધતિનો સમયસર, તર્કબદ્ધ અને સુસંગત ઉપયોગ કરવો. |
ઉ. | દવાના ઉપયોગ અંગે દર્દી અને તેના પરિવારને યોગ્ય છૂટ અપાય, જેથી તેઓ તેનો નિર્ણય અને નિયંત્રણ જાતે કરે. |
ઊ. | પીડાશમન કે પીડાસાતત્ય, પીડાપ્રકારમાં ફેરફાર કે નવી પીડાનો ઉદભવ વગેરે વિગતો જાણવા માટે વારંવાર પુન:ચકાસણી (follow up) કરવી પડે છે. |
AHCPRના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવે છે કે હંમેશાં પૂરેપૂરું પીડાશમન શક્ય નથી; છતાં પણ તેને ઘણા ભાગે પર્યાપ્તતાની નજીક લાવી શકાય છે. એવું નોંધાયું છે કે, કમનસીબે ઘણાં કૅન્સર અને ઍઇડ્ઝના દર્દીઓ તથા ભૂતકાળમાં વ્યસનાસક્ત હોય તેવી વ્યક્તિઓમાં પીડાશમન ઘણું અધૂરું રહે છે. આવું જ ઘણી વખત લઘુમતીઓ, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો માટે પણ સાચું છે. હાલ એવું પણ નોંધાયું કે હૉસ્પિટલના સઘન સારવારકક્ષ(intensive care unit)માં પણ આવું બને છે. લાંબા સમયના દુખાવાના દર્દીની સારવારમાં વિવિધ વ્યાવસાયિકોનો એક સમૂહ કાર્યરત રહે તેવું જરૂરી બને છે. તેમાં તબીબ ઉપરાંત પરિચારિકા, સામાજિક કાર્યકર, માનસશાસ્ત્રવિદ, પાદરી કે કોઈ ધાર્મિક કાર્યકર વગેરેનો સમાવેશ થાય છે. તેને સામૂહિક સારવાર અભિગમ કહે છે. પીડાની તીવ્રતાની માપણી કરવા માટે વિવિધ માપદંડો ઉપલબ્ધ છે. તેનો પણ ઉપયોગ કરવો પડે છે. દીર્ઘલીન પીડાના શમનમાં દર્દીના જીવનની યોગ્ય કક્ષા જળવાઈ રહે કે પુન: સ્થાપિત થાય, તે ફરીથી પોતાનું કામ કરતો થાય, આનંદ-મોજ માણતો થાય તથા તેના સામાજિક સંબંધો ફરી મૂળ સ્થિતિમાં આવી જાય તે પણ જોવું જરૂરી ગણાય છે.
દીર્ઘલીન પીડાશમનમાં દવાઓ ઉપરાંત અનેક ભૌતિક અને માનસિક પદ્ધતિઓ પણ ઉપયોગી થાય છે. તેમનો પણ ઘણી વખત દવાઓ સાથે પ્રયોગ કરાય છે. ભૌતિક પ્રક્રિયાઓમાં મસળવું અથવા મર્દન (massage), ત્વકીય ઉત્તેજન (cutaneaus stimulation), શેક કરવો, બરફ ઘસવો, કસરત, અચલીકરણ (immobilization) તથા પ્રતિઉત્તેજન (counter stimulation) વગેરે પદ્ધતિઓ વપરાય છે. પ્રતિઉત્તેજન કરવા માટે સૂચિછિદ્રણ (acupuncture) અને પારત્વકીય વીજજન્ય ચેતોત્તેજન(transcutaneous electric nerve stimulation – TENS)ની પદ્ધતિઓ વપરાય છે. માનસિક ઉપચારના ભાગ રૂપે દર્દીને તેના રોગવિષયક માહિતી આપવી, હિંમત આપવી, જૈવ પ્રતિપોષણ (biofeed back) કરવું, શિથિલન (relaxation) શીખવવું, ક્રિયાત્મક ધ્યાનાપકર્ષણ (cognitive distraction) કરવું, મનોલક્ષી ચિકિત્સા (psychotherapy) કરવી, સહાયકારી જૂથોની રચના કરવી વગેરે ઉપચારો કરાય છે. આ ઉપરાંત પ્રાર્થના અને ધાર્મિક-આધ્યાત્મિક આધારોની સહાય પણ લેવાય છે. કૅન્સરની તીવ્ર અને દીર્ઘકાલીન પીડાની સારવારમાં ચેતારોધ (nerve block), ચેતામૂળછેદન (rhizotomy) તથા ઉચ્છેદનલક્ષી શસ્ત્રક્રિયા (ablative surgery) તથા મગજ પરની શસ્ત્રક્રિયાનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ પાછળથી દર્શાવેલી પદ્ધતિઓ છેક છેલ્લે અંતિમ ઉપચાર રૂપે પ્રયોજાય છે.
મંદ કે મધ્યમ તીવ્રતાવાળા દુખાવા માટે વપરાતી દવાઓ : સામાન્ય રીતે મંદ દુખાવા માટે એસ્પિરિન, એસિટાઍમિનોફેન, આઇબુપ્રોફેન કે નેપ્રૉક્સેન જેવી દવાઓ વપરાય છે. ઘણા દેશોમાં આ દવાઓ ડૉક્ટરના ચિકિત્સાસૂચન (prescription) વગર પણ સીધેસીધી દવાની દુકાન પરથી સહેલાઈથી મળે છે. દુખાવાની તીવ્રતા મંદ છે કે મધ્યમ કક્ષાની છે તેને આધારે તેની વધતી-ઓછી માત્રા લઈ શકાય છે. આવા દુખાવામાં જરૂર પડે ત્યારે ડૉક્ટર વધારામાં કોડિન કે ઑક્સિકોડોન નામની દવાઓ પણ ઉમેરે છે.
ઍસ્પિરિન મંદ કે મધ્યમ કક્ષાના દુખાવાના શમન માટે, તાવ ઉતારવા માટે તથા પીડાકારક સોજાવાળા શોથ(inflammation)ના વિકારને દબાવવા માટે વપરાતી પ્રથમ પસંદગીની દવા છે. તે મુખમાર્ગી ગોળીઓના વિવિધ માત્રારૂપો(doseforms)માં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે તેને 4 કલાક પછી ફરીથી લેવી પડે છે. ભૂખ્યા પેટે તેને લેવાથી જઠર અને આંતરડામાં ચચરાટ (ક્ષોભન) થાય છે અને તેથી તેને ખોરાક કે દૂધ સાથે લેવાય છે અથવા તો આંતરડામાં ખૂલે એવા આવરણ સાથે લેવાય છે. આવા આવરણવાળી દવાની ગોળીને આંત્રાનાવરણીય (enteric coated) ગોળી કહેવાય છે. આવી ગોળીને કારણે જઠરમાં આડ અસરો થતી નથી. પરંતુ તેનું અવશોષણ મોડું થવાથી તેની અસર પણ મોડી થાય છે. જ્યારે તે લાંબા સમય સુધી લેવામાં આવે ત્યારે તેનાથી જઠરમાં ક્ષોભન અને ઝીણાં ચાંદાં પડે છે, જેમાંથી લોહી ઝમે છે. ક્યારેક પુષ્કળ પ્રમાણમાં લોહી પડે છે. તેને જઠરાંત્રીય રુધિરસ્રાવ (gastrointestinal haemorrhage) કહે છે. આવું ખૂબ મદ્યપાન કરનારાઓમાં તથા અથવા જઠરમાં ચાંદું (પચિત-કલાવ્રણ, peptic ulcer) હોય તેવા દર્દીઓમાં જોવા મળે છે. તેને કારણે લોહના ઊણપવાળી પાંડુતા થાય છે. તેની ઍલર્જીને કારણે નાસિકાશોથ (rhinitis) કે દમનો હુમલો થઈ આવે છે. વધુ માત્રામાં તે ‘વિટામિન-કે’ આધારિત પ્રોથ્રોમ્બિન કાળ લંબાવે છે. ફ્લૂ કે અછબડા થયા હોય એવા નાના બાળકમાં તે રાય(Raye)નું સંલક્ષણ કરે છે. માટે તેમને તે આપી શકાતી નથી. ઓછીમાત્રામાં એસ્પિરિન આપીને હાલ હૃદયરોગનો હુમલો તથા લકવો થવાની સંભાવના પણ ઘટાડાય છે.
એસિટાએમિનોફેન (પેરાસિટેમોલ) પણ 4થી 6 કલાકે આપવાથી મંદ પ્રકારનો દુખાવો અને તાવ ઘટે છે. તે એક સરખી માત્રા હોય તો ઍસ્પિરિન જેટલી જ દુખાવો અને તાવ ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ તે પીડાકારક સોજાવાળો શોથનો વિકાર ઘટાડતી નથી. ઍસ્પિરિનને ન સહી શકતી વ્યક્તિઓ અને નાનાં બાળકોમાં જ્યારે રાયના સંલક્ષણનો ભય હોય ત્યારે પેરેસિટેમોલ અપાય છે. જો કે તે લાંબા સમય સુધી 4 ગ્રામ/દિવસથી વધુ માત્રામાં કે ટૂંકા સમય પૂરતું 7 ગ્રામ/દિવસથી વધુ માત્રામાં અપાય ત્યારે યકૃત પર ઝેરી અસર કરે છે. આવી યકૃતીય વિષાક્તતા(hepatotoxicity)ને કારણે પાર-ઍમિનોત્સેચકો (transaminases) નામના ઉત્સેચકોની લોહીમાંની સપાટી વધે છે અને યકૃતનો કોષનાશ (necrosis) થાય છે. જો વ્યક્તિ લાંબા સમય સુધી દારૂનું વ્યસન ધરાવતી હોય તો આવી ઝેરી અસર ઘણી વહેલી અને ઓછી માત્રામાં પણ થાય છે.
વિવિધ બિનસ્ટિરોઇડી પ્રતિશોથ પીડાશામકો(nonsteroidal anti-inflammatory analgesics NSAIDs)ના જૂથમાં કેટલાક સેલિસિલેટ્સ, ઇન્ડૉમિથાસિન, આઇબ્રુપ્રોફેન, ડાઇક્લોફેનેક, ફેનોપ્રોફેન, ફ્લુર્બિપ્રોફેન, કિટોપ્રોફેન, મેક્લોફિનામેટ, મેફેનૅમિક ઍસિડ, પાયરૉક્સિકામ, કોટોરોલેક વગેરે અનેક ઔષધોનો સમાવેશ થાય છે. NSAIDs તાવ, દુખાવો તથા પીડાકારક સોજો (શોથ) ઘટાડે છે. જેટલી માત્રા વધુ તેટલી તેમની અસરકારકતા પણ વધે છે; તેથી તે વિવિધ સ્નાયુઓ અને હાડકાંના પીડાકારક વિકારોમાં થતો દુખાવો, ઋતુસ્રાવ વખતનો દુખાવો, શસ્ત્રક્રિયા પછીનો દુખાવો વગેરે વિવિધ પ્રકારના મધ્યમ તીવ્રતાના દુખાવામાં વપરાય છે. આ બધા પ્રકારના દુખાવા સામાન્ય રીતે અમુક સમયે આપોઆપ શમતા હોય છે. NSAIDs પ્રોસ્ટાગ્લેન્ડિન પ્રકારનાં રસાયણોનું ઉત્પાદન ઘટાડે છે. તે ગઠનકોષોની એકબીજા સાથે ચોંટી જવાની ક્રિયા ઘટાડે છે. આ રીતે નસમાં લોહી ગંઠાતું અને તેથી લકવો અને હૃદયરોગનો હુમલો થતો અટકે છે. તેમની આડઅસર રૂપે જઠરમાં ક્ષોભન થાય છે. ક્યારેક તેમાંથી લોહી પણ ઝરે છે તથા ક્યારેક મૂત્રપિંડને ઈજા પહોંચે છે. ડાઇક્લોફેનેકથી યકૃત પર ઝેરી અસર વધુ થાય છે. ઇન્ડોમિથેસિન જઠર, આંતરડા અને લોહી બનાવતી પેશીને ક્યારેક ઈજા પહોંચાડે છે. પાયરોક્સિકામને દિવસમાં એક વખત અપાય છે, પરંતુ તેનાથી જઠર, આંતરડા અને ચામડીમાં આડ અસર થાય છે. આંત્રાનાવરણીય ઍસ્પિરિન અને આઈબુપ્રોફેનની ઓછી માત્રા હોય તો જઠરનું ક્ષોભન ઓછું થાય છે; જેમને જઠર કે પક્વાશયમાં ચાંદું હોય અને નિયમિતપણે NSAIDs પ્રકારનું ઔષધ લેવું જરૂર હોય તો તેમને પ્રોસ્ટ્રાગ્લેન્ડિન-ઈ1ની સહધર્મી મિસોપ્રોસ્ટોલ નામની દવા આપવાનું સૂચન કરાય છે. તે ગર્ભપાતકારક (abortifacient) દવા છે માટે તે સગર્ભાવસ્થામાં અપાતી નથી. તેની અન્ય આડ-અસરોમાં ઝાડા થાય છે કે પેટમાં ચૂંક આવે છે. આંત્રાનાવરણીય એસ્પિરિન કે NSAIDsની સાથે ફેમોટિડિન નામની દવાની ભારે માત્રા આપવાથી પણ જઠરનું ક્ષોભન ઓછું રહે છે. NSADIsને કારણે, જો દર્દીને શોથકારી આંત્રીય રોગ (inflammatory bowel disease) હોય તો તે ફરીથી સક્રિય બને છે. એસ્પિરિન વડે કરાયેલી આપઘાત કરવાની કોશિષ સફળ થવાની સંભાવના અન્ય કોઇ NSAIDs કરતાં વધુ રહે છે.
મધ્યમથી અતિતીવ્ર પીડાના શમનમાં વપરાતી દવાઓ : વધુ તીવ્રતાવાળો દુખાવો જો બીજી દવાઓથી ઘટે નહિ તો પછી અફીણજૂથની દવાઓ (opioids) વપરાય છે. તીવ્ર ઈજા, દાહ, મૂત્રાશયનળી(urethra)માં પથરી, શસ્ત્રક્રિયા તથા કૅન્સર અને એઇડ્ઝ જેવા દીર્ઘકાલીન રોગોમાં થતો દુખાવો અતિતીવ્ર હોય છે. હૃદયના સ્નાયુનો થોડો ભાગ નાશ પામે તેને હૃદયરોગનો હુમલો અથવા શાસ્ત્રીય રીતે હૃદય-સ્નાયુ પ્રણાશ (myocardial infaction) કહે છે. તેમાં પણ અતિતીવ્ર દુખાવો થાય છે. આ બધી જ સ્થિતિઓમાં અફીણજૂથની દવાઓ અસરકારક અને ઓછા જોખમ સાથે પીડાની તીવ્રતાને અનુરૂપ વધતી-ઓછી માત્રા સાથે આપી શકાય છે. કૅન્સર સિવાયના અન્ય દીર્ઘકાલીન રોગોમાં જો મૂળ કારણને કોઈ પણ રીતે મટાડી ન શકાતું હોય તો પણ અફીણ જૂથની દવા અપાય છે. દીર્ઘકાલીન પીડામાં અફીણજૂથની દવા ચાલુ રાખવા માટે ડૉક્ટરે દુખાવાની તીવ્રતા તથા તેમાં મળેલી રાહતની કક્ષા જાણીને, સારવારની શારીરિક અને માનસિક અસરો સમજીને તથા અન્ય વિવિધ પરિબળો ધ્યાનમાં લઈને નિર્ણય કરવો પડે છે. તે સમયે કેટલી સંખ્યામાં ચિકિત્સાસૂચનો (prescriptions) લખવાં પડે છે, વારંવાર કેટલી વખત દર્દી સલાહ માટે ટેલિફોન કરે છે કે દવાખાનાની કે તત્કાલ સારવાર કક્ષની મુલાકાત લે છે, હૉસ્પિટલમાં કેટલી વાર કેટલા લાંબા સમય ગાળા માટે દાખલ થાય છે આવી અનેક વિવિધ બાબતો પણ ધ્યાન પર લેવામાં આવે છે.
અફીણજૂથની દવા લાંબો સમય લેવાથી તેની તે જ માત્રાએ ઓછી અસર ઉદભવે (ઔષધસહ્યતા) છે અને તેના વગર ન ચાલે એવું શારીરિક અવલંબન (physical dependence) પેદા થાય છે. ઔષધસહ્યતા(drug tolerance)ને કારણે તેની માત્રા પણ વધારવી પડે છે. શારીરિક અવલંબન અને વ્યસનાસક્તિ (addiction) અલગ અલગ સ્થિતિઓ છે. વ્યસનાસક્તિ એક પ્રકારનું માનસિક અવલંબન (psychological dependence) છે અને તેને કારણે ઔષધ કુપ્રયોગ (drug abuse) થાય છે. ઔષધની હાનિકારક અસરો હોય અને પીડાશમનનો ઉપચારલક્ષી હેતુ ન હોય તોપણ ઔષધસેવન માટેની તીવ્ર પરવશતાપૂર્વકની ગોઠવણીઓ કરતા (manipulative) વર્તનને ઔષધ કુપ્રયોગ કહે છે; પરંતુ કૅન્સર જેવા રોગોમાં થતી તીવ્ર પીડામાં આવી વ્યસનાસક્તિ થતી નથી, કેમ કે તેમાં જે – તે અફીણજૂથના ઔષધની પીડાશમન માટેની તીવ્ર જરૂરિયાત હોય છે; તેથી દર્દી, દર્દીનાં સગાં તથા તેની સારવાર કરતા ડૉક્ટરો અને પરાતબીબી કાર્યકરોએ ઔષધસહ્યતા, શારીરિક અવલંબન તથા માનસિક અવલંબનના સિદ્ધાંતો સમજી લેવા જોઈએ અને દર્દીને દુખાવો સહન કરવા દેવા કરતાં તેની જરૂરિયાત મુજબ વારંવાર ઔષધ અપાવું જ જોઈએ એમ મનાય છે; તેથી એવું સૂચવાય છે કે દવાની અસર ઘટે અને પીડા થાય તે પછી બીજી માત્રા આપવાને બદલે તેવું થાય તે પહેલાં જ બીજી માત્રા આપી દેવાવી જોઈએ. અંતિમ બીમારી (terminal illness) વખતે વ્યસનાસક્તિ અંગે કોઈ પ્રકારની ચિંતા રાખવી ન જોઈએ એવું દૃઢપણે સૂચવાયેલું છે.
અફીણજૂથનાં ઔષધોને તેમની વિશિષ્ટ કેન્દ્રીય ચેતાતંત્રીય અસરોને આધારે પૂર્ણ સમધર્મી (agonist), આંશિક સમધર્મી (partial agonist) અને મિશ્ર સમધર્મી-વિષમધર્મી (mixed agonist-antagonist) તરીકે 3 જૂથોમાં વહેચવામાં આવે છે. મૉર્ફિન, હાઇડ્રોમૉર્ફિન, કોડિન, ઑક્સિકોડોન, મિથેડૉન, લિવોર્ફેનોલ અને ફેન્ટાનિલ પૂર્ણ સમધર્મી અફીણજૂથનાં ઔષધો છે. તેમને કૅન્સરની પીડાના ઉપચારમાં પસંદગી અપાય છે. તેમની માત્રા જેમ વધારાય એમ તેમની અસર વધે છે. તેમની માત્રા વધવા છતાં અસર વધે નહિ એવી કોઈ અસરની ઉપલી સપાટી અથવા ઉચ્ચતમ અસરકારકતા (ceilling effect) જોવા મળતી નથી. કૅન્સર-પીડાની સારવારમાં તેમનો આ ગુણધર્મ ઘણો ઉપયોગી રહે છે. પેથિડીન (મેપેરિડીન) પણ આ જ પ્રકારની દવા હોવા છતાં તેની ટૂંકા ગાળાની અસરને કારણે તે દીર્ઘકાલીન તીવ્ર પીડા(દા. ત., કૅન્સર)ની સારવારમાં વપરાતી નથી. તેવી જ રીતે તેનાં ચયાપચયી શેષરૂપી દ્રવ્યો મૂત્રપિંડની નિષ્ફળતા હોય ત્યારે શરીરમાં એકઠાં થઈને ઝેરી અસર કરે છે; માટે મૂત્રપિંડી નિષ્ફળતામાં પણ તે વપરાતી નથી. બ્રુપ્રિનૉર્ફિન આંશિક સમધર્મી દવા છે અને તે ઉચ્ચતમ અસરકારકતાની સપાટી ધરાવે છે; માટે તે કૅન્સરની પીડામાં ઓછી ઉપયોગી છે. વળી તે કેન્દ્રીય ચેતાતંત્રમાંના સ્વીકારકો પર પણ ઓછી અસરકારક છે. મિશ્ર સમધર્મી-વિષમધર્મી અફીણજૂથની દવાઓમાં પેન્ટાઝોસિન, બ્યુટોર્ફેનોલ ટાર્ટરેટ તથા નેલ્વ્યુફિન હાઇડ્રોક્લોરાઇડનો સમાવેશ થાય છે. તેમને પણ ઉચ્ચતમ અસરકારકતાની મર્યાદા રહેલી છે. જેઓ અગાઉ અફીણજૂથની દવા લેતા હોય તેઓને તેમાં તે આપી શકાતી નથી, કેમ કે તેમની વિષમધર્મી અસરને કારણે અફીણ, મૉર્ફિન કે અન્ય અફીણજૂથની દવા લેવાનું જાણે અચાનક બંધ થઈ ગયું હોય તેવી આડ અસરો અથવા ઉગ્ર ઔષધવિયોગિતા(drug withdrawal)ની અસર ઉદભવે છે અને તેથી પીડાની તીવ્રતા વધે છે.
સૌથી વધુ વપરાતી અફીણજૂથની દવા મૉર્ફિન છે. ઉગ્ર દુખાવામાં તેને ચામડીની નીચે કે સ્નાયુમાં ઇન્જેકશન રૂપે અપાય છે. હૃદયના ડાબા ક્ષેપકની નિષ્ફળતાને વામક્ષેપકીય હૃદીય નિષ્ફળતા કહે છે. ઉગ્ર વામક્ષેપકીય હૃદીય નિષ્ફળતા(actue left ventricular failure)માં તેને નસ વાટે ધીમે ધીમે અપાય છે. કૅન્સરની સારવારમાં તેને પ્રવાહી કે ગોળીના રૂપે મોં વાટે અપાય છે. તે માટે દીર્ઘકાલ સક્રિયતાવાળી (long acting) અથવા મંદ વિમોચનશીલ (slow releasing) ગોળીના રૂપમાં પણ ઉપલબ્ધ છે. તેની મદદથી રાત્રીના સમયે વિક્ષેપ વગરની નિદ્રા મળે છે. હાઇડ્રોમૉર્ફોન અને ઑક્સિમૉર્ફોન મૉર્ફિનમાંથી બનાવેલી ઔષધિઓ છે અને તે તેના જેટલી જ અસરકારક છે. તેમનાથી કોઈ વિશેષ લાભ નથી. મિથેડોન મૉર્ફિન જેવી જ અસરવાળી દવા છે, પણ તેનાથી થતાં સહ્યતા અને શારીરિક અવલંબન પ્રમાણમાં ખૂબ ધીમે ઉદભવે છે. કોડિન મોં વાટે અપાય છે અને તેનાથી ઓછી કુટેવ પડે છે. તે મૉર્ફિન કરતાં ઓછી અસરકારક છે, પરંતુ તેને એસ્પિરિન કે પેરાસિટેમોલ સાથે આપવાથી સારી અસર સર્જે છે. વળી તે ખાંસીને પણ ઘટાડે છે. ઉધરસ દબાવતી તેની અસરને પ્રતિઊર્ધ્વરસી અસર (antitussive effect) કહે છે. લાંબા સમયના દુખાવાને કાબૂમાં રાખવા પારત્વકીય (transdermal) માર્ગે ફેન્ટાનિલ નામની દવાનો ઉપયોગ કરાય છે. તેની મુખમાર્ગી ગોળીઓ ઉપલબ્ધ થશે એવું મનાય છે. ટ્રેમેડોલમાં અફીણજૂથ અને બિનઅફીણજૂથનાં લક્ષણો છે. તેને મોનોએમાઇન ઑક્સિડેઝ ઇન્હીબિટર જૂથની પ્રતિખિન્નતા દવાઓ સાથે વપરાતી નથી. તેને NSAIDs સાથે અપાય ત્યારે બંનેની પીડાશામક અસરમાં ઘણો વધારો થાય છે, પણ આડઅસરો વધતી નથી. તેને અચાનક બંધ કરવામાં આવે તો ઔષધવિયોગિતાનો વિકાર થઈ આવે છે. પેટમાંનો દુખાવો શેને કારણે છે તેની જાણ ન હોય અથવા દર્દીને માથામાં ઈજા થઈ હોય તો અફીણજૂથની દવા અપાતી નથી. અફીણજૂથની દવાઓની મુખ્ય અસરોમાં શ્વસનક્રિયાનું અવદાબન, કેન્દ્રીય ચેતાતંત્રનું ઉત્તેજન કે અવદાબન, કબજિયાત, પેશાબમાં અટકાવ, ખૂજલી, યકૃતની બીમારી હોય તો પિત્તમાર્ગની ચૂંક અને ક્યારેક ઍલર્જી વગેરેનો સમાવેશ થાય છે.
પીડાશમનમાં વપરાતાં સહચિકિત્સીય ઔષધો (adjuvant drgus) : પીડાશમનના બીજા તબક્કામાં પીડાશામક ઔષધોની અસરકારકતા વધારવા કેટલીક દવાઓ વપરાય છે. તે જાતે દુખાવો મટાડી શકતી નથી. દા. ત., કોર્ટિકોસ્ટિરોઇડ; ફેનિટોઇન અને કાર્બામેઝેપિન જેવી પ્રતિઆંચકી (anti convulsion) દવાઓ, એમિટ્રિપ્ટિલિન અને ડેસિપ્રેમિન જેવાં પ્રતિખિન્નતા ઔષધો; ડાયાઝેપામ જેવાં ચિંતાશામક ઔષધો તથા સ્થાનિક નિશ્ચેતકો (local anaesthetics). ક્યારેક મિથોટ્રાઇમેપ્રાઝિન જેવી ચેતોત્તેજક (neuroleptic) દવા પણ વપરાય છે. ચિંતા ઘટાડવાની દવા તરીકે ક્યારેક હાઇડ્રોક્સિઝાઇન વપરાય છે.
શિલીન નં. શુક્લ