પીડાશામક ઔષધજન્ય મૂત્રપિંડ-રુગ્ણતા (analgesic nephropathy)

January, 1999

પીડાશામક ઔષધજન્ય મૂત્રપિંડરુગ્ણતા (analgesic nephropathy) : પીડાશામક દવા લેવાને કારણે થતો મૂત્રપિંડનો વિકાર. વિવિધ ઔષધો જુદી જુદી રીતે મૂત્રપિંડ તથા મૂત્રમાર્ગ પર આડઅસર રૂપે કે ઝેરી અસર રૂપે નુકસાન કરે છે. પીડાશામક ઔષધ જ્યારે વધુ માત્રામાં લેવામાં આવે ત્યારે તે મૂત્રલનલિકાઓ તથા તેની આસપાસની અંતરાલીય પેશી(interstitial tissue)ને ઈજા કરે છે. તેને નલિકા-અંતરાલીય નુકસાન (tubulointertitial damage) કહે છે. તેને કારણે ઘણી વખત મૂત્રપિંડના પ્રાંકુરો(papillae)માં પણ કોષનાશ (necrosis) થાય છે. યુરોપના કેટલાક દેશોમાં લાંબા સમયની મૂત્રપિંડી નિષ્ફળતાનું મુખ્ય કારણ પીડાશામક ઔષધજન્ય મૂત્રપિંડ-રુગ્ણતા છે. પ્રાણીઓમાં ઍસ્પિરિન તથા ફિનાસેટિન જેવા પીડાશામકો આપીને કરાયેલા અભ્યાસોમાં મૂત્રપિંડ-પ્રાંકુરોમાં કોષનાશ થયેલો જોવામાં આવેલો છે. તે માટે જરૂરી માત્રા સામાન્ય રીતે વપરાશમાં લેવાતી સારવારલક્ષી માત્રા કરતાં ઘણી જ વધારે હતી. માણસમાં વસ્તીરોગવિદ્યા(epidemiology)ના અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે લાંબા સમય સુધી પીડાશામક ઔષધનો ઉપયોગ કરવામાં આવે તો મૂત્રપિંડને ઈજા પહોંચે છે.

સૂક્ષ્મદર્શક વડે તપાસતાં નલિકા-અંતરાલીય શોથ (tubulo-interstitial inflammation) અને પ્રાંકુરીય કોષનાશ જોવા મળે છે. શરૂઆતમાં મૂત્રપિંડના મધ્યસ્તર(medulla)ના અંદરના ભાગમાં આવેલી સુરેખવાહિનીઓ (vasa recta) ઈજાગ્રસ્ત થાય છે, જે અંતરાલીય શોથ, અલ્પરુધિરવાહિતા (ischaemia), કોષનાશ, તંતુતા (fibrosis) અને કૅલ્શીકરણ(calcification)ની એક વિકારશૃંખલા શરૂ કરે છે. પેશીમાં રુધિરકોષો વધારતો સોજાવાળો વિકાર થાય તો તેને શોથ (inflammation) કહે છે. સ્થાનિક શોથજન્ય સોજાને કારણે નસોમાંનું રુધિરાભિસરણ ઘટે છે. તેથી પેશીને ઓછું લોહી મળે છે. તેને અલ્પરુધિરવાહિતા કહે છે. પેશીને પોષણ મળતું ઘટે છે એટલે તેના કોષોનો નાશ થાય છે (કોષનાશ). તેની પ્રતિક્રિયા રૂપે રૂઝ આવે ત્યારે ત્યાં તંતુઓ વિકસે છે (તંતુતા) અને છેલ્લે તેમાં કૅલ્શિયમ જમા થાય છે (કૅલ્શીકરણ). તેને લીધે મૂત્રપિંડના અંકુરની ટોચમાં કોષનાશ જોવા મળે છે. સામાન્ય રીતે મૂત્રપિંડના બાહ્ય સ્તરમાં વિકાર ફેલાય અને ગુચ્છીગાળણ-દર (glomeular filtration rate, GFR) ઘટે કે મૂત્રપિંડ મોટું થાય તે પહેલાં જ પ્રાંકુરીય કોષનાશ થાય છે. લોહીની નસોમાંની કેશવાહિનીઓ મૂત્રિપંડમાં નાનાં નાનાં ગૂંચળાં બનાવે છે, જેને વાહિનીગુચ્છ (glomerulus) કહે છે. તેમાં લોહીનું ગાળણ થાય છે. આમ મૂત્ર બનવાની શરૂઆત થાય છે. મૂત્રપિંડના બાહ્ય સ્તરમાં થતા વિકારમાં આ ગાળણની ક્રિયા ઘટે છે અને તેથી GFR ઘટે છે. પીડાશામક ઔષધના લાંબા ગાળાના ઉપયોગ પછી સૌથી છેલ્લે આ તબક્કો આવે છે. તેને મૂત્રપિંડી નિષ્ફળતા (renal failure) કહે છે.

મૂત્રપિંડના પ્રાંકુરનો કોષનાશ મધુપ્રમેહ, દીર્ઘકાલી સકુંડીમૂત્રપિંડશોથ (chronic pyelonephritis), દાત્રકોષી પાંડુતા (sickle cell anaemia) તથા અવરોધજન્ય મૂત્રમાર્ગી વિકાર(obstructive uropathy)માં પણ જોવા મળે છે. આ વિકારોને પીડાશામક ઔષધજન્ય મૂત્રપિંડરુગ્ણતાથી અલગ પાડીને નિદાન કરાય છે.

ફિનાસેટિન નામનું પીડાશામક લેતી વ્યક્તિના મૂત્રપિંડના પ્રાંકુરની ટોચમાં તેના ચયાપચયીશેષરૂપ એસિટાઍમિનોફેન નામના દ્રવ્યનું પ્રમાણ લગભગ 10 ગણું વધી જાય છે. તેને કારણે આ વિકાર ઉદભવે છે એવું મનાય છે. પુષ્કળ પાણી પીવાથી આ પ્રકારની અતિસાંદ્રતા થતી અટકાવી શકાય છે અને તેથી મૂત્રપિંડને નુકસાન થતું પણ અટકાવી શકાય છે. ઍસ્પિરિન કણાભસૂત્રો (mitochendria) પર ઝેરી અસર કરે છે તથા તે મૂત્રપિંડમાં પ્રોસ્ટાગ્લેન્ડિનને બનતું અટકાવે છે. આ બંને રીતે પેશીમાં અલ્પઑક્સિજનતા (hypoxia) સર્જાય છે, જે શોથ અને કોષનાશના વિકારમાં પરિણમે છે.

પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ વિકારનું પ્રમાણ 3થી 5 ગણું વધારે હોય છે. રોજ 1 ગ્રામ ફિનાસેટિન જો 1થી 3 વર્ષ લેવાય અથવા કુલ 2 કિગ્રા. જેટલું ફિનાસેટિન અન્ય પીડાશામકો સાથે લેવાય તો આ વિકાર થઈ આવે છે. મૂત્રપિંડને થતું નુકસાન ધીમે ધીમે વધીને બાહ્ય સ્તરને અસર કરે છે અને તેથી મૂત્રપિંડનું કાર્ય ઘટવા માંડે છે. પ્રાંકુરીય કોષનાશ થાય ત્યારે ક્યારેક પેશાબમાં લોહી જાય છે (રુધિરમૂત્રમેહ, haematuria). અને જો મૂત્રમાર્ગમાં લોહીનો ગઠ્ઠો અવરોધ કરે તો ચૂંક ઊપડે છે. લગભગ અર્ધા જેટલા કિસ્સામાં પેશાબમાં પરુ જાય છે (સપૂયમૂત્રમેહ, pyuria); પરંતુ આવા પરુવાળા પેશાબમાંથી જીવાણુનું સંવર્ધન (culture) કરી શકાતું નથી. આને એક અગત્યની નિદાનસૂચક માહિતી ગણવામાં આવે છે. જો સાથે સાથે ચેપ પણ લાગ્યો હોય તો તેને સકુંડીમૂત્રપિંડશોથ (pyelonephritis) કહે છે. તે સમયે જીવાણુ-સંવર્ધન કરીને તેમને ઓળખી શકાય છે. રુધિરમૂત્રમેહ તથા સપૂયમૂત્રમેહની માફક ક્યારેક થોડા પ્રમાણમાં પ્રોટીનમૂત્રમેહ (proteinuria) પણ જોવા મળે છે. મૂત્રપિંડના મધ્ય સ્તર અને અંકુરોને ઈજા થતી હોવાથી દર્દી પેશાબની સાંદ્રતા વધારી શકતો નથી. ક્યારેક દૂરસ્થ મૂત્રનલિકાજન્ય અતિઅમ્લતા (distal tubular acidosis) નામનો વિકાર થઈ આવે છે અને ત્યારે મૂત્રપિંડની પેશીમાં કૅલ્શિયમ જમા થાય છે. તેને મૂત્રપિંડી-કૅલ્શિતા (nephrocalcinosis) કહે છે. ક્યારેક મૂત્રપિંડની નિષ્ફળતાના પ્રમાણમાં વધુ તીવ્રતાવાળી પાંડુતા (anaemia) થાય છે અને તેથી લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે. તેમાં પીડાશામક ઔષધોને કારણે વિવિધ અન્ય વિકારો થવાથી પાંડુતા થાય છે. દા.ત., જઠર-આંતરડાંમાંથી લોહી વહેવું કે રક્તકોષોનું તૂટી જવું, ક્યારેક દર્દીને પેટ, માથું કે સાંધા દુખે છે તથા લોહીનું દબાણ થોડાક પ્રમાણમાં વધે છે. નસ વાટે એક્સ-રે-રોધી દ્રવ્ય આપીને મૂત્રમાર્ગનાં ચિત્રણો (images) લેવાય છે. તેને શિરામાર્ગી મૂત્રમાર્ગ-ચિત્રણ (intravenous pyelography, IVP) કહે છે. તેમાં મૂત્રપિંડી કુંડ(renal pelvis)ની વિકૃતિ તથા નાનું થયેલું મૂત્રપિંડ જોઈ શકાય છે. લાંબા સમયે ક્યારેક કૅન્સર પણ ઉદભવે છે. સારવાર રૂપે દર્દીને પીડાશામકો ન લેવાનું સૂચવાય છે. જો શરૂઆતનો વિકાર હોય તો વિકારનો વિકાસ અટકે છે અને પાછળથી મૂત્રપિંડના કાર્યમાં સુધારો પણ જોવા મળે છે.

શિલીન નં. શુક્લ

પ્રવીણ અ. દવે